ભારતીય શેરબજારની પ્રાઇમરી માર્કેટ છેલ્લા થોડા વખતથી ધમધમી રહી છે. એમસબીઆઇ કાર્ડ્સ ઍન્ડ પૅમેન્ટ સર્વિસીસ લિ, કોમ્પ્યુટર ઍજ મૅનેજમેન્ટ સર્વિસીસ લિ, કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ, રોઝરી બાયોટેક લિ, હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નૉલૉજીસ લિ, રુટ મોબાઇલ લિમિટેડ વગેરે કંપનીઓનાં ભરણાં બજારમાં આવ્યાં. કોઈપણ કંપની પહેલી વાર પોતાના શેર ઇસ્યૂ કરે એ પ્રસંગ રોકાણકારો માટે યાદગીરી સમાન બની જતો હોવાનો અત્યાર સુધીનો અનુભવ છે.
ઘણા રોકાણકારો માને છે મોટા-મોટા આઇપીઓ સતત આવ્યા કરે એ બજાર માટે સારી વાત નથી, કારણ કે તેને લીધે બજારમાંથી નાણાંની પ્રવાહિતા ઘણી ઓછી થઈ જાય છે. એક સમયે બજારમાં આવું થતું હતું, પરંતુ આજકાલ મોટા મોટા ઇસ્યૂ આવ્યા પછી પણ બજારમાં પ્રવાહિતા ટકેલી જોવા મળે છે.
સારા સંચાલકો અને મજબૂત નાણાકીય સ્થિતિ અને રેકર્ડ ધરાવતી કંપનીઓના આઇપીઓ આવે ત્યારે તેમના શેર ખરીદવા માટે મોટી સંખ્યામાં ખરીદદારો તૈયાર જ હોય છે. આઇપીઓના શેર માટે ઉંચી માગ રહે એ સ્થિતિ સંબધિત શેરના લિસ્ટિંગના દિવસે નફો કમાવા માગતા લોકો તથા લાંબા ગાળા માટે એ શેર રાખી મૂકવા માગતા લોકો એ બન્ને માટે સારી હોય છે.
વર્ષ 2020માં આવેલા ટોચના 10 આઇપીઓ પર નજર નાખીએ તોઃ
કંપનીનું નામ | ઇસ્યૂ સાઇઝ | કેટલા ગણો ભરાયો |
મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિ. | 443 | 157.41 |
હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નૉલૉજીસ લિ. | 702 | 150.98 |
કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ | 318 | 149.3 |
રોઝરી બાયોટેક લિ. | 496 | 79.37 |
રુટ મોબાઇલ લિ. | 600 | 73.3 |
કોમ્પ્યુટર ઍજ મૅનેજમેન્ટ સર્વિસીસ લિ. | 2244 | 46.99 |
એસબીઆઇ કાર્ડ્સ ઍન્ડ પૅમેન્ટ સર્વિસીસ લિ. | 10354 | 26.54 |
માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્ક્સ | 4500 | 12.96 |
લિખિતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિ. | 61 | 9.5 |
એન્જલ બ્રોકિંગ લિ. | 600 | 3.94 |
વોરેન બફેટે કહ્યું છે કે શેરબજાર એ અધીરા લોકો પાસેથી ધીરજવાન લોકો સુધી નાણાં પહોંચાડવા માટેનું સાધન છે. આ વાત પ્રાઇમરી અને સેકન્ડરી એમ બન્ને માર્કેટને લાગુ પડ છે.
જો કે, આઇપીઓમાં રોકાણ કરવા સંબંધે અનેક ગેરલાભ પણ છે. ખાસ કરીને નવા રોકાણકારો લિસ્ટિંગના દિવસે લાભ મળવાની ધારણાએ રોકાણ કરતા હોય છે. તેઓ જાણ્યે-અજાણ્યે કેવી ભૂલો કરે છે તેના વિશે વાત કરીએ, જેથી આગામી સમયમાં લોકો એ ભૂલોનું પુનરાવર્તન કરતાં અટકે.
1) ફક્ત લિસ્ટિંગના દિવસે લાભ થાય એ માટે રોકાણ કરવાનું ટાળોઃ
રોકાણજગતના માંધાતા વોરેન બફેટે કહ્યું છે કે જો તમે 10 વર્ષ સુધી કોઈ શેર રાખી મૂકવાની ધીરજ ધરાવતા ન હો તો તમારે એ શેર દસ મિનિટ માટે પણ પોતાની પાસે રાખવો નહીં. કેટલાક આઇપીઓમાં અનેક ગણી અરજીઓ આવી જતી હોય છે, પરંતુ લિસ્ટિંગ થાય ત્યાર સુધીમાં બજારનું માનસ બદલાઈ જવાને કારણે લિસ્ટિંગના દિવસે નફો મળે નહીં એ શક્ય છે. આવામાં મહેનતની કમાણી ફસાઈ જવાની શક્યતા રહે છે. આમ છતાં, જો તમે લિસ્ટિંગના દિવસના નફાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે રોકાણ કર્યું હોય તો તમારો સ્ટોપ-લોસ નક્કી કરો અને બજારમાંથી ક્યારે નીકળી જવું છે એ પણ નક્કી કરો.
2) માર્કેટિંગની માયાજાળમાં ફસાવું નહીં:
કોઈપણ આઇપીઓ આવે ત્યારે તેનું મોટાપાયે માર્કેટિંગ થતું હોય છે. રોકાણની દૃષ્ટિએ આઇપીઓ નબળો હોય તો પણ તેને આકર્ષક બનાવવામાં કોઈ કચાશ રખાતી નથી. આ કામ કરતા અંડરરાઇટર્સનું તો કામ જ રોકાણકારોને એમનો ઇસ્યૂ વેચવાનું હોય છે. આથી માર્કેટિંગની આવી માયાજાળમાં ફસાવું નહીં.
3) મોટા બ્રાન્ડ નેમમાં રોકાણઃ
ઘણી વાર રોકાણકારો કંપનીનું મોટું નામ જોઈને આઇપીઓમાં નાણાં રોકવા તૈયાર થતા હોય છે. એમને કહેવાનું કે વાસ્તવિક જગતનાં ઉદાહરણોને તેમણે ધ્યાનમાં લેવાં જોઈએ. દા.ત. વર્ષ 2008માં સબ-પ્રાઇમ ક્રાઇસીસ આવ્યા બાદ આવેલો રિલાયન્સ પાવરનો આઇપીઓ. તેની ઘણી પબ્લિસિટી કરવામાં આવી અને કંપનીનું નામ પણ મોટું હતું. લિસ્ટિંગમાં તો ઘણો નફો થયો, પરંતુ પછીથી કંપની નબળી પડી. આ ઉદાહરણ પરથી ધ્યાનમાં લેવાનું કે ક્યારેક નામ બડે, દર્શન ખોટે જેવો ઘાટ ઘડાઈ શકે છે.
4) ગ્રે માર્કેટ પર વધુ પડતો ભરોસોઃ
આઇપીઓ આવતાં પહેલાં ગ્રે માર્કેટમાં તેની કેટલી માંગ છે તેના આધારે લોકો રોકાણ કરવાનો નિર્ણય લેતા હોય છે. જો કે, ગ્રે માર્કેટ કદી સંપૂર્ણપણે વિશ્વસનીય હોઈ શકે નહીં. બજારમાં સ્થિરતા હોય ત્યારે કદાચ એની માંગનો અંદાજ સાચો પડે, પણ અનિશ્ચિતતાભર્યા સમયમાં એના પર ભરોસો કરાય નહીં.
5) આંધળું અનુકરણઃ
તમારા મિત્રો કે સંબંધીઓ નવા આઇપીઓ માટે ઘણા ઉત્સાહી છે એ જોઈને તમારો ઉત્સાહ વધી જાય અને તમે એમનું આંધળું અનુકરણ કરો એ ઇચ્છનીય નથી. તમે માર્કેટ વિશે પૂરતી જાણકારી ધરાવતા ન હો અને બીજાને અનુસરો ત્યારે ભૂલ થવાની શક્યતા વધારે હોય છે. તેજીના સમયમાં બધા જ આઇપીઓ ઓવરસબ્સ્ક્રાઇબ થતા હોય છે, પરંતુ બધામાં લિસ્ટિંગનો નફો મળતો નથી.
6) વધારે પડતી બિડ કરવી નહીં:
સેબીએ આઇપીઓના શેરની ફાળવણી બાબતે અનેક ફેરફાર કર્યા છે. આજકાલ બે લાખ રૂપિયા કરતાં ઓછું રોકાણ કરનારા રિટેલ અરજદારોને સમાન સ્તરે ગણીને શેરની ફાળવણી થાય છે. આથી રોકાણ માટેની અરજી નાની રકમની હોય કે પ્રમાણમાં મોટી હોય, તેનો કોઈ ફરક પડતો નથી. ઓવરસબ્સ્ક્રિપ્શનના કિસ્સામાં ફાળવણીની શક્યતા બન્ને બાજુ સરખી હોય છે. વધુ પડતી અરજીઓ કરીને રોકાણકારો નાહકના મોટી રકમ બ્લોક કરી દેતા હોય છે. વાસ્તવમાં, ફાળવણીની સંભાવના સરખી જ રહે છે.
આઇપીઓ માટે તમે ભલે કંપનીઓની સ્થિતિ જૂઓ, પરંતુ જ્યારે તમારા પર્સનલ ફાઇનાન્સની વાત આવે ત્યારે આઇપીઓમાં રોકાણ કરતી વખતે અનેક બાબતોને લક્ષમાં લેવી પડે છે. આથી તમારા ફાઇનાન્શિયલ પ્લાનર કે કોચ તમને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે.
હાલની આઇપીઓની મોસમ માટે આપ સૌને શુભેચ્છા. તમે ઉપરોક્ત ભૂલોને ટાળો એ અગત્યનું છે.
(ખ્યાતિ મશરૂ-વસાણી)