શેરબજારમાં ઉંચું વળતર મળે, પરંતુ…

શેરબજારમાં ઉંચું વળતર મળે છે એ વાત સાવ સાચી, પરંતુ પોતાનું લક્ષ્ય આવી જાય ત્યારે બજારની બહાર નીકળી જવાની સ્પષ્ટતા દરેક રોકાણકારના મનમાં હોવી જોઈએ.

વર્ષ 2020માં માર્ચના ઘટાડા પછી શેરબજાર સતત વધતું ગયા બાદ 2021માં પણ એ જ ક્રમ ચાલુ રહેતાં બજાર નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે. એક બાજુ કોરોનાનો ડર હોવા છતાં સેન્સેક્સ 48,700ની સપાટી વટાવી ગયો એનાથી સૌને આશ્ચર્ય, અને સાથે સાથે ખુશી પણ છે.

2020માં લોકડાઉન લાગવા ઉપરાંત અર્થતંત્રની સ્થિતિ બગડતી ગઈ, લોકોએ ઘરે રહીને કામ કરવું પડ્યું, મોટા પ્રમાણમાં બેરોજગારી આવી, અમેરિકામાં સત્તાપલટો થયો, કોરોનાની રસીઓ આવી, પરંતુ હજી પ્રજાને તેમાં પૂરેપૂરો વિશ્વાસ નથી. એ બધા ઘટનાક્રમ પછી હવે ભારતીય અર્થતંત્રમાં હવા પલટાઈ હોવાનું જોવા મળે છે. આવતા વર્ષે વૃદ્ધિદર વધશે એવું ભારતીય તથા વૈશ્વિક અર્થશાસ્ત્રીઓનું કહેવું  છે.

આવા સંજોગોમાં લોકોને એ વાતની નવાઈ છે કે અર્થતંત્રની વૃદ્ધિ અને ભારતીય શેરબજાર વચ્ચે કોઈ કનેક્શન છે કે નહીં. ભારતનો વૃદ્ધિદર એપ્રિલ ક્વૉર્ટરમાં 23.9 ટકા ઘટ્યો હતો અને જુલાઈ ક્વૉર્ટરમાં ઘટાડો 7.5 ટકા રહ્યો હતો. નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2014 અને 2018 વચ્ચેના ગાળામાં સરેરાશ વૃદ્ધિદર 7.4 ટકા રહ્યો છે. જીડીપીની અને સેન્સેક્સની વૃદ્ધિના ચાર્ટ પર નજર કરતાં જોવા મળે છે કે ટૂંકા ગાળામાં ભલે બન્નેના વૃદ્ધિદર અલગ અલગ દેખાતા હોય, લાંબા ગાળે એમનું મૅચિંગ થાય છે.

લોકડાઉન દરમિયાન દેખીતી રીતે ફાર્મા અને આઇટી ક્ષેત્રના સ્ટૉક્સમાં તેજી હતી, કારણ કે એ બન્ને ક્ષેત્રોનું કામ પુરજોશમાં ચાલી રહ્યું હતું. જોકે, તેના પછી મેટલ, બૅન્કિંગ, રિયાલ્ટી તથા અન્ય ક્ષેત્રોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં બજારમાં ઘણું વધારે વળતર મળ્યું છે. એકલા ડિસેમ્બર મહિનામાં આશરે 8 ટકાનું વળતર મળ્યું હતું. આપણે આ કટારમાં ગયા મહિને જ કહ્યું હતું કે બજાર ઉંચે જવાની સંભાવના છે. હવે ભારતમાં કોરોના રસીકરણની તૈયારીઓ ચાલી રહી છે એ ઘણા મોટા સમાચાર છે.

અહીં ખાસ નોંધવું રહ્યું કે વર્ષ 2000માં ડોટ કોમ તેજીનો પરપોટો ફૂટ્યો અને 2008માં વૈશ્વિક આર્થિક કટોકટી આવી એ બન્નેની પહેલાં કોઈ એક ચોક્કસ ક્ષેત્રમાં જ પુરપાટ તેજી ચાલી હતી. આ વખતે અનેક ક્ષેત્રોમાં તેજી જોવા મળી રહી છે એ રાહતપૂર્ણ બાબત કહેવાય. અગાઉ જોવા મળેલી અનેક તેજીઓ કરતાં આ વખતની તેજી અલગ છે એવું નવા રોકાણકારોની સાથે સાથે અનુભવી રોકાણકારો પણ કહેવા લાગ્યા છે.

સરકાર આર્થિક સહાયનાં વધુ પૅકેજ જાહેર કરશે અને હવે ગ્રાહકોનો અર્થતંત્ર પરનો વિશ્વાસ પણ વધી રહ્યો છે. જોકે, આવા વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બજારની તેજીનો ટૂંકા ગાળામાં લાભ લઈ લેવાની વૃત્તિ રાખવી નહીં. શેરબજારમાં ઉંચું વળતર મળે છે એ વાત સાવ સાચી, પરંતુ પોતાનું લક્ષ્ય આવી જાય ત્યારે બજારની બહાર નીકળી જવાની સ્પષ્ટતા દરેક રોકાણકારના મનમાં હોવી જોઈએ. વળી, બજારની દરેક પ્રકારની સ્થિતિમાં નાણાકીય સલાહકારની મદદથી રોકાણ શરૂ કરી શકાય છે. એ સહાય દરેકને પોતપોતાનાં લક્ષ્યો સુધી પહોંચવામાં ઘણી ઉપયોગી સાબિત થતી જોવા મળી છે.

(ખ્યાતિ મશરૂ-વસાણી)