લોકડાઉનઃ હોમ લોન પરના વ્યાજદર બાબતે ચોખવટ જરૂરી

ભારતીય રિઝર્વ બૅન્કે પ્રાદેશિક ગ્રામીણ બૅન્કોને બાદ કરતાં તમામ શેડ્યુલ્ડ કોમર્શિયલ બૅન્કો, સ્થાનિક બૅન્કો અને સ્મૉલ ફાઇનાન્સ બૅન્કોને રિટેલ લોન અને એમએસએમઈ (માઇક્રો સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ) લોન માટેના તેમના વ્યાજના દર 1 ઑક્ટોબર, 2019થી એક્સટર્નલ બેન્ચમાર્ક રેટને સંલગ્ન કરવાનું કહ્યું છે.

રિઝર્વ બૅન્કે તેના પરિપત્રમાં કહ્યું હતું કે બૅન્કો જે એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે પોતાના ધિરાણના દર સાંકળી શકે છે એમાં રિઝર્વ બૅન્કના રેપો રેટ, ભારત સરકારના ત્રણ મહિનાની મુદતના ટ્રેઝરી બિલ્સની ઊપજ, છ મહિનાના ટ્રેઝરી બિલ્સની ઊપજનો તથા એફબીઆઇએલ (ફાઇનાન્શિયલ બેન્ચમાર્ક ઇન્ડિયા લિમિટેડ) દ્વારા જાહેર કરાતા અન્ય કોઈ બેન્ચમાર્ક દરનો સમાવેશ થાય છે.

બૅન્કો ધિરાણના વ્યાજદરને આ પ્રમાણેના બેન્ચમાર્ક રેટ સાથે સાંકળી શકે છેઃ
દર સ્રોત
રિઝર્વ બૅન્કે જાહેર કરેલો રેપો રેટ રિઝર્વ બૅન્ક
ત્રણ મહિનાની મુદત ધરાવતા ભારત સરકારના ટ્રેઝરી બિલ્સની ઊપજ એફબીઆઇએલ
છ મહિનાની મુદત ધરાવતા ભારત સરકારના ટ્રેઝરી બિલ્સની ઊપજ એફબીઆઇએલ
અન્ય કોઈ બેન્ચમાર્ક દર એફબીઆઇએલ
એફબીઆઇએલ = ફાઇનાન્શિયલ બેન્ચમાર્ક ઇન્ડિયા લિમિટેડ

મોટાભાગની બૅન્કોએ એક્સટર્નલ બેન્માર્ક તરીકે રિઝર્વ બૅન્કના રેપો રેટની પસંદગી કરી છે. રેપો રેટની સાથે સાંકળવામાં આવતા ધિરાણના વ્યાજદરને રેપો રેટ લિંક્ડ લેન્ડિંગ રેટ (આરએલએલઆર) કહેવાય છે. રેપો રેટમાં બૅન્કના સ્પ્રેડ કે માર્જિનને ઉમેરીએ તો આરએલએલઆર મળે છે.

નોંધનીય છે કે રિઝર્વ બૅન્કે ગત 27મી માર્ચે નાણાં નીતિની સમીક્ષા વખતે નીતિવિષયક વ્યાજદરની જાહેરાત કરી હતી. એ દિવસથી લાગુ થયેલો રેપો રેટ 4.40 ટકા છે. એમાં બૅન્કો પોતપોતાનું માર્જિન ઉમેરી શકે છે.

કોઈ પણ બૅન્કના તમામ કરજદારોને એકસમાન વ્યાજદર લાગુ પડે છે. જો કે, રિઝર્વ બૅન્કના પરિપત્રમાં કહેવાયું છે કે બૅન્કો કરજદારો પાસેથી રિસ્ક પ્રીમિયમ પણ વસૂલ કરી શકે છે. આમ, બૅન્કોને દરેક કરજદાર પાસેથી નાણાં પાછાં મળવાની બાબતે જે જોખમ લાગે એના પ્રમાણમાં એ રિસ્ક પ્રીમિયમ વસૂલ કરી શકે છે. નોંધનીય છે કે રિઝર્વ બૅન્કના અનેક પ્રયાસ છતાં ઘણી બૅન્કોએ વ્યાજદરના ફેરફારની વાત ગ્રાહકો સુધી પહોંચાડી નથી.

અમારા ક્લાયન્ટ્સના પોર્ટફોલિયોની સમીક્ષા વખતે અમે આ મુદ્દે ચર્ચા કરી ત્યારે જાણ થઈ કે બૅન્કોએ તેમને ધિરાણના દર નક્કી કરવાની નવી પદ્ધતિ વિશે કંઈ કહ્યું જ નથી. આમ, તેઓ જે વખતે લોન લીધી હતી એ વખતના ઉંચા દરે વ્યાજ ચૂકવી રહ્યા હતા.

લોનની બાબતે લોકોને જણાવવાના કેટલાક મુદ્દાઓની આજે ચર્ચા કરી લઈએઃ

લોનની વહેલી ચૂકવણીઃ જો સંપૂર્ણ લોનની વહેલી ચૂકવણી કરી દેવાય તો ગ્રાહકને વ્યાજની ઘણી મોટી બચત થઈ જાય છે. સામાન્ય રીતે પર્સનલ લોનમાં એક વર્ષનો લોક ઇન સમયગાળો હોય છે. ત્યાર બાદ બાકી બચેલી રકમ સંપૂર્ણપણે વહેલી ચૂકવી શકાય છે.

લોનની આંશિક ચૂકવણીઃ જો સંપૂર્ણ લોન ચૂકવવા જેટલી રકમ ન બચી હોય તો આંશિક ચૂકવણી પણ થઈ શકે છે. આ સંજોગોમાં ઈએમઆઇ ઘટે છે અને વ્યાજની પણ બચત થાય છે.

કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાભરી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાના બજેટમાં આવશ્યક ફેરફારો કરવાનું જરૂરી બન્યું છે.

જેના માથે કોઈ લોન હોય એમણે લોનની બધી વિગતો તપાસી લેવી અને બજારમાં પ્રવર્તમાન વ્યાજદર કરતાં ઉંચા દરે વ્યાજ જતું નથી એની ખાતરી કરી લેવી. લોકડાઉનના આ સમયગાળામાં પોતપોતાની બૅન્કનો સંપર્ક કરીને વ્યાજદર બાબતે સ્પષ્ટતા કરી લેવી.

અલગ અલગ બૅન્ક કરજ લેનારની ઉંમર, નોકરી, રોજગારની સ્થિરતા, ક્રેડિટ હિસ્ટરી તથા અન્ય પરિબળોના આધારે લોન પાસ કરતી હોય છે. તમે જેની પાસે લોન લેવા માગતા હો તેની પાસેથી કયા દરે લોન મળશે તેની તપાસ કરીને સારામાં સારી ઓફર મેળવવાનો પ્રયાસ કરવો.

નોંધનીય છે કે અન્ય બેન્ચમાર્ક રેટની તુલનાએ રેપો રેટમાં ઓછા ઉતાર-ચડાવ થતા હોય છે. આથી રેપો રેટને સંલગ્ન દર ધરાવતી લોન લેવી.

લોકડાઉને દરેક પરિવારને પોતાની નાણાકીય સમીક્ષા કરવા માટે પૂરતો સમય આપ્યો છે, રખે ચૂકી જતા.

  • ખ્યાતિ મશરૂ-વસાણી (ચાર્ટર્ડ વેલ્થ મેનેજર)
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]