એર ઈન્ડિયાનો બિઝનેસ ક્લાસ ‘મહારાજા ડાયરેક્ટ’

કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ આજે એર ઈન્ડિયાના વિમાનોમાં મહારાજા ડાયરેક્ટ નામે નવા બિઝનેસ ક્લાસનો શુભારંભ કરાવ્યો છે. સરકાર સંચાલિત રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાના બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસના પ્રવાસીઓને લાંબા અંતરની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં મહારાજા ડાયરેક્ટ વિભાગમાં ઉત્પાદનો અને સેવાઓની બાબતમાં નવા સરસ અનુભવ કરાવવાના ઉદ્દેશ્ય સાથે આ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.

નવી કાયાપલટમાં, મહારાજા બિઝનેસ ક્લાસની સીટોને વધારે સ્પેસ આપવામાં આવી છે. પ્રવાસીઓને વિવિધ પ્રકારની નવી વાનગીઓ પીરસવામાં આવશે.

પ્રવાસીઓને બિઝનેસ ક્લાસના નવા વર્ઝનમાં આવતી 1 જુલાઈથી પ્રવાસ કરવા મળશે.

એર ઈન્ડિયાની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે.

એર ઈન્ડિયાના એક્ઝિક્યૂટિવ્સનો દાવો છે કે પ્રવાસીઓને ખાતરી થશે કે એર ઈન્ડિયાનો નવો બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસ દુનિયાની કોઈ પણ એરલાઈન કરતાં સરસ છે.

મહારાજા ડાયરેક્ટ વિભાગમાં એર ઈન્ડિયાની મહિલા ક્રૂ મેમ્બર્સને પણ નવી વેશભુષામાં જોવા મળશે. એરહોસ્ટેસીસ પરંપરાગતને બ્લુ અને લાલ રંગના નવા કલર કોમ્બિનેશનમાં, નવી ડ્રેસ સ્ટાઈલવાળા લૂક સાથે પ્રવાસીઓની સેવા માટે હાજર થશે.

એર ઈન્ડિયાના આ નવા સ્ટાઈલિશ અને લક્ઝરિયસ નવા ક્લેવર પાછળનો હેતુ પ્રવાસીઓને એમના ફ્લાઈંગ અનુભવને અને એર ઈન્ડિયાની પરોણાગતને બેહતર બનાવવાનો છે.

મહારાજા ડાયરેક્ટ વિભાગમાં પ્રવાસ કરનારાઓને વધુ સારું ફૂડ મળશે.

હાલ આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર એર ઈન્ડિયા 17 ટકા માર્કેટ શેર ધરાવે છે. પ્રતિ સપ્તાહ તે 2,500 ઈન્ટરનેશનલ પ્રાઈમ-ટાઈમ સ્લોટ્સ ધરાવે છે અને તે 44 આંતરરાષ્ટ્રીય ડેસ્ટિનેશન્સ સુધી પ્રસરેલા છે.