અભિનેત્રી માલા સિંહાને અભિનેતા જાનકીદાસે ફિલ્મ ‘નયા ઝમાના’ (૧૯૫૭) ના અપાવી હોત તો કદાચ તે ફરી ક્યારેય હિન્દી ફિલ્મોમાં દેખાયા ન હોત. માલા સિંહાનું અસલ નામ આલ્ડા સિંહા હતું. સ્કૂલમાં એને ‘ડાલ્ડા’ તરીકે ચીડવવામાં આવતી હતી. બાળ કલાકાર તરીકે બંગાળી ફિલ્મોમાં કામ શરૂ કર્યું ત્યારે નામ બદલીને માલા કરી દીધું. માલા કિશોરવયની થઇ ત્યારે એક વખત ફિલ્મફેર સામયિકમાં તેની તસવીર છપાઇ અને એ જોઇ અમિયા ચક્રવર્તીએ પોતાની હિન્દી ફિલ્મ ‘બાદશાહ’ (૧૯૫૪) માટે મુંબઇ બોલાવી. તેમણે માલા સાથે ત્રણ ફિલ્મોનો કરાર કર્યો હતો. પરંતુ ‘બાદશાહ’ ફ્લોપ રહી એટલે બીજી ફિલ્મો બનાવવાનું બંધ રાખ્યું અને કરાર રદ કરી દીધો. એ બે ફિલ્મો તેમણે પછી નૂતન (સીમા) અને વૈજયંતિમાલા (કઠપૂતલી) સાથે બનાવી જ્યારે માલાને કિશોર સાહૂ સાથે ‘હેમલેટ’ (૧૯૫૪) અને ‘એકાદશી’ (૧૯૫૫) મળી. એ બંને ફ્લોપ થઇ ગયા પછી માલા સિંહા સાથે ફિલ્મ બનાવવા કોઇ તૈયાર થયું નહીં. લાંબા સમય સુધી માલાએ નિર્માતાઓ તેની પાસે આવશે એવી આશા રાખી. પરંતુ કોઇ ફરક્યું નહીં. જ્યારે ઘરનું ભાડું ચૂકવવાના પૈસા ના રહ્યા ત્યારે મુંબઇ છોડીને કલકત્તા પાછા ફરવાનો નિર્ણય લઇ લીધો.
માલાનો હીરોઇન તરીકે જમાનો આવવાનો હશે એટલે અભિનેતા જાનકીદાસ તારણહાર બનીને આવ્યા. તે માલાના પિતાના સારા મિત્ર બની ગયા હતા. એમણે પિતાને આશ્વાસન આપ્યું કે છોકરીમાં પ્રતિભા છે. એને કામ જરૂર મળશે. ત્યારે લેખરાજ ભાકરી ‘નયા ઝમાના'(૧૯૫૭) બનાવી રહ્યા હતા. જાનકીદાસે લેખરાજને કહ્યું કે આ ફિલ્મ માટે તમારે જે નિર્દોષ ચહેરાવાળી છોકરી જોઇએ છે એ માટે માલા યોગ્ય રહેશે. તેમણે લેખરાજને માલાની ફ્લોપ રહેલી અને પોતે પણ જેમાં કામ કર્યું હતું એ ‘હેમલેટ’ જોવાની ભલામણ કરી. એ ફિલ્મના માલાના અભિનયના વખાણ થયા હતા. ‘હેમલેટ’ વખતે માલા પાતળી હતી. પરંતુ ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને અભિનેતા કિશોર સાહૂની પત્નીએ માલાને કોસ્ચ્યુમ્સ અને વીગથી ભૂમિકા માટે તૈયાર કરી હતી. ‘હેમલેટ’ ને જોયા પછી લેખરાજે માલાનો ઓડિશન લીધો એમાં તે પાસ થઇ ગઇ. ‘નયા ઝમાના’ સાથે ગુરુદત્તની ‘પ્યાસા’ (૧૯૫૭) મળી ગઇ. ગીતા દત્તે એ માટે માલાની ભલામણ કરી હતી. માલાના પ્રદીપકુમાર સાથેના એક બંગાળી નાટકના અભિનયથી ગીતા દત્ત પ્રભાવિત થયા હતા. ગીતાએ ગુરુને કહ્યું કે બે-ત્રણ ફિલ્મો ફ્લોપ થઇ ગઇ છે પણ છોકરી પ્રતિભાશાળી છે. ગુરુ દત્તે માલા સાથે મુલાકાત કરી અને પ્રભાવિત થઇને ‘પ્યાસા’ માં કામ આપ્યું. એ જ વર્ષે મનોજકુમારની પહેલી ફિલ્મ ‘ફેશન’ માં નિર્દેશક લેખરાજ ભાકરીએ માલા સિંહાને પ્રદીપકુમાર સાથે કામ આપ્યું. એક પછી એક ફિલ્મો મળતી ગઇ. રાજેન્દ્રકુમાર સાથે યશ ચોપડાની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’ (૧૯૫૯) ની સફળતાથી તો માલા સિંહા સ્ટાર હીરોઇન બની ગઇ. ‘ધૂલ કા ફૂલ’ નો વિષય એ જમાનામાં બોલ્ડ હતો. એની વાર્તા સાંભળીને પિતાની ઇચ્છા ન હતી. માલાએ તેમને સમજાવ્યા કે ફિલ્મમાં એક સારો સંદેશ છે ત્યારે એમણે મંજુરી આપી. એ પછી માલાએ સતત પાંત્રીસ વર્ષ સુધી ફિલ્મોમાં કામ કર્યું. માલાએ એ સમયના લગભગ બધા જ હીરો સાથે કામ કર્યું પણ દિલીપકુમાર સાથે કોઇ ફિલ્મ કરી શક્યા નહીં. માલાને દિલીપકુમાર સાથેની ‘રામ ઔર શ્યામ’ નો પ્રસ્તાવ મળ્યો ત્યારે દક્ષિણની ફિલ્મોમાં વ્યસ્ત હોવાથી મુમતાઝને લેવામાં આવી હતી. દિલીપકુમાર સાથે કામ કરવાની એ તક ચૂકી ગયાનો અફસોસ માલાને કાયમ માટે રહ્યો.
(રાકેશ ઠક્કર-વાપી)