રતિને નસીબથી પહેલી ફિલ્મ મળી

પહેલી હિન્દી ફિલ્મ ‘એક દૂજે કે લિયે’ (૧૯૮૧) પોતાની અભિનય પ્રતિભા કરતાં નસીબને કારણે મળી હોવાનું રતિ અગ્નિહોત્રી માને છે. જોવા જઇએ તો રતિની આ વાત સાચી પણ કહી શકાય. રતિ પહેલાં પદ્મિની કોલ્હાપુરેને આ ફિલ્મ ઓફર થઇ હતી. તેની પાસે તારીખોની સમસ્યા હોવાથી સ્વીકારી શકી ન હતી. પદ્મિનીને ‘એક દૂજે કે લિયે’ ઉપરાંત ‘સિલસિલા’ અને ‘રામ તેરી ગંગા મેલી’ પણ આવા જ કારણથી ગુમાવવાનો અફસોસ કાયમ રહ્યો છે. નિર્દેશક કે. બાલાચંદરએ પોતાની તેલુગુ ફિલ્મ ‘મારો ચરિત્ર’ પરથી એની રીમેકના સ્વરૂપમાં પહેલી હિન્દી ફિલ્મ તરીકે ‘એક દૂજે કે લિયે’ બનાવવાનું નક્કી કર્યું હતું. પહેલાં ફિલ્મનું નામ ‘એક ઔર ઇતિહાસ’ વિચારવામાં આવ્યું હતું. રીમેકમાં કમલ હસનને જ હીરો તરીકે નક્કી કર્યો.

પરંતુ હીરોઇન તરીકે તેલુગુમાં કામ કરનાર સરિતાને બદલે નવી હીરોઇન માટે વિચાર્યું. પદ્મિનીએ ના પાડ્યા પછી તેમની નજર રતિ પર પડી. ફિલ્મમાં ‘સપના’ ની ભૂમિકા માટે તે કોઇ પંજાબી છોકરીની શોધમાં હતા. એ સમયે રતિની તમિલ ફિલ્મ ‘પુથિયા વાર્પુગલ’ સફળ થઇ ગઇ હતી. ત્યારે રતિની ઉંમર સોળ વર્ષની હતી. તેને ‘એક દૂજે કે લિયે’ ઓફર થઇ ત્યારે બીજી ઘણી મોટી ફિલ્મો માટે વાત ચાલતી હતી. પરંતુ રતિના પિતાને તેલુગુ ફિલ્મ જોયા પછી બોલિવૂડમાં શરૂઆત માટે ‘એક દૂજે કે લિયે’ વધારે યોગ્ય લાગી. તેલુગુ ફિલ્મ જોઇ ત્યારે એક શબ્દ પણ એમની સમજમાં આવ્યો ન હતો. માત્ર વાર્તાને કારણે એમણે રતિ માટે ફિલ્મ પસંદ કરી હતી.

નિર્દેશકે રતિને એ ફિલ્મ જોવાની મનાઇ ફરમાવી હતી. કેમકે તે ઇચ્છતા ન હતા કે રતિ ફિલ્મના પ્રભાવમાં આવી જાય અને સરિતાની જેમ કામ કરે. રતિને તમિલ આવડતું ન હતું. નિર્દેશક ઘણી વખત અંગ્રેજીમાં દ્રશ્ય સમજાવતી વખતે તમિલ બોલવા લાગી જતા હતા. ત્યારે નિર્માતા એલ.વી. પ્રસાદ તેના દુભાષિયા તરીકે કામ કરતા હતા. ફિલ્મની સફળતામાં આનંદ બક્ષીના ગીતો અને લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીતનો પણ મોટો ફાળો હતો. ‘તેરે મેરે બીચ મેં’ ગીત માટે આનંદ બક્ષીને શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેરનો અને એસ.પી. બાલાસુબ્રમણ્યમને સર્વશ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. રતિની જેમ જ ગાયક એસ.પી. ની આ પહેલી હિન્દી ફિલ્મ હતી.

એમ કહેવાય છે કે ફિલ્મના શુટિંગમાં કમલ એ સમય પર મોટો સ્ટાર હોવાથી નવોદિત રતિ સાથે બોલતો ન હતો. એ પછી બંને એક જ ફિલ્મ ‘દેખા પ્યાર તુમ્હારા’ માં દેખાયા હતા. કેમકે એ ફિલ્મ ‘એક દૂજે કે લિયે’ ની રજૂઆત પહેલાં શરૂ થઇ હતી. પરંતુ તૈયાર થતાં ચાર વર્ષ લાગી ગયા હતા. રતિને પહેલી ફિલ્મ ‘એક દૂજે કે લિયે’ સાથે બહુ લગાવ રહ્યો હોવાથી તેની રીમેક બનાવવાના અધિકાર ખરીદી રાખ્યા છે. રતિ ગૌરવ સાથે કહેતી રહે છે કે મારું એ નસીબ જ હતું કે પહેલી હિન્દી ફિલ્મના નિર્દેશક કે. બાલાચંદર હતા. ‘એક દૂજે કે લિયે’ પછી રતિની શૌકિન, મશાલ, તવાયફ, પિઘલતા આસમાન, આપ કે સાથ વગેરે ઉલ્લેખનીય ફિલ્મો ગણાય છે

(રાકેશ ઠક્કર-વાપી)