‘રામ ઔર શ્યામ’ માં કામ કરતી વખતે દિલીપકુમાર- વૈજયંતિમાલા” ની જોડી તૂટી હતી. ‘રામ ઔર શ્યામ'(૧૯૬૭) ના શૂટિંગ વખતે બંને વચ્ચે મતભેદ ના થયો હોત તો કદાચ હજુ વધારે ફિલ્મોમાં સાથે દેખાયા હોત. બંનેએ સાત ફિલ્મો સાથે કરી હતી. નિર્દેશક બિમલ રૉયની ફિલ્મ ‘દેવદાસ’ (૧૯૫૫) આ જોડીની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મથી દિલીપકુમાર એક સશક્ત અભિનેતા તરીકે બહાર આવ્યા અને વૈજયંતિમાલા સાથે તેમની જોડી લોકપ્રિય બની ગઇ. એ પછી બંને નયા દૌર (૧૯૫૭), મધુમતિ (૧૯૫૮), પૈગામ(૧૯૫૯), ગંગા જમુના (૧૯૬૧), લીડર (૧૯૬૪) અને સંઘર્ષ (૧૯૬૮)માં સાથે દેખાયા. જોકે ‘સંઘર્ષ’ ને પૂર્ણ કરતાં નિર્દેશક એચ. એસ. રવૈલને ઘણો સમય લાગ્યો હતો.
અસલમાં તેમણે હીરોઇન તરીકે સાધનાને પસંદ કરી હતી. ત્યારે તેને થાઇરોઇડની બીમારી થતાં સારવાર માટે બોસ્ટન ગઇ હતી. સાધનાએ અભિનયમાં વિરામ લીધો હોવાથી રવૈલે દિલીપકુમાર સાથેની ‘નયા દૌર’ ની સફળતાને ધ્યાનમાં રાખીને વૈજયંતિમાલાને સાઇન કરી ફિલ્મ શરૂ કરી દીધી. ફિલ્મ પૂર્ણતાને આરે હતી ત્યારે ‘રામ ઔર શ્યામ’ ના શુટિંગ વખતે વૈજયંતિમાલાનો દિલીપકુમાર સાથે એક વાત પર ઝઘડો થયો એની અસર થઇ.
ઉર્મિલા લાંબાના દિલીપકુમારના જીવન પરના પુસ્તકમાં ઉલ્લેખ છે કે એક દ્રશ્યમાં દિલીપકુમારે સલાહ આપી ત્યારે તે પોતાનું ધાર્યું કરાવે છે એમ માની વૈજયંતિમાલાએ કટાક્ષ કરતાં કહ્યું કે નિર્દેશક કોણ છે? અને વાત એટલી વણસી કે આઠ દિવસનું શુટિંગ થઇ ચૂક્યું હોવા છતાં ફિલ્મમાંથી વૈજયંતિમાલા નીકળી ગઇ. તેના સ્થાને વહીદા રહેમાન આવી ગઇ. આ વિવાદને કારણે ‘સંઘર્ષ’ નું બાકી શુટિંગ મુશ્કેલીથી પૂરું થયું હતું. એ પછી વર્ષો સુધી બંને વચ્ચે બોલવાનો સંબંધ રહ્યો ન હતો. વૈજયંતિમાલાના સ્થાને આવેલી વહીદા રહેમાનને ‘રામ ઔર શ્યામ’ થી લાભ થયો.
દિલીપકુમારને શ્રેષ્ઠ અભિનેતાની સાથે વહીદા રહેમાનને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. જ્યારે માલા સિંહાના સ્થાને આવેલી બીજી હીરોઇન મુમતાઝને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. હિન્દી ફિલ્મોમાં ડબલ રોલની શરૂઆત ‘રામ ઔર શ્યામ’ થી થઇ હતી. એ પછી એના પરથી પ્રેરણા લઇને સીતા ઔર ગીતા, ચાલબાઝ, કિશન કનૈયા જેવી ઘણી ફિલ્મો બની છે. નવાઇની વાત એ છે કે દિલીપકુમારની ‘રામ ઔર શ્યામ’ વળી એન. ટી રામારાવની એક તેલુગુ મસાલા ફિલ્મ ‘રામુડુ ભીમુડુ’ ની રીમેક હતી. એમાં એન.ટી. રામારાવે પણ પહેલી વખત ડબલ રોલ કર્યો હતો. એના પરથી તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ ફિલ્મો બની હતી.
રાકેશ ઠક્કર (વાપી)