માધુરીની ‘દિલ’ અને ‘બેટા’ ના લોકપ્રિય ગીતોની રસપ્રદ વાતો!

માધુરી દીક્ષિતની ‘દિલ’ (1990) માં ‘દમ દમા દમ’ ગીત પહેલાં હતું જ નહીં. જ્યારે ‘બેટા’ (1992) ના ‘ધક ધક કરને લગા’ ને છેલ્લી ઘડીએ ઉમેરવામાં આવ્યું હતું. બાબા આઝમીની કલાત્મક દૃષ્ટિ અને સરોજ ખાનની કોરિયોગ્રાફીને કારણે જ આ ગીત આટલું આઇકોનિક બની શક્યું હતું. ‘ધક ધક કરને લગા’ નું શૂટિંગ ઉતાવળમાં થયું હતું. કેમ કે ગીત છેલ્લી ઘડીએ ઉમેરાયું હતું. માધુરી પાસે માત્ર 3 દિવસ હતા. તેણે બીજી ફિલ્મની સાથે આ ગીત માટે ડબલ શિફ્ટ કરી હતી.

સરોજ ખાને દિગ્દર્શકને કહી દીધું હતું કે તે પોતાની રીતે હું 3 દિવસમાં આ ગીત પૂરું કરી આપશે. કોઈએ એમાં સવાલ કરવો નહીં. સરોજ ખાન દ્વારા આ ગીત ‘ઓકે નેક્સ્ટ, ઓકે નેક્સ્ટ’ એમ કહીને ખૂબ જ ઝડપથી શૂટ કરવામાં આવ્યું હતું. માધુરી દીક્ષિતે જણાવ્યું હતું કે ‘બેટા’ના ‘ધક ધક કરને લગા’ ગીતના શૂટિંગ દરમિયાન પ્રખ્યાત સિનેમેટોગ્રાફર બાબા આઝમીએ સેટમાં પણ ખૂબ જ મહત્વના ફેરફારો કરાવ્યા હતા. જ્યારે બાબા સેટ પર પહોંચ્યા ત્યારે દિગ્દર્શક ઈન્દ્રકુમારે સેટને ખૂબ જ ભપકાદાર અને રંગીન બનાવ્યો હતો. ત્યાં ઘણા બધા રંગબેરંગી ઘડા અને અન્ય રંગીન વસ્તુઓ મૂકવામાં આવી હતી.

બાબાને આટલો બધો રંગ અને ભપકો ગમ્યો નહીં. તેમને લાગ્યું કે આ ગીતની જરૂરિયાત મુજબ આ દેખાવ યોગ્ય નથી. તેમણે તરત કહ્યું કે, ‘મને આ બધું નથી જોઈતું, આ બધું કાઢી નાખો.’ તેમના કહેવાથી આખા સેટનો લુક બદલી નાખવામાં આવ્યો હતો. તેમણે બધી જ દિવાલોને કથ્થઈ રંગથી રંગાવી દીધી અને સેટની આસપાસ થોડું ઘાસ વગેરે નખાવ્યું હતું. બાબાએ ખાસ પ્રકારની લાઇટિંગનો ઉપયોગ કરીને ગીતને એક અલગ જ ઊંડાણ અને ઉત્તેજક લુક આપ્યો હતો. તેમણે રંગને બદલે પ્રકાશ અને પડછાયાની રમત પર વધુ ધ્યાન આપ્યું હતું.

ગીતમાં ફેરફારો પછી જે વિઝ્યુઅલ આકર્ષણ ઊભું થયું હતું તે આજે આપણે જોઈએ છીએ. માધુરીએ ‘દિલ’ના ગીત વિશે પણ કેટલીક રસપ્રદ અને અજાણી વાતો શેર કરી છે. ‘દિલ’ રજૂ થઈને સુપરડુપર હિટ જાહેર પણ થઈ ગઈ હતી. તેમ છતાં દિગ્દર્શક ઈન્દ્રકુમારે એક નવું ગીત ‘દમ દમા દમ’ ઉમેરવાનો નિર્ણય લીધો. માધુરી અને આમિર ખાન બંને તે સમયે અન્ય ફિલ્મોના શૂટિંગમાં ખૂબ વ્યસ્ત હતા.

માધુરીએ કહ્યું કે ફિલ્મ તો હિટ થઈ ગઈ છે હવે શું જરૂર છે? ત્યારે ઈન્દ્રકુમારે કહ્યું કે, ‘ભલે ફિલ્મ હિટ છે પણ મારે તેને હજી મોટી હિટ બનાવવી છે.’ અને આ જીદને કારણે ગીત પાછળથી ઉમેરવામાં આવ્યું હતું. વ્યસ્ત શિડ્યુલને કારણે આમિર અને માધુરી સાથે રિહર્સલ કરી શકતા નહોતા. આમિર પોતાની ફિલ્મના શૂટિંગના લોકેશન પર અને માધુરી પોતાની ફિલ્મના સેટ પર અલગ-અલગ રિહર્સલ કરતા હતા. ત્યારબાદ તેઓ સીધા શૂટિંગ માટે મળતા અને સાથે ડાન્સ કરતા હતા. એ રીતે આ ગીત તૈયાર કરવામાં આવ્યું હતું.