વિદ્યાએ રાજ કપૂરની ફિલ્મ છોડી   

‘રજનીગંધા’ અને ‘છોટી સી બાત’ જેવી ગણતરીની ફિલ્મોને કારણે જાણીતા થયેલા અભિનેત્રી વિદ્યા સિંહાએ રાજ કપૂરની ફિલ્મની ઓફર ઠુકરાવી હતી એનો જીવનભર અફસોસ રહ્યો હતો. વિદ્યાનો પરિવાર વર્ષોથી ફિલ્મો સાથે સંકળાયેલો હોવા છતાં આ ક્ષેત્રમાં જવાનો વિચાર સુધ્ધાં કર્યો ન હતો. વિદ્યાના દાદાજી મોહન સિંહાએ નિર્માતા અને નિર્દેશક તરીકે ૩૨ ફિલ્મો કરી હતી. એમણે નિર્દેશક તરીકે ‘બદલતી દુનિયા’ (૧૯૪૩) માં પહેલી વખત ફિલ્મોમાં ઉડતી કાર બતાવી હતી. ‘શ્રી કૃષ્ણા અર્જુન યુધ્ધ’ (૧૯૪૫) થી મલ્ટીસ્ટારર ફિલ્મોની શરૂઆત કરનાર પણ ગણાય છે.

મુમતાઝ તરીકે અભિનયમાં આવનાર અભિનેત્રીને ફિલ્મ ‘મેરે ભગવાન’ (૧૯૪૭) થી તેમણે જ મધુબાલા નામ આપ્યું હતું. વિદ્યાના પિતા રાણા પ્રતાપ સિંહે નિર્માતા તરીકે દેવ આનંદ- સુરૈયા સાથે ‘વિદ્યા’ અને ‘જીત’ નામની ફિલ્મો બનાવી હતી. તેમ છતાં વિદ્યાના પિતા અને દાદાજી ઇચ્છતા ન હતા કે તે ફિલ્મોમાં આવે. વિદ્યા અચાનક જ અભિનયમાં આવી ગઇ હતી. વિદ્યાના પિતાએ બીજા લગ્ન કરી લીધા પછી તેના દાદા-દાદીએ એને પોતાને ત્યાં રાખી લીધી હતી. તે યુવાન થઇ ત્યારે એના કાકીએ ‘મિસ બોમ્બે’ સૌન્દર્ય સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરી અને તે ૧૯૬૮ ની સ્પર્ધામાં જીતી ગઇ. વિદ્યાને ‘મિસ બોમ્બે’ ના ખિતાબને કારણે ચા અને ટૂથપેસ્ટની જાણીતી કંપનીઓની જાહેરાતોમાં કામ કરવાનું મળ્યું. દરમ્યાનમાં ૧૯ વર્ષની ઉંમરે પડોશમાં રહેતા વર્ણકટેશ્વરન ઐયર નામના યુવાન સાથે પ્રેમ થતાં લગ્ન કરી લીધા.

વિદ્યાને જાહેરાતોમાં જોઇ નિર્દેશક એ કિરણકુમાર સાથેની ફિલ્મ ‘રાજા કાકા’ (૧૯૭૪) માટે પસંદ કરી. રૂ.૨ લાખના બજેટની પહેલી ફિલ્મ માટે તેને રૂ.૧૦૦૦૦ મળવાના હતા. તેને ફિલ્મમાં રસ પડ્યો. પણ તેનો પરિવાર ઇચ્છતો ન હતો કે વિદ્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરે. પરિવારે ફિલ્મોમાં કામ કરવાની ના પાડી ત્યારે તેણે ઘર છોડી દેવાનો નિર્ણય કરી લીધો ત્યારે પરવાનગી મળી. વિદ્યાને ‘રાજા કાકા’ પછી નિર્દેશક બાસુ ચેટર્જીની અમોલ પાલેકર સાથેની ફિલ્મ ‘રજનીગંધા’ (૧૯૭૪) મળી પણ એ પહેલી રજૂ થઇ ગઇ અને બોલિવૂડમાં તેનું નામ થઇ ગયું. બાસુદા પાસેથી તેને અભિનયમાં ઘણું શીખવાનું મળ્યું. બાસુદાએ એ પછી વિદ્યાને ‘છોટી સી બાત’ અને ‘તુમ્હારે લિયે’ માં મહત્વની ભૂમિકા આપવા સાથે કેટલીક ફિલ્મોમાં મહેમાન ભૂમિકાઓ પણ આપી.

વિદ્યાને રાજ કપૂરે ‘સત્યમ શિવમ સુંદરમ’ માટે કહ્યું હતું. વિદ્યાના પરિવાર સાથે રાજ કપૂરના પરિવારને વર્ષોથી નાતો હતો. વિદ્યાના દાદાની ફિલ્મ ‘શ્રી કૃષ્ણા અર્જુન યુધ્ધ’ માં પૃથ્વીરાજ કપૂરે અને ‘દિલ કી રાની’ (૧૯૪૭) માં રાજ કપૂરે અભિનય કર્યો હતો. વિદ્યાને પણ બીજી અભિનેત્રીઓની જેમ રાજજીની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા હતી. પરંતુ ફિલ્મમાં ઝીનત અમાને જે વસ્ત્રો પહેર્યા એ માટે તે પોતાને અનુકૂળ સમજતી ન હોવાથી રાજ કપૂરને ના પાડી દીધી હતી તેનો પાછળથી અફસોસ થયો હતો.

વિદ્યાની અભિનેત્રી તરીકેની કારકિર્દી ટૂંકી જ રહી. રાજેશ ખન્ના સાથે ‘કર્મ'(૧૯૭૭), સંજીવકુમાર સાથે ‘પતિ પત્ની ઔર વો’ (૧૯૭૮) માં હીરોઇન બન્યા પછી અમજદ ખાન સાથે ‘જોશ’ (૧૯૮૧) માં નકારાત્મક ભૂમિકા પણ ભજવી. અને થોડા સમયમાં વિદ્યાએ અભિનય છોડી દીધો. અલબત્ત નિર્માત્રી તરીકે સક્રિય રહ્યા. વિદ્યાએ દૂરદર્શન માટે પહેલાં ‘સિંહાસન બત્તીસી’ અને ‘દરાર’ જેવી સિરિયલો બનાવી એ ઉપરાંત મરાઠી ફિલ્મ ‘બિજલી’ (૧૯૮૬) તથા ગુજરાતી ફિલ્મ ‘જીવી રબારણ’ નું નિર્માણ કર્યું હતું.