હીમેન ધરમપાજી ઉર્ફ ધર્મેન્દ્ર

હિન્દી ફિલ્મોના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર આજે ૮૫ વર્ષના થયા. ૮ ડીસેમ્બર, ૧૯૩૫ના રોજ પંજાબના નસરાલી મુકામે તેમનો જન્મ થયો હતો. દાયકાઓ સુધી સફળ ફિલ્મો આપનારા ધર્મેન્દ્ર ‘એક્શનહીરો’ અને ‘હીમેન’ તરીકે ઓળખાયા. ૨૦૦૪માં ૧૪મી લોકસભાના ભાજપના ઉમેદવારરૂપે રાજસ્થાનના બીકાનેરથી ચૂંટાઈને સાંસદ પણ બન્યા હતા. ૨૦૧૨માં સરકારે તેમને પદ્મભૂષણના ઈલ્કાબથી નવાજ્યા હતા.

૧૯૫૨માં ફાગવારા કોલેજમાંથી તેઓ ઇન્ટરપાસ થયા હતા. ધર્મેન્દ્રએ 1954 માં પ્રકાશ કૌર સાથે 1979 માં અને હેમામાલિની સાથે લગ્ન કર્યા હતાં.

બિમલ રોય અને ગુરુદત્ત સાથે ફિલ્મફેર મેગેઝીન દ્વારા નવી પ્રતિભા શોધની જાહેરાત દ્વારા પસંદ થઇ કામની શોધમાં પંજાબથી મુંબઈ આવેલાં ધર્મેન્દ્રની પહેલી ફિલ્મ અર્જુન હિંગોરાનીની ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ (૧૯૬૦) હતી. પહેલાં સાતેક વર્ષ એ રોમાન્ટિક ફિલ્મો કરતા રહ્યા. ૧૯૬૬ની સૌથી વધુ કમાણી કરનાર ‘ફૂલ ઔર પથ્થર’ એ તેમની પહેલી એક્શન ફિલ્મ હતી અને ‘મેરા ગાંવ મેરા દેશ’થી એ એક્શન હીરો રૂપે છવાઇ ગયા. ‘સત્યકામ’, ‘અનુપમા’ કે ‘નયા ઝમાના’ જેવી ફિલ્મોમાં તેમને સમીક્ષકોની સરાહના મળી. પછી તો સરસ કોમેડી ફિલ્મો પણ કરીને વર્સેટાઈલ એક્ટર તરીકે ઉભર્યા. ‘તુમ હસીં મૈ જવાન’, ‘દો ચોર’, ‘ચુપકે ચુપકે’, ‘દિલ્લગી’, ‘નૌકર બીવી કા’માં એમની કોમેડી અદાકારી આજે પણ વખણાય છે.

ધર્મેન્દ્રની સૌથી સફળ જોડી હેમામાલીની સાથે બની, જે આગળ જતાં રિઅલ લાઇફ જોડી બની. આ જોડીએ જે ફિલ્મો આપી તેમાંથી ‘રાજા જાની’, ‘સીતા ઔર ગીતા’, ‘શરાફત’, ‘નયા ઝમાના’, ‘પથ્થર ઔર પાયલ’, ‘તુમ હસીં મૈ જવાન’, ‘જુગનુ’, ‘દોસ્ત’, ‘ચરસ’, ‘માં’, ‘ચાચા ભતીજા’, ‘આઝાદ’ અને ‘શોલે’ ને યાદ કરી શકાય. ‘શોલે’ એ તો દેશમાં સફળતાનો ઇતિહાસ રચી દીધો હતો.

૧૯૭૬-૮૪ દરમિયાન ધર્મેન્દ્રએ સંખ્યાબંધ એક્શન ફિલ્મો કરી, ‘ધરમવીર’, ‘ચરસ’, ‘આઝાદ’, ‘કાતિલોં કે કાતિલ’, ‘ગઝબ’, ‘રાજપૂત’, ‘ભાગવત’, ‘જાની દોસ્ત’, ‘ધરમ ઔર કાનૂન’, ‘મૈ ઇન્તકામ લુંગા’, ‘જીને નહીં દુંગા’, ‘હુકુમત’ અને ‘રાજતિલક’ આવી ફિલ્મો હતી.

(નરેશ કાપડીઆ-સુરત)