ફિલ્મ ‘સત્યા’ (૧૯૯૮) ની ‘ભીકુ મ્હાત્રે’ ની ભૂમિકાથી અભિનયમાં નામ કમાનાર મનોજ વાજપેયીનો ૧૯૬૯ માં જન્મ થયો ત્યારે મનોજ કુમારની ‘દો બદન’ (૧૯૬૬), ‘ઉપકાર’ (૧૯૬૭) વગેરે ફિલ્મો સફળ રહી હોવાથી અભિનેતા તરીકે મોટું નામ થઇ ગયું હતું. પિતા રાધાકાંત વાજપેયી થોડા વર્ષ પહેલાં પૂણે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મેળવવા ગયા ત્યારે મનોજ કુમારના દર્શન પણ કરી ચૂક્યા હતા. એ યાદ રાખીને એમણે મનોજ કુમારના નામ પરથી જ પુત્રનું નામ મનોજ રાખ્યું હતું. નવાઇની વાત એ છે કે મનોજ કુમારનું અસલી નામ હરિકિશન ગોસ્વામી હતું અને એમણે દિલીપકુમારની ફિલ્મ ‘શબનમ’ જોયા પછી એમના પાત્રનું નામ ‘મનોજ’ અપનાવી લીધું હતું.
મનોજ થોડો મોટો થયો ત્યાર પછી લાંબા સમય સુધી એને પિતાએ રાખેલું પોતાનું નામ પસંદ આવ્યું ન હતું. કેમકે બિહારમાં એ નામ સામાન્ય હતું. મનોજ ટાયરવાલા, મનોજ ભુજિયાવાલા, મનોજ મીટવાલા જેવા નામના અનેક લોકો હતા. આખરે મનોજે પોતાનું નામ બદલવાનો નિર્ણય કરી લીધો અને એક નવું નામ ‘સમર’ વિચારી લીધું હતું. ત્યારે તે થિયેટરમાં કામ કરતો હતો. જ્યારે એણે પોતાનો આ વિચાર મિત્રો સમક્ષ રજૂ કર્યો ત્યારે એને માહિતી મળી કે નામ બદલવા એફિટેવિટ કરવી પડશે. અખબારમાં જાહેરાત આપવી પડશે અને જરૂરી કાયદાકીય પ્રક્રિયા કરવી પડશે. એ સમય પર મનોજ પાસે એટલા રૂપિયા ન હતા કે આ પ્રક્રિયા કરી શકે. તેણે નામ બદલવાનો વિચાર મોકૂફ રાખ્યો. ત્યારે પિતા એના નામ બદલવાના નિર્ણયના સમર્થનમાં ન હતા. એમનું કહેવું હતું કે એમણે બહુ પ્રેમથી નામ રાખ્યું હોવાથી બદલવું ના જોઇએ.
એમણે નામ બદલવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. પણ મનોજ વાજપેયીએ નક્કી કરી લીધું હતું કે તે પૈસા કમાશે ત્યારે નામ બદલવાની કાયદાકીય પ્રક્રિયા જરૂર પૂરી કરશે. તેણે શેખર કપૂરની ફિલ્મ ‘બેન્ડિટ ક્વીન’ (૧૯૯૪) માં કામ કરીને પૈસા કમાયા ત્યારે નામ બદલવાનો વિચાર ફરી સળવળ્યો. એ જાણીને મનોજના ભાઇએ સમજાવ્યું કે તું કમાલ કરે છે. પહેલી ફિલ્મમાં નામ મનોજ વાજપેયી છે. પછીની ફિલ્મોમાં બીજું નામ હશે તો કેવું લાગશે? અને મનોજે નામ બદલવાનો વિચાર જ પડતો મૂકી દીધો હતો. વર્ષો પછી મનોજને એ વાત સમજાઇ કે શેક્સપિયર સાચું કહી ગયા છે કે નામમાં શું રાખ્યું છે? એણે મનોજ કુમાર સાથે મુલાકાત કરી ત્યારે એમના નામ પર પોતાનું નામ હોવા બાબતનો ગર્વ વ્યક્ત કર્યો હતો. પાછળથી જ્યારે એના નામની અંગ્રેજી જોડણીમાં લોકો ભૂલ કરી ‘મનોજ વાજપાઇ’ લખવા લાગ્યા ત્યારે એણે ‘મનોજ વાજપેયી’ કરાવ્યું હતું.