કિશોરદાનું ખઇકે પાન બનારસવાલા…

ફિલ્મ ‘ડૉન’ (૧૯૭૮) નું કિશોર કુમારે ગાયેલું ‘ખઇકે પાન બનારસવાલા’ ગીત સૌથી વધુ લોકપ્રિય રહ્યું છે એ મૂળ સ્ક્રીપ્ટમાં હતું જ નહીં. ફિલ્મ તૈયાર પછી ઉમેરવામાં આવ્યું હતું. નિર્દેશિકા ચંદ્રા બારોટ ‘ડૉન’ તૈયાર થયા પછી અભિનેતા મનોજ કુમારનો અભિપ્રાય લેવા ગયા હતા. મનોજ કુમારને ફિલ્મની વાર્તા પસંદ આવી અને જોવાનો આનંદ આવ્યો. એમણે સૂચન કર્યું કે ફિલ્મની વાર્તા એટલી ઝડપથી ભાગે છે કે એક જગ્યાએ દર્શકને શ્વાસ લેવાનો સમય મળે એમ નથી. વાર્તાને ત્યાં વિરામ આપવો જોઇએ. ચંદ્રાને મનોજ કુમારની વાત યોગ્ય લાગી. એમણે સંગીતકાર કલ્યાણજી – આણંદજીનો ગીત માટે સંપર્ક કર્યો. એમની પાસે એક ગીત ‘ખઇકે પાન બનારસવાલા’ તૈયાર હતું. અસલમાં એમણે દેવ આનંદની ફિલ્મ ‘બનારસી બાબુ’ (૧૯૭૩) માટે આ ગીત તૈયાર કર્યું હતું. દેવને એ પસંદ આવ્યું ન હતું.

ગીતકાર સમીરે આ ગીતના રેકોર્ડિંગ વખતે ૧૭ વર્ષની ઉંમરે હાજરી આપી હતી એનો કિસ્સો એક કાર્યક્રમમાં કહ્યો હતો. ત્યાં સમીરના પિતા ગીતકાર અંજાન, અમિતાભ બચ્ચન, કલ્યાણજી- આણંદજી વગેરે બેઠા હતા ત્યારે કિશોરદાની પધરામણી થઇ હતી. તે ચાઇના સિલ્કની લુંગી અને કુર્તો પહેરીને આવ્યા હતા. એક પગમાં પોતાનું અને બીજામાં પત્નીનું સ્લીપર પહેરીને આવ્યા હતા. આ એમની અદા હતી. એમણે આંખમાં કાજળ પણ લગાવ્યું હતું. એમને ગીત વિશે કંઇ ખબર ન હતી. છતાં આવીને એમ જ કહ્યું કે આજે કોઇ ધમાલ ગીત ગાવાનું છે. એમણે અંજાનને ગીત લખાવવા કહ્યું. અંજાને કહ્યું કે એક મસ્તીભર્યું ગીત છે અને શરૂઆતમાં એક શેર છે. અંજાને જ્યારે શેરના શરૂઆતના શબ્દો ‘અરે ભંગ કા રંગ જમા હો ચકાચક…’ કહ્યા ત્યાં જ કિશોરકુમારે અટકાવીને કહ્યું કે તું કઇ દુનિયામાંથી આવે છે? મેં ‘ચકાચક’ શબ્દ સાંભળ્યો જ નથી.

હું આ ગીત ગાવાનો નથી. અંજાને સૂચન કર્યું કે એકવખત આખું ગીત લખી લો પછી ‘ચકાચક’ નો અર્થ સમજાવું છું. કિશોરદાએ ‘ઓ ખઇકે પાન બનારસવાલા, ખુલ જાયે બંદ અકલ કા તાલા’ શબ્દો સાંભળીને કહ્યું કે તે ‘ખઇકે પાન બનારસવાલા’ નહીં ‘ખાકે પાન બનારસવાલા’ ગાશે. ત્યારે અંજાને કહ્યું કે ભાંગ, ચકાચક, ખઇકે વગેરે શબ્દો ક્યાંના છે એ જાણવા તમારે મારી સાથે બનારસની ગલીઓમાં આવવું પડશે. એ પછી કિશોરદાએ કોઇ દલીલ કરી નહીં અને આખું ગીત વાંચી લીધું. એમણે ગીત ગાતી વખતે ખાવા માટે અસલી પાન મંગાવ્યા અને સંગીતના સાજીંદાઓને કહ્યું કે એક જ ટેકમાં ગાશે. જો કોઇએ ભૂલ કરી તો એણે ગાવું પડશે.

સંગીતકાર કલ્યાણજી- આણંદજીએ ગીતની શરૂઆતના શેર માટે કોઇ સંગીત તૈયાર કર્યું ન હતું. તેમણે નક્કી કર્યું હતું કે કિશોરદા જે રીતે ગાશે એ પ્રમાણે જ રાખવામાં આવશે. અને કિશોરદાએ ‘અરે ભંગ કા રંગ જમા હો ચકાચક ફિર લો પાન ચબાય, અરે એસા ઝટકા લગે હે જીયા પે, પુનર જનમ હોઇ જાય’ ગાયું ત્યારે એ જાણે બનારસની ગલીમાં જ ગાતા હોય એવું લાગ્યું હતું. કિશોરદાએ એક જ ટેકમાં ગીત ગાયું એ પછી અંજાનને કહ્યું કે જો આ ગીત લોકપ્રિય થશે તો ગંગા નદીની વચ્ચે ઊભા રહીને પોતે આ ગીત ગાશે અને બંને બાજુ ઉભા રહીને બનારસના લોકો સાંભળશે. ત્યારે અંજાને કહ્યું હતું કે આ શક્ય નથી. કેમકે જો આવું કરવામાં આવશે તો ‘સૂનેંગે કમ ડૂબેંગે જ્યાદા’ એટલે આવું જોખમ લેવા નહીં દઉં. ગીતનું શુટિંગ કરવામાં આવ્યું ત્યારે અમિતાભે પણ અસલ પાન ખાઇને ડાન્સ કર્યો હતો.