મનોજના ‘ઉપકાર’ માં રાજેશ ના આવ્યા

રાજેશ ખન્નાએ મનોજ કુમારની ‘ઉપકાર’ (૧૯૬૭) માં સ્વાર્થીભાઇ પૂરનકુમારની ભૂમિકા કરી હોત તો કદાચ કારકિર્દી કંઇક અલગ જ બની હોત. ફિલ્મ ‘શહિદ’ (૧૯૬૫) પછી મનોજ કુમાર ‘ઉપકાર’ બનાવવાના હતા ત્યારે એમના સહાયકે રાજેશ ખન્ના વિશે જાણકારી આપી હતી. ત્યારે યુનાઇટેડ પ્રોડ્યુસર્સની અભિનય સ્પર્ધામાં રાજેશ વિજેતા બન્યા હતા. મનોજ કુમારને એમના ભાઇની ભૂમિકા માટે એક યુવાનની શોધ હતી. મનોજ કુમારે જ્યારે મુલાકાત કરી ત્યારે રાજેશ નાના ભાઇની ભૂમિકા માટે યોગ્ય લાગ્યા હતા.

રાજેશનો અવાજ સારો હતો અને સ્ટેજનો અનુભવ હોવાથી મનોજ કુમારને વિશ્વાસ હતો કે તે આ નવા કલાકાર પાસેથી સારું કામ કઢાવી શક્શે. મનોજ કુમારે રાજેશને પસંદ કરી લીધા અને એમની સાથે બેઠક શરૂ થઇ ગઇ. ‘ઉપકાર’ ની તૈયારી ચાલતી હતી ત્યારે રાજેશ મનોજ કુમાર પાસે આવતા હતા અને ફિલ્મ વિશે ચર્ચા કરતા હતા. રાજેશ એમના પરિવારના સભ્ય જેવા બની ગયા હતા. ફિલ્મનું ‘મેરે દેશ કી ધરતી’ ગીત મહેન્દ્ર કપૂરના અવાજમાં રેકોર્ડ કર્યું ત્યારે સવારે નવ વાગ્યાથી બીજા દિવસની સવારના ચાર વાગ્યા સુધી એમની સાથે હાજર રહ્યા હતા. એ પ્રસંગની તસવીર મનોજ કુમાર પાસે રહી છે. ‘ઉપકાર’ નું શુટિંગ શરૂ કરવા માટે સેટ તૈયાર થઇ ગયો ત્યારે એક વહેલી સવારે રાજેશ મનોજ કુમારને ત્યાં આવ્યા.

મનોજ કુમારે જોયું કે એ નિરાશ હતા. એમની આંખોમાં આંસુ દેખાતા હતા. મનોજ કુમારને નવાઇ લાગી અને કારણ પૂછ્યું ત્યારે એ ગુસ્સામાં યુનાઇટેડ પ્રોડ્યુસર્સના દસ નિર્માતાઓને ભાંડવા લાગ્યા. મનોજ કુમારે કહ્યું કે આ બધાં જાણીતા નિર્માતાઓ છે. એમને શા માટે આવું કહે છે? ત્યારે ખન્નાએ કહ્યું કે એમણે બહારની ફિલ્મ કરવાની ના પાડી દીધી છે. એમની સાથે મારે કરાર થયેલો છે. તેથી ‘ઉપકાર’ કરી શકશે નહીં. ખન્નાએ ‘ઉપકાર’ માટે પણ કરાર કર્યો હતો. મનોજ કુમારે મોટું દિલ રાખીને રાજેશને સમજાવ્યા કે ફિલ્મ લાઇનમાં યુનાઇટેડ પ્રોડ્યુસર્સ સાથે કરાર થયો હોય કે ના થયો હોય પણ જબાન આપી હોય તો કામ કરવું જ જોઇએ. જો એ ‘ઉપકાર’ માં કામ કરવાની ના પાડતા હોય તો દુર્ભાગ્યની વાત છે.

રાજેશ ખન્નાએ ‘શહિદ’ જોઇ હોવાથી મનોજ કુમાર સાથે કામ કરવા ઉત્સુક હતા. મનોજ કુમારે કહ્યું કે ભવિષ્યમાં તક મળશે ત્યારે કામ કરીશું. રાજેશ ખન્નાએ મનોજ કુમારની ફિલ્મની ચિંતા વ્યક્ત કરી ત્યારે એમણે ભગવાન પર ભરોસો રાખવાનું કહ્યું હતું. ‘ઉપકાર’ નો સેટ તૈયાર હતો એટલે તરત કોઇ કલાકારને લેવાની જરૂર હતી. ઘણાએ જુદા જુદા નામ સૂચવ્યા. પણ કોઇ યોગ્ય લાગતું ન હતું.

મનોજ કુમારે શાંતિથી વિચાર કર્યો ત્યારે છેલ્લે ‘શહિદ’ માં અને અગાઉ પણ સાથે કામ કરનાર પ્રેમ ચોપડાનું નામ મનમાં ચમક્યું. એમણે પ્રેમને ઘરે બોલાવ્યો અને ‘ઉપકાર’ ની નાના ભાઇની ભૂમિકા રાજેશ કરવાના હતા એની સાચી વાત કહી દીધી. પ્રેમ ચોપડાએ ફિલ્મની વાર્તા સાંભળીને એ ભૂમિકાથી પોતાની જિંદગી બની જશે એવો વિશ્વાસ વ્યક્ત કરી હા પાડી દીધી હતી. આ કિસ્સો મનોજ કુમારે રાજેશ ખન્નાના અવસાન પછી એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં કહ્યો હતો. ફિલ્મ ‘ઉપકાર’ થી પ્રેમ ચોપડાની લોકપ્રિયતા વધી ગઇ હતી અને એક અભિનેતા તરીકે સારું સ્થાન બનાવી લીધું હતું.