મન્ના ડેને ‘ઉપર ગગન વિશાલ’ મળ્યું 

મન્ના ડેએ ફિલ્મ જગતમાં કારકિર્દીની શરૂઆત સંગીતકારના સહાયક તરીકે કરી હતી. ગાયક તરીકે એક ફિલ્મમાં ગાવાની તક મળ્યા પછી પહેલા સફળ ગીત માટે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. મન્નાને સંગીતમાં નાનપણથી રસ હતો. એમના પ્રજ્ઞાચક્ષુ કાકા કે.સી. ડે બંગાળમાં જાણીતા ગાયક હતા. તે મન્નાના સંગીત શોખથી પરિચિત હતા અને એમને તાલીમ આપતા હતા. કે.સી. ડે જ્યારે ૧૯૪૨ માં મુંબઇ ફિલ્મ ઉદ્યોગમાં આવ્યા ત્યારે મન્ના ડેએ અભ્યાસ પૂરો કરી દીધો હોવાથી તેને પોતાની સાથે લઇ આવ્યા હતા. કે.સી. ડેને સી.એમ. ત્રિવેદીની ફિલ્મનિર્માણ કંપની ‘લક્ષ્મી પ્રોડક્શન્સ’ માં સંગીતકાર તરીકે કામ મળ્યું અને મન્ના ડેને પોતાના સહાયક બનાવ્યા. કામથી પ્રભાવિત થઇને સંગીતકાર ખેમચંદ પ્રકાશે મન્નાને પોતાના સહાયક તરીકે રાખ્યા. સંગેતકાર અનિલ વિશ્વાસે પણ કહ્યું કે સમય મળે ત્યારે મારી મદદમાં આવતો રહેજો.

મન્નાને વિશ્વાસ સાથે કામ કરવાની તમન્ના હતી જ. ત્યારે મન્ના ડે શાસ્ત્રીય સંગીત પણ શીખી રહ્યા હતા. તે ચુસ્ત રીતે શાસ્ત્રીય ગાયન શીખવા માગતા ન હતા. કેમકે એના રિયાઝમાં આઠથી દસ કલાક આપવા પડે એમ હતા. એ રાગરાગિણી અને લય જરૂર શીખતા હતા. કે.સી. ડેને પણ મન્નાના ગાયનની ગુણવત્તાથી સંતોષ હતો. દરમ્યાનમાં નિર્દેશક વિજય ભટ્ટની પ્રેમ અદીબ- શોભના સમર્થ સાથે ફિલ્મ ‘રામરાજ્ય’ (૧૯૪૩) બનાવી રહ્યા હોવાથી એક દિવસ કે.સી. ડેને મળવા આવ્યા અને એમને ફિલ્મમાં બે ગીતો ગાવા કહ્યું.

કેસીએ સ્પષ્ટતા કરી કે તે અભિનેતા અને સંગીતકાર છે. પાર્શ્વગાયન કરતા નથી. તમે એ માટે મન્ના ડેને મળો. જ્યારે બાજુમાં બેઠેલા ૨૨ વર્ષના મન્નાનો પરિચય એમણે આપ્યો ત્યારે વિજય ભટ્ટે ખુલાસો કર્યો કે ફિલ્મમાં મોટી ઉંમરના વાલ્મિકી ગાઇ રહ્યા હોવાથી મન્ના જેવા બાળક પાસે ગવડાવી શકાય નહીં. કે.સી.એ એમને એક વખત મન્નાને સાંભળવાનો આગ્રહ કર્યો એટલે બીજા દિવસે એમણે બોલાવ્યા અને સંગીતકાર શંકરરાવ વ્યાસ સાથે પરિચય કરાવ્યો. એમણે મન્નાને ગીત શીખવ્યું.

મન્નાએ ચલ તૂ દૂર નગરિયા, ત્યાગમયી તુ ગઇ અને ‘અજબ બિધિ કા લેખ’ ગાયા. જ્યારે રેકોર્ડિંગ થયું ત્યારે સાઉન્ડ રેકોર્ડીસ્ટ પણ અવાજથી પ્રભાવિત થયા. સંગીતકારે કહ્યું કે કોઇ બાળક ગાઇ રહ્યો હોય એવું લાગતું જ નથી. તું અમારા ગીતો ગાશે. મન્ના ડેએ ‘રામ રાજ્ય’ માં પહેલી વખત પાર્શ્વ ગાયન કર્યું. એ પછી ખાસ તક મળતી ન હતી. એમણે લાંબો સમય સંઘર્ષ કર્યો અને એક વખત એવો આવ્યો અને પાછા કલકત્તા ફરવાનો વિચાર કર્યો ત્યારે સંગીતકાર એસ. ડી બર્મને એમને ‘મશાલ’ (૧૯૫૦) ના ગીતો ગાવા યાદ કર્યા. મન્ના ડેને અશોકકુમારની ‘મશાલ’ ના પ્રદીપે લખેલા ‘ઉપર ગગન વિશાલ’ ગીતથી ઓળખ મળી અને ગાયક તરીકે નામ થઇ ગયું એ પછી મુંબઇમાં જ રહી ગયા.