પૂર્ણિમાએ નામ બદલવું પડ્યું હતું               

બાળ ગાયક કલાકાર તરીકે લોકપ્રિય ગીતોમાં અવાજ આપનાર સુષમા શ્રેષ્ઠા યુવાનીમાં પ્રવેશી ત્યારે એ ઇમેજમાંથી બહાર આવવા નામ બદલવાની ફરજ પડી હતી. શંકર- જયકિશને સુષમાને પોતાના સંગીતવાળી ફિલ્મ ‘અંદાઝ’ (૧૯૭૧) માં ‘હૈ ના બોલો બોલો’ ગીત ગવડાવીને પહેલી તક આપી હતી. અસલમાં શંકરજીએ ફિલ્મ ગાયનમાં એક પ્રયોગ કરવો હતો એટલે સુષમાને જલદી તક મળી હતી. એ સમયમાં બાળકો પર ફિલ્માવવામાં આવતા ગીતો પાર્શ્વ ગાયક જ ગાય એવી પરંપરા હતી. પરંતુ તેઓ આ ગીત બાળગાયક પાસે જ ગવડાવવા માગતા હતા.

કોઇની નજરમાં એવા બે બાળગાયકો હોય તો એમણે જાણ કરવા કહ્યું. ત્યાં હાજર સંગીતકારના માણસોમાંથી એક ચંદ્રકાંતભાઇએ સુષમાનું નામ આપ્યું અને એના પિતા ભોલાનાથ સંગીતકાર હોવાની માહિતી આપી. શંકરજી એમને ઓળખતા હતા. સુષમાને બોલાવી અને એનો અવાજ ગમ્યો એટલે બીજા દિવસે કોઇ રિહર્સલ વગર રોકોર્ડિંગ માટે આવી જવા કહ્યું. ‘હૈ ના બોલો બોલો’ ગીતમાં સુષમા સાથે બીજા બાળગાયક તરીકે પ્રતિભા હતી. એ પછી સુષમાએ ‘ભૈયા રે ભૈયા’ (મેરે ભૈયા-૧૯૭૨) ‘તેરા મુઝસે હૈ પેહલે સે’ (આ ગલે લગ જા-૧૯૭૩), ‘ક્યા હુઆ તેરા વાદા’ (હમ કિસી સે કમ નહીં-૧૯૭૭), ઠંડે ઠંડે પાની સે (પતિ, પત્ની ઔર વો- ૧૯૭૮) વગેરે ગીતો બાળગાયક તરીકે જ ગાયા હતા. તે ઉંમરમાં મોટી થઇ અને જ્યારે ટિપ્સ કંપનીએ લતા મંગેશકર વગેરેના જૂના ગીતોને નવેસરથી ગાઇને એના કવર વર્સન તૈયાર કરવાનું નક્કી કર્યું ત્યારે સુષમાને બોલાવી. પણ કંપનીના માર્કેટિંગ વિભાગના અધિકારીને થયું કે સુષમા નામ આપવાથી લોકોને એવું લાગશે કે આ બાળકોના ગીતોનું આલબમ છે.

કેમકે તે બાળગાયક તરીકે લોકપ્રિય હતી. કંપનીએ કહ્યું કે એ ઇમેજમાંથી બહાર લાવીને તેને નવા નામ સાથે નવી રીતે લોન્ચ કરશે. સુષમાએ એ વાતને મંજૂર રાખી અને પોતાનું નવું નામ પૂર્ણિમા જાતે જ સૂચવ્યું. કેમકે જન્મપત્રિકામાં એ નામ હતું. સુષમાએ પૂર્ણિમા તરીકે ગાવાનું શરૂ કર્યું ત્યારે ટિપ્સની જ પહેલી ફિલ્મ ‘બહારોં કી મંઝિલ’ (૧૯૯૧) થી તે પહેલી વખત પાર્શ્વગાયિકા બની. ફિલ્મના બધાં જ ગીતો પૂર્ણિમાએ ગાયા હતા. ફિલ્મ ચાલી નહીં પણ એક ગીત ‘તુમ તાના ના તાના’ લોકપ્રિય રહ્યું. એ ગીત સાંભળીને અનુ મલિકે ફિલ્મ ‘માં’ (૧૯૯૧) નું ‘બરસાત મેં જબ આયેગા સાવન કા મહિના’ પૂર્ણિમાને ગાવા આપ્યું. જે મોટું હિટ રગીત હ્યું અને પૂર્ણિમાની પાર્શ્વ ગાયિકા તરીકે ગાડી ચાલી નીકળી હતી. ચને કે ખેત મેં, શામ હૈ ધુઆં ધુઆં, હો સરકાઇ લિયો ખટીયા, ટુકુર ટુકુર દેખતે હો ક્યા, સોના કિતના સોના હૈ વગેરે સેંકડો ગીતોએ પૂર્ણિમાને લોકપ્રિય ગાયિકા સાબિત કરી છે.