‘રામ બલરામ’ ની વાર્તા બદલવી પડી

નિર્દેશક વિજય આનંદે અમિતાભ – ધર્મેન્દ્ર સાથેની ફિલ્મ ‘રામ બલરામ’ (૧૯૮૦) ની વાર્તા તૈયાર કરાવી હતી ત્યારે અલગ હતી. પરંતુ સમય અને સંજોગો એવા ઊભા થયા કે એમાં ફેરફાર કરવો પડ્યો અને ફિલ્મ મોડી થતી ગઇ હતી. પહેલાં ફિલ્મમાં એક હલ્કી- ફુલ્કી વાર્તા હતી. બે હીરોમાંથી એકને પોલીસવાળો અને બીજાને ચોર બતાવવામાં આવ્યો હતો. બંને એકબીજાની મદદ કરીને મજા કરતા હતા. પોલીસભાઇ હતો એ પોતાના ચોરભાઇને ચોરી કરવાની રીત બતાવતો હતો. અને ચોરભાઇ ચોરીનો અડધો ભાગ પોલીસવાળા ભાઇને આપતો હતો. એમાં કોમેડીના ઘણા મજેદાર પ્રસંગો રાખ્યા હતા. ફિલ્મનું શુટિંગ શરૂ થયું અને દેશમાં કટોકટી લાગુ થઇ ગઇ અને કટોકટીમાં ફિલ્મને સેંસર કરતી વખતે નિયમોનું વધારે ચુસ્ત રીતે પાલન કરવામાં આવી રહ્યું હતું. વિજય આનંદને સહલેખક કમલેશ્વરની શંકાથી ખ્યાલ આવી ગયો કે વાર્તામાં પોલીસભાઇ પોતાના ચોરભાઇને મદદ કરે છે એ વાતને નિયમો મુજબ સેંસર બોર્ડ માન્યતા આપશે નહીં અને ફિલ્મ પર પ્રતિબંધ મુકાઇ જશે.

એટલે વિચાર કરીને ફિલ્મની વાર્તામાં ફેરફાર કરીને બંને હીરોના કાકાનું ખલનાયક તરીકેનું એક પાત્ર ઉમેરવામાં આવ્યું. જે બંને પાસે ખોટા કામ કરાવે છે. વાર્તા બદલવામાં  જે મૂળ વિષય હતો એ બદલાઇ ગયો. એક ભાઇ સારો અને એક ખરાબ એવી નવી વાર્તા થોડી ટિપિકલ અને ગંભીર થઇ ગઇ. નવી વાર્તા પ્રમાણે ફિલ્મનું શુટિંગ શરૂ કર્યું ત્યારે અમિતાભને કમળો થઇ ગયો. એ પછી છ- સાત મહિના સુધી તે એમને તારીખો આપી શક્યા નહીં. દરમ્યાનમાં ધર્મેન્દ્ર પરનું શુટિંગ કરી લેવામાં આવ્યું. જ્યારે અમિતાભ સાજો થઇને આવ્યો ત્યારે ધર્મેન્દ્ર અને અન્ય કલાકારો બીજી ફિલ્મોમાં વ્યસ્ત થઇ ગયા.

એટલે અમિતાભના બાકી દ્રશ્યો હતા એ ફિલ્માવવામાં આવ્યા. અન્ય કલાકારો સાથેના દ્રશ્યોનું ફિલ્માંકન બાકી રહ્યું. ફિલ્મ શરૂ થઇ ત્યારે ધર્મેન્દ્ર મોટો સ્ટાર હતો પણ બે-ત્રણ વર્ષ બાદ અમિતાભ બચ્ચન સુપરસ્ટાર બની ગયો હતો. બંનેની તારીખો મેળવવામાં નિર્દેશક વિજય આનંદને બહુ મુશ્કેલી પડી હતી. એ કારણે ઘણા વર્ષે ફિલ્મ પૂરી થઇ હતી. ફિલ્મનું નામ જ્યારે રાખવામાં આવ્યું ત્યારે એમાં રોકાણ કરનાર નિર્માતા ગુલશન રાયને પણ વિજય સાથે ઘણા મતભેદ ઊભા થયા હતા.

ગુલશનને ‘રામ બલરામ’ ટાઇટલ પસંદ આવ્યું ન હતું. એમનું કહેવું હતું કે ભારતીય ઇતિહાસમાં રામ અને બલરામને એકબીજા સાથે કોઇ સંબંધ નથી. ઉપરાંત તેમને આ નામ કોઇ ફિલ્મના ટાઇટલ ગીત જેવું લાગતું હતું. તેમને ફિલ્મ બતાવવામાં આવી ત્યારે પસંદ આવી ન હતી. પરંતુ વાર્તા બદલ્યા પછી પણ ફિલ્મ એ વર્ષની સૌથી મોટી હિટ સાબિત થઇ હતી. અમિતાભ- ધર્મેન્દ્ર જોડીની ‘શોલે’ (૧૯૭૫) અને ‘ચુપકે ચુપકે’ (૧૯૭૫) પછી ‘રામ બલરામ’ (૧૯૮૦) વધુ એક સફળ ફિલ્મ બની હતી.