મેક મોહને ૪૬ વર્ષની અભિનય કારકિર્દીમાં બસોથી વધુ ફિલ્મોમાં નાની- મોટી અને મહત્વની ભૂમિકાઓ ભજવી હોવા છતાં તેને ‘શોલે'(૧૯૭૫) ના ‘સાંભા’ તરીકે જ વધારે યાદ કરવામાં આવે છે. જાણીને નવાઇ લાગશે કે તેણે પોતાની એ ભૂમિકાને કાઢી નાખવા માટે નિર્દેશક રમેશ સિપ્પીને વિનંતી કરી હતી. તેનું અસલ નામ મોહન મકીજાની હતું. એમાં ફેરફાર કરી મેક મોહન કર્યું હતું. મેકને આમ તો ક્રિકેટર બનવું હતું પણ કોલેજમાં અભ્યાસ સાથે ઇતર પ્રવૃત્તિમાં થિયેટર પસંદ કર્યા પછી અભિનેતા બની ગયો. થિયેટરમાં તેનું કામ જોઇને શૌકત આઝમીએ નાટકોમાં કામ કરવા પ્રોત્સાહિત કર્યો હતો. તેણે મુંબઇમાં ‘ફિલ્માલયા સ્કૂલ ઓફ એકટિંગ’ માં અભિનયની તાલીમ લીધી હતી. શમ્મી કપૂરની ફિલ્મ ‘જંગલી’ માં નાનકડી ભૂમિકાથી અભિનયની શરૂઆત કરી હતી. ‘શોલે’ પહેલાં ૨૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યા પછી મેકનું બહુ નામ થયું ન હતું પરંતુ કામ મળતું હતું.
મેક મોહને એક મુલાકાતમાં કહ્યું છે કે ‘શોલે’ માં તેની ‘સાંભા’ ની ભૂમિકા લાંબી હતી. એ માટે ઘણી મહેનત કરી હતી. ફિલ્મનું શુટિંગ મુંબઇથી દોઢ કલાકના અંતરે આવેલા ‘રામનગરમ’ ગામમાં થતું હતું. મેક અને અમજદ બે વર્ષ સુધી અનેક વખત મુંબઇથી સાથે જ ગયા હતા અને ઘણું શુટિંગ કર્યું હતું. શુટિંગ પૂરું થયા પછી જ્યારે ફિલ્મની એક નકલ તૈયાર થઇને તેનો ટ્રાયલ શો યોજાયો ત્યારે અમિતાભ, ધર્મેન્દ્ર વગેરે કલાકારો સાથે મેક પણ હાજર હતો. તેણે જોયું કે તેની ભૂમિકા સાવ નાની રહી ગઇ હતી. તે એક્સ્ટ્રા કલાકાર જેવો બની ગયો હતો. એ જોઇને મેકની આંખોમાં આંસુ આવી ગયા. તે નાના બાળકની જેમ રડવા લાગ્યો હતો. બીજા બધા શાંતિથી બેઠા હતા. પણ મેકને રડતો જોઇ રમેશ સિપ્પીએ કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે હું એક જુનિયર કલાકાર જેવો રહી ગયો છું. મારો આખો રોલ કાપી નાખો અને ફિલ્મમાંથી મારી ભૂમિકાને દૂર કરી દો.
મેક પાસે એ માટે કારણ હતું. એ વીસ જેટલી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો હતો. એક વર્ષ પહેલાં જ અમિતાભ સાથેની ‘કસોટી’ અને ‘મજબૂર’ આવી હતી અને ત્યારે આઠ ફિલ્મોમાં કામ કરી રહ્યો હતો. ૧૯૭૫ માં ‘શોલે’ ઉપરાંત તેની રફુચક્કર, સલાખેં, પ્રેમ કહાની વગેરે ઘણી ફિલ્મો આવી હતી. રમેશ સિપ્પીએ એને કારણ આપ્યું કે લંબાઇ વધી જતી હોવાથી તેની ભૂમિકા કાપી હતી અને પછી સેંસર બોર્ડે હિંસાના દ્રશ્યો દૂર કરવા કહ્યું હોવાથી અમુક દ્રશ્યો કપાઇ ગયા હતા. સિપ્પીએ કહ્યું કે હવે આ ભૂમિકા આટલી જ રહે એમ છે. જો ફિલ્મ હિટ થઇ જશે તો તારી એક ઓળખ ઊભી થઇ જશે. મેક મોહને રમેશ સિપ્પીમાં વિશ્વાસ રાખ્યો એ સાચો ઠર્યો. ‘શોલે’ રજૂ થતાંની સાથે જ ‘ગબ્બર’ અમજદ ખાન જેટલી જ લોકપ્રિયતા મેકની ‘સાંભા’ ની ભૂમિકાને એક સંવાદ ‘પૂરે પચાસ હજાર’ થી મળી ગઇ. એ પછી તેને વધારે કામ મળવા લાગ્યું. દર વર્ષે તેની દસથી વધુ ફિલ્મો આવતી રહી. મેક મોહન બૉલિવૂડનો એકમાત્ર એવો કલાકાર રહ્યો જેણે ફિલ્મોમાં પોતાના નામથી સૌથી વધુ ભૂમિકાઓ કરી હતી.