‘ત્રિશૂલ’ રજૂ કરવાને લાયક ન હતી

યશ ચોપરાએ ‘દીવાર’ (૧૯૭૫) પછી જ્યારે ફરી સલીમ-જાવેદની પટકથા પરથી અમિતાભ બચ્ચન સાથે ‘ત્રિશૂલ’ (૧૯૭૮) નું આયોજન કર્યું ત્યારે બીજા કલાકારોને પસંદ કરવાનું કામ મુશ્કેલ રહ્યું હતું. નિર્માતા ગુલશન રાયે ‘દીવાર’ ની સફળતા પછી નિર્દેશક યશ ચોપરા સાથે એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. સલીમ-જાવેદની સ્ક્રીપ્ટ વાંચ્યા પછી એન્ગ્રી યંગમેન તરીકેની ઇમેજને ધ્યાનમાં રાખીને ફરી અમિતાભને ‘વિજય’ તરીકે પસંદ કરી લીધો હતો. માતાની ભૂમિકા માટે સલીમ ખાને વૈજયંતિમાલાને રાજી કરવાનું કામ જાવેદ અખ્તરને સોંપ્યું હતું. વૈજયંતિમાલાએ અગાઉ ‘દીવાર’ ની નિરુપા રૉયવાળી ભૂમિકા ઠુકરાવી હતી અને ‘ત્રિશૂલ’ માં એવી જ ભૂમિકા હતી એટલે ના પાડી દીધી. ગુલશન અને યશજી માતા તરીકે વહીદા રહેમાન અને નિરુપા રૉયના નામ વચ્ચે ગુંચવાયા હતા. પછી વહીદા રહેમાનને પસંદ કર્યા હતા. કદાચ ‘દીવાર’ જેવી ભૂમિકાનું પુનરાવર્તન થતું હોવાથી નિરુપાને બદલે બીજી અભિનેત્રી જરૂરી હતી.

સૌથી મોટો પડકાર અમિતાભના પિતાની ભૂમિકા માટે હતો. સંજીવકુમાર પહેલાં કુલભુષણ ખરબંદા, પ્રાણ, પ્રેમનાથ વગેરેના નામ વિચારવામાં આવ્યા હતા. જ્યારે સંજીવકુમારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એમણે અમિતાભ બચ્ચનથી વધારે ફીની માગણી કરી. બધા જાણતા હતા કે સંજીવકુમાર એવા વરિષ્ઠ અભિનેતા હતા જે આ ભૂમિકાને ન્યાય આપી શકે એમ હતા. એ સમય પર અમિતાભની બજાર કિંમત ૬ થી ૮ લાખની ચાલતી હતી ફિલ્મનું બજેટ રૂ.૭૦ લાખનું જ હતું. ફિલ્મ સાથે સંકળાયેલા રમેશ તલવારે સંજીવકુમારની આત્મકથામાં આ વાતનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે અંતમાં સંજીવકુમારને અમિતાભ જેટલી જ ફી આપવાનું નક્કી થયા પછી તે રાજી થયા હતા. આથી ‘ત્રિશૂલ’ પહેલી એવી ફિલ્મ બની હતી જેમાં ઉગતા સ્ટાર અને સ્થાપિત અભિનેતાને એકસરખી ફી ચૂકવવામાં આવી હતી.

ફિલ્મ માટે રિશી કપૂરે ના પાડી હતી એનો કિસ્સો બહુ ચર્ચાસ્પદ રહ્યો હતો. ફિલ્મમાં સચિને ભજવેલી ‘રવિ’ ની ભૂમિકા પહેલાં રિશીને ઓફર કરવામાં આવી હતી. રિશીએ ના પાડતાં સલીમ-જાવેદને ઝાટકો લાગ્યો હતો. કેમકે તેમણે રિશીને ધ્યાનમાં રાખીને ભૂમિકા લખી હતી. એ સમય પર સ્થિતિ એવી હતી કે સલીમ-જાવેદને ના પાડનારની કારકિર્દી ખતમ થઇ જતી હતી. પરંતુ રિશી પોતાના વિચાર પર અડગ રહ્યો હતો.

ફિલ્મ ‘ત્રિશૂલ’ જ્યારે તૈયાર થઇ ગઇ ત્યારે લેખક સલીમ ખાને કહ્યું હતું કે રજૂ કરી શકાય એટલી સારી બની નથી. પહેલા ટ્રાયલ શો પછી યશજી, ગુલશન રાય, જાવેદ અખ્તર સહિત બધા નિરાશ થઇ ગયા હતા. ગુલશન રાયે સલીમને ફિલ્મ કેવી રીતે બચાવી શકાય એનો ઉપાય પૂછ્યો હતો ત્યારે સલીમે મજાકમાં કહ્યું હતું કે ઉપાય એક જ છે કે એને રજૂ કરવાની નહીં. પછીથી સલીમ-જાવેદ અને યશ ચોપરાએ ભેગા થઇ વિચાર કર્યો ત્યારે લાગ્યું કે ફિલ્મ માટે બીજા કેટલાંક પ્રસંગો-દ્રશ્યોનું શુટિંગ કરવું પડશે. ફિલ્મનું એમ્બ્યુલન્સનું દ્રશ્ય તો તમામ શુટિંગ પૂરું થયા પછી જોડવામાં આવ્યું હતું. અનેક સુધારા-વધારા પછી રજૂ થયેલી ‘ત્રિશૂલ’ સુપરહિટ રહી હતી. એ કારણે એની ‘મિ.ભારત’ નામથી રજનીકાંત સાથે તમિલમાં અને શોભન બાબુ સાથે તેલુગુમાં રીમેક બની હતી.