નિર્દેશક સોહેલ ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ (૧૯૯૮) નું ટાઇટલ ગીત ‘ઓઢ લી ચુનરિયા’ તૈયાર કરવા માટે ગીતકાર સુધાકર શર્માની મહેનત દાદ આપવી જેવી છે. એમણે ‘ચુનરિયા’ શબ્દનો ઉપયોગ કરીને ૧૮૭ ગીતો લખ્યા હોવાનો દાવો કર્યો છે. તેમને ‘મિ.ચુનરિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સલમાન ખાને હિમેશ રેશમિયાને ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ માટે એક ગીત તૈયાર કરવાનું કહ્યું ત્યારે તેણે સુધાકર શર્માને બોલાવ્યા. પહેલાં તો એમણે ના પાડી દીધી. કેમકે ‘મોગલે આઝમ’ (૧૯૬૦) માં ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ ગીત શકીલ બદાયુનીએ લખી દીધું હતું.
એમનાથી સારું લખી શકાય નહીં કે એમના સ્તર સુધી પહોંચી ના શકાય. હિમેશનો આગ્રહ હતો એટલે એમણે સલમાનને ભૂલી જઇ એમના બાબાને યાદ કરીને સૂફિયાના શબ્દો લખ્યા કે,’તેરે પ્યાર મેં ડૂબ ગએ હૈ, હમ ખુદ કો હી ભૂલ ગએ હૈ, ઓ મેરે દિલદાર.’ આ ગીત સલીમ ખાનને સંભળાવવા જતી વખતે હિમેશે સુધાકરને સાથે આવવાનો આગ્રહ કર્યો પણ એ પોતાને મનહૂસ માનતા હોવાથી આવવાની ના પાડી દીધી. એટલું જ નહીં એ પૂછે તો દિલ્હીના કોઇ ગીતકારે લખ્યું હોવાનું કહેવા કહી દીધું. સલીમ ગીત સાંભળીને ખુશ થઇ ગયા અને કહ્યું કે આ નવો ગીતકાર નથી. એમની સંમતિ મળતાં ગીતનું રેકોર્ડિંગ કુમાર સાનૂ અને અલકા યાજ્ઞિક પાસે કરાવવાનું નક્કી થયું. સુધાકર અલકાને મળવા ગયા ત્યારે વોચમેને બિલ્ડિંગમાં જવાની ના પાડી દીધી. અલકા કોઇને પોતાના ઘરે આવવા દેતાં ન હતા.
એટલે સુધાકરે એ જ બિલ્ડીંગમાં રહેતા કવિતા કૃષ્ણમૂર્તિના માતાને ફોન કરી વોચમેન પાસે અંદર આવવાની પરવાનગી મેળવી અને અલકાના ઘરે પહોંચી ગયા. અલકાએ સુધાકર પાસેની કેસેટમાં ગીત સાંભળી હા પાડી. જ્યારે બીજા દિવસે રેકોર્ડિંગ હોવાની વાત કરી ત્યારે અલકાએ નદિમ- શ્રવણના ગીતોનું રેકોર્ડિંગ હોવાથી ના પાડી દીધી. સુધાકર ત્યાંથી શ્રવણ પાસે ગયા અને અલકાને આવતીકાલે ગીત ગાવા સમય આપવા વિનંતી કરી. શ્રવણે અલકાને ફોન કર્યો અને સુધાકર માટે ભલામણ કરીને પોતાનું રેકોર્ડિંગ રાત્રે રાખવામાં આવ્યું હોવાનું કહ્યું. સુધાકર પાછા અલકાના ઘરે ગયા અને શ્રવણ સાથેની વાત કરી ત્યારે અલકાએ એ શરતે ગાવાની સંમતિ આપી કે આ તત્કાલ ગીત માટે વધારે ફી લેશે. સંમતિ આપીને સુધાકર કુમાર સાનૂ પાસે ગયા.
એ પણ વ્યસ્ત હતા છતાં ગાવા માટે મનાવી લીધા. બીજા દિવસે કુમાર અને અલકાના સ્વરમાં ‘ઓઢ લી ચુનરિયા’ ગીતનું રેકોર્ડિંગ થઇ ગયા પછી સુધાકરે અલકાને રૂપિયા ચૂકવ્યા ત્યારે શરત કરી હોવા છતાં વધારે લેવાની ના પાડી દીધી અને જે ભાવ હતો એટલા જ આપવા કહ્યું. અલકા આ ગીતથી બહુ ખુશ થઇ હતી. પાછળથી સુધાકરને યાદ આવ્યું કે એમણે ગીત લખ્યું છે એ કોના પર ફિલ્માવાશે એ પૂછવાનું જ રહી ગયું છે. હિમેશને પૂછ્યું ત્યારે સલમાન- કાજોલનું નામ આપ્યું.
સુધાકરે કહ્યું કે ગીતમાં કાજોલ માટે કંઇ લખાયું નથી. એ ઉમેરવું પડશે. હિમેશનું કહેવું હતું કે ગીત સારું બન્યું છે. પણ સુધાકરે કુમારને ફોન કરીને કહ્યું કે ગીતમાં એક લીટી સુધારી હોવાથી ગાવા માટે આવી જાવ. એ દિવસે કુમારનો જન્મદિવસ હતો અને કેક કાપી હતી. છતાં સુધાકરે કાજોલ માટે વિશેષ લખેલા શબ્દો ‘તૌબા તૌબા યે આંખેં, કહેતી હૈ સૌ સૌ બાતેં’ ને સ્વર આપવા ગયો હતો. ટી. સીરીઝના ભૂષણકુમારે ગીત સાંભળ્યા પછી આ ટીમ સાથે જ બીજું ગીત બનાવવા કહ્યું હતું. અને હિમેશે સુધાકર સાથે ‘તુમ પર હમ હૈ અટકે યારા’ તૈયાર કર્યું હતું. એ પણ લોકપ્રિય રહ્યું હતું. આ બંને ગીતથી સુધાકરને વધુ લોકપ્રિયતા મળી હતી અને હિમેશની સંગીતકાર તરીકે કારકિર્દી બની ગઇ હતી.