‘વક્ત’ ની વાર્તા રાજ કપૂર માટે હતી                     

ફિલ્મ ‘વક્ત’ (૧૯૬૫) ની વાર્તા રાજ કપૂરે પોતાના પરિવારના સભ્યો સાથે કામ કરવા તૈયાર કરાવી હતી. જેના પરથી પાછળથી નિર્માતા બી.આર. ચોપરાએ અલગ કલાકારો સાથે ફિલ્મ બનાવી હતી. લેખક અખ્તર મિર્ઝા એક વખત બી. આર. ચોપરાને મળવા આવ્યા. એમના નિર્દેશનમાં બનેલી ‘નયા દૌર’ (૧૯૫૭) ની વાર્તા મિર્ઝાએ લખી હતી ત્યારથી મિત્રતા હતી. એમણે વાતવાતમાં કહ્યું કે રાજ કપૂર માટે એક ફિલ્મની વાર્તા લખી છે. તેઓ પોતાના ભાઇઓ અને પિતા સાથે એક ફિલ્મ બનાવવા માગતા હોવાથી પરિવારને સાંકળતી આ વાર્તા લખી છે.

 

 

મિર્ઝાએ એ વાર્તા બી.આર. ચોપરાને સંભળાવીને અભિપ્રાય પૂછ્યો. ચોપરાએ એ વાર્તાની પ્રશંસા કરીને કહ્યું કે સારી છે. ત્યારે મિર્ઝાએ કહ્યું કે તમને વાર્તા પસંદ આવી હોય તો તમે જ ફિલ્મ બનાવી નાખો. ચોપરાએ કહ્યું કે રાજ કપૂર માટે તમે વાર્તા લખી છે એટલે હું એ લઇ શકું નહીં. તમારે એમને જ આપવી જોઇએ. ચોપરા સાથે વાત કરીને મિર્ઝા રાજ કપૂરને ત્યાં ગયા. થોડા કલાક પછી ચોપરાને મિર્ઝાનો ફોન આવ્યો કે એમને આજે ફરી મળવા માગે છે. ચોપરાએ મળવાની હા પાડી અને ફોનમાં જ પૂછ્યું કે રાજ કપૂરને વાર્તા ગમી કે નહીં. ત્યારે એમણે કહ્યું કે રૂબરૂ મળવા આવી રહ્યા છે એટલે ત્યારે જ કહેશે. ચોપરાએ એમને ઓફિસ પર જ મળવા બોલાવી લીધા. અખ્તર મિર્ઝાએ આવીને કહ્યું કે વાર્તા રાજ કપૂરને પસંદ આવી નથી. એમણે બીજી વાર્તા લખવા કહ્યું છે. તમને પસંદ આવી હોય તો એના પરથી હવે ફિલ્મ બનાવી શકો છો. ચોપરાએ આ બાબતે રાજ કપૂરને વાત કરીને સંમતિ પણ મેળવી લીધી અને યશ ચોપરાના નિર્દેશનમાં ‘વક્ત’ બનાવવાનું આયોજન શરૂ કર્યું. એમણે પણ વાર્તા મુજબ કપૂર પરિવારના સભ્યોને લેવાનું નક્કી કર્યું હતું.

 

શશી કપૂર સાથે વાત થઇ ચૂકી હતી. ત્યારે એક દિવસ એમની મુલાકાત નિર્દેશક બિમલ રૉય સાથે થઇ. ત્યારે તેઓ નૂતન સાથે ફિલ્મ ‘આશરા’ બનાવી રહ્યા હતા. એમણે એની વાર્તા સંભળાવી. ચોપરાએ કહ્યું કે ફિલ્મ ચાલશે નહીં. રૉયે પાછળથી એ ફિલ્મ બંધ કરી દીધી હતી. એ જ વાર્તા પરથી વર્ષો પછી ઋષિકેશ મુખર્જીએ સાયરા બાનુ સાથે ફિલ્મ ‘ચૈતાલી’ (૧૯૭૫) બનાવી જે ફ્લોપ રહી હતી. ચોપરાએ બિમલ રૉયને ‘વક્ત’ ની વાર્તા સંભળાવી અને એક જ પરિવારના કલાકારો સાથે ફિલ્મ બનાવવાના હોવાનું જણાવ્યું. વાર્તા સાંભળીને બિમલ રૉય ખુશ થયા. એમને વાર્તા બહુ પસંદ આવી હતી. પરંતુ એમણે સૂચન કર્યું કે ત્રણ ભાઇ અને એના પિતા એક જ પરિવારના લેવાને બદલે એકબીજા સાથે લોહીનો સંબંધ ના ધરાવતા હોય એવા કલાકારોને લઇને ફિલ્મ બનાવવી જોઇએ. નહીંતર એ ગૂમ થયેલા ત્રણ સગા ભાઇઓનું જે રહસ્ય છે એનો દર્શકોને પહેલાં જ ખ્યાલ આવી જશે. ચોપરાને એ વિચાર યોગ્ય લાગ્યો. એમણે ત્રણ ભાઇઓ રાજા (રાજકુમાર), રવિ (સુનીલ દત્ત) અને વિજય (શશી કપૂર) ની ભૂમિકાઓ અલગ કલાકારોને સોંપી. બી. આર. ચોપરા માને છે કે બિમલ રૉયની સલાહને કારણે જ ફિલ્મ વધારે સારી બની હતી અને સફળ રહી હતી. ‘વક્ત’ ને શ્રેષ્ઠ વાર્તા (અખ્તર મિર્ઝા) સહિતના ‘ફિલ્મફેર’ના પાંચ એવોર્ડ મળ્યા હતા.