પ્રીતમની ‘ચોકલેટ’ થી મયૂર ગીતકાર બન્યો

બેઝુબાં કબ સે, સાડી કા ફોલ સા, મુઝે તો તેરી લત લગ ગઇ, ચુનર, હેંગઓવર, ભૂતની કે, તેરી ઔર તેરી ઔર, સેલ્ફી લે લે રે, દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા વગેરે સેંકડો લોકપ્રિય ગીતો લખી ગીતકાર તરીકે લોકપ્રિય થઇ ચૂકેલો મયૂર પુરી અસલમાં નિર્દેશક અને સ્ક્રીપ્ટ લેખક બનવા માગતો હતો. સંગીતકાર પ્રીતમે એનામાં ગીતકાર તરીકેની પ્રતિભા જોઇ જબરજસ્તી ગીતો લખતો કરી દીધો હતો. પરિવારનો વિરોધ છતાં રૂ.૭૦૦ લઇને ફિલ્મોમાં નસીબ અજમાવવા તે મુંબઇ આવી ગયો હતો. નસીબ સારું કે ફિલ્મોમાં સંઘર્ષ કરતો મિત્ર લાસન જોસેફ મુંબઇમાં હતો. જેણે પાછળથી ‘મુન્નાભાઇ એમબીબીએસ’ માં સહાયક સ્ક્રીનપ્લે લેખક તરીકે કામ કર્યું હતું. તેના હેમંત ઘોષ નામના એક મિત્રએ મયુરને એવી વ્યક્તિઓની યાદી તૈયાર કરી આપી જે નિર્દેશક બનવા પ્રયત્ન કરી રહ્યા હતા. એમાં છેલ્લે સંજય ગઢવીનું નામ હતું. મયુર સંજયને મળવા ગયો. એમની પંદર મિનિટની નક્કી થયેલી મુલાકાત સાડા ત્રણ કલાક ચાલી.

સંજય ગઢવીએ એને વિશ્વાસ અપાવ્યો કે કોઇ ફિલ્મ મળશે તો એ મુખ્ય સહાયક નિર્દેશક રહેશે. એક જ સપ્તાહ પછી સંજયને નાની ફિલ્મ ‘તેરે લિયે’ (૨૦૦૧) મળી અને મયૂરને કામ મળ્યું. ફિલ્મમાં સંગીત પ્રીતમ ચક્રવર્તી અને જીત ગાંગુલીનું હતું. એમાં મયૂરને પ્રીતમ સાથે જામી ગયું. પ્રીતમ ધૂન બનાવતા ત્યારે મજાકમાં જ એ થોડા ડમી શબ્દો બનાવી આપતો હતો. ઘણી વખત એવું થયું કે પ્રીતમ જે ગીત બનાવતા એમાં મુખડું કે શરૂઆતના શબ્દો મયૂરના રહેતા અને બાકીનું ગીત બીજા ગીતકારનું રહેતું. મયૂર ગીતકાર બનવા માગતો ન હોવાથી આખું ગીત લખવામાં રસ લેતો ન હતો. પ્રીતમ એને પ્રોત્સાહન આપતા કે તું માત્ર મુખડું લખે છે પણ એ જ મુખ્ય હોય છે. તું આખા ગીત લખવાનું શરૂ કરી દે. એના અધિકાર મળશે અને કમાણી થશે. મયૂરને ગીતકાર બનવું ન હોવાથી કહેતો કે મને કંપની સહાયક નિર્દેશકનો પગાર આપે છે એમાં જ આ કામ આવી જાય છે.

પ્રીતમ સમજાવતો કે અહીં એક- એક લીટીના રૂપિયા મળે છે પણ માન્યો નહીં. તે ‘ધૂમ’ (૨૦૦૪) સુધી યશરાજ ફિલ્મ્સ કંપનીમાં સહાયક નિર્દેશક રહ્યો. એમનું કામ છોડી પોતે નિર્દેશક બનવાનો પ્રયત્ન કર્યો પણ તક ના મળી. દરમ્યાનમાં એક દિવસ સંગીતકાર પ્રીતમનો ફોન આવ્યો કે અહીં એક ગીત રેકોર્ડ કરવાનું છે. તેં જે ડમી શબ્દો આપ્યા હતા એ સોનૂ નિગમે ગાઇ લીધા છે અને હવે નિર્દેશક કહે છે કે અંતરા તારે જ લખવાના છે. તું જલદી આવી જા. મયૂર પહોંચ્યો ત્યારે ખબર પડી કે નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ચૉકલેટ’ (૨૦૦૫) માટે એના ‘હલ્કા હલ્કા સા યે નશા’ શબ્દોનું રેકોર્ડિંગ થઇ ગયું છે.

વિવેકે સાત લોકો લંડનમાં ફરી રહ્યા હોવાનો વિચાર આપ્યો. મયૂરને થયું કે એમાં મારું આ મુખડું મેચ થતું નથી. ત્યારે વિવેકે ત્યાં સુધી કહી દીધું કે હું તને પરિસ્થિતિમાં બાંધવા માગતો નથી. તું ગીત લખશે એ રીતે ફિલ્માંકન કરીશું. અમારે આ ગીતથી ફિલ્મનો એક મૂડ બનાવવો છે. પછી મયૂરે પંદર મિનિટમાં જ કોઇ સિચ્યુએશન ન હતી એટલે પ્યોર ફિલસૂફી સાથેના શબ્દો ‘ક્યોં ભલા સપનોં કે પીછે, દિલ મેરા અપનોં કે પીછે ખોતા હૈ, ખ્વાઇંશે આવારા બનકે, ટૂટ જાયે તારા બનકે, હોતા હૈ’ એમાં લખી આપ્યા. એ મયુર પૂરીનું પહેલું આખું ગીત હતું. નિર્દેશકે ગીતથી પ્રભાવિત થઇ એના બાકી હતા એ વધુ બે ગીત ‘ખલીશ’ અને ‘મમ્મી’ લખાવ્યા. પછી તો પ્રીતમ મયૂરને અચાનક બોલાવીને આખા ગીતો લખાવવા લાગ્યા. એ કારણે તે સંપૂર્ણ ગીતકાર જ બની ગયો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]