એક લડકી કો દેખા તો…

ગીતકાર જાવેદ અખ્તરે કોઇપણ જાતની તૈયારી વગર એક ગપ્પુ મારીને જ ‘એક લડકી કો દેખા તો’ ગીત લખી નાખ્યું હતું. નિર્દેશક વિધુ વિનોદ ચોપડાએ અનિલ કપૂર, મનીષા કોઇરાલા અને જેકી શ્રોફ સાથે ફિલ્મ ‘1942 અ લવ સ્ટોરી’ (૧૯૯૪) નું આયોજન કર્યું ત્યારે સંગીતની જવાબદારી આર.ડી. બર્મનને સોંપી હતી અને જાવેદ અખ્તરને શુધ્ધ કાવ્યમય ગીતો લખવા લીધા હતા. એ સમય પર ગીતોનું સ્તર ઉતરતી કક્ષાનું હતું. વિધુ ચાહતા હતા કે એમની ફિલ્મના ગીતોનું સ્તર ઊંચું હોવું જોઇએ. જાવેદ અખ્તરે આર.ડી. બર્મનના સંગીત રૂમમાં બેસીને જ્યારે સ્ક્રીપ્ટ સાંભળી ત્યારે ફિલ્મમાં કોઇ જગ્યાએ ‘એક લડકી કો દેખા તો’ ગીતની સિચ્યુએશન ન હતી. જાવેદે સૂચન કર્યું કે આ જગ્યાએ એક ગીત રાખવું જોઇએ. વિધુની દલીલ હતી કે ફિલ્મમાં હજુ હીરો- હીરોઇનનો રોમાન્સ શરૂ થયો નથી. બંને હજુ મળ્યા જ નથી. હીરોએ હીરોઇનની માત્ર એક ઝલક જોઇ છે.

હીરોને એના નામની કે એના વિશેની કોઇ ખબર નથી પછી રોમેન્ટિક ગીત કેવી રીતે આવી શકે? ત્યારે જાવેદે કહ્યું કે એમને આ સ્થિતિમાં એક સારું ગીત બનવાની શક્યતા દેખાય છે. જાવેદના આગ્રહ પછી વિધુ અને આર.ડી. બર્મને ગીત લખીને લાવવા કહ્યું. એ દિવસે શનિવાર હતો. જાવેદે બુધવારે બપોરે ૪ વાગે ગીત સાથે હાજર રહેવાનું વચન આપ્યું. જાવેદ ઘરે આવી ગયા અને બીજા કામોમાં ગીત લખવાનું ભૂલી ગયા. બુધવારે બપોરે પોણા ચાર વાગે વિધુએ ફોન કર્યો કે એમની ગીત માટે રાહ જોવામાં આવી રહી છે. જાવેદને ત્યારે યાદ આવ્યું કે ગીત લખવાનું બાકી છે. એ ગીત લખ્યા વગર કાર લઇને સ્ટુડિયો તરફ જઇ રહ્યા હતા ત્યારે શરમમાં મૂકાવું પડશે એનો રંજ થયો. પોતે જ આગ્રહ કરીને સિચ્યુએશન જણાવી ગીત મૂકવાની વાત કરી હતી અને પછી કંઇ વિચાર્યું ન હતું.

રસ્તામાં માત્ર કહેવા પૂરતી એક લીટીની પંક્તિ મગજમાં આવી શકી હતી. ત્યાં પહોંચીને એમણે બડાઇ મારી કે ચાર દિવસથી ગીત વિચારતો હતો અને બહુ સરસ વિચાર આવ્યો છે એ સાંભળી લો. જો પસંદ આવે તો હું લખી આપીશ. એમને એમ કે વિધુ ના પાડી દે તો લખવું નહીં પડે. એમણે વિચારેલી ‘એક લડકી કો દેખા તો એસા લગા’ પંક્તિ સંભળાવી. બધાંને ગીતનો વિચાર ગમી ગયો. વિધુએ એમને પહેલો અંતરો લખવાનું કહ્યું. જાવેદે એક ખૂણામાં બેસીને થોડી જ વારમાં એક અંતરો લખી આપ્યો એ પછી એક જ મિનિટમાં પંચમદાએ ધૂન બનાવી નાખી. વિધુએ એમને બીજા અંતરા પણ લખવાનું કહી દીધું. જે જાવેદ અખ્તરે ઘરે જઇને લખ્યા હતા. બીજો અંતરો તરત લખાઇ ગયો પણ ત્રીજા અંતરાને લખતાં હાંફી ગયા. કેમકે કેટલાય એવા ઉદાહરણ હતા જે જાવેદ આપવા માગતા ન હતા.

આમ તો ‘જૈસે છલકા હો જામ’ જેવી ઘણી આપી શકાતી હતી પરંતુ જાવેદ એવી કોઇ વાત લખવા માગતા ન હતા જેમાં પ્રેમની શુધ્ધતા ના હોય અને કોઇ શારીરિક આકર્ષણની વાત હોય. તે હવસની કોઇ પણ ઉપમા એમાં લાવવા માગતા ન હતા. એ કારણે એમના માટે ત્રીજો અંતરો ‘એક લડકી કો દેખા તો એસા લગા, જૈસે નાચતા મોર, જૈસે રેશમ કી ડોર, જૈસે પરિયોં કા રાગ, જૈસે સંદલ કી આગ, જૈસે સોલહ શ્રુંગાર, જૈસે રસ કી ફુહાર, જૈસે આહિસ્તા આહિસ્તા બઢતા નશા હો…’ લખવાનું કામ બહુ કઠિન રહ્યું હતું. આ ગીત માટે એમને શ્રેષ્ઠ ગીતકારનો અને કુમાર સાનૂને શ્રેષ્ઠ પુરુષ ગાયકનો ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો.