અંજના રાતોરાત હીરોઇન બની ગઇ 

હિન્દી ફિલ્મોમાં ‘સાજન ચલે સસુરાલ’ માં ગોવિંદાની, ‘પરમાત્મા’ માં જુહી ચાવલાની, ‘ખિલાડિયોં કા ખિલાડી’માં અક્ષયકુમારની અને ‘જોડીદાર’ માં મિથુનની મા તરીકેની ભૂમિકાથી જાણીતી થનાર અભિનેત્રી અંજના મુમતાઝની હીરોઇન તરીકે શરૂઆત અચાનક થઇ હતી અને માતાની ભૂમિકા પણ સંજોગથી જ મળવા લાગી હતી. અંજના નાની હતી ત્યારથી જ ડાન્સમાં રસ હતો. એની માતા પણ અંજના ડાન્સર બને એમ ઇચ્છતી હતી. અંજનાએ અભિનયમાં આવવાનો ક્યારેય વિચાર કર્યો ન હતો. તેનું નામ અંજના માંજરેકર હતું. લગ્ન પછી તે અંજના મુમતાઝ બની હતી. નાની હતી ત્યારે એક વખત પોતાની પ્રિય અભિનેત્રી મીનાકુમારીની ફિલ્મ ‘પાકીઝા’ (૧૯૭૨) નું શુટિંગ જોવા ગઇ. મીનાકુમારી એને મળીને એટલી પ્રભાવિત થઇ કે કોઇ ફિલ્મમાં કામ આપવા નિર્દેશક કમાલ અમરોહીને ભલામણ કરી દીધી.

થોડા જ સમયમાં કમાલ દ્વારા સંજીવકુમાર સાથે ફિલ્મ ‘શંકર હુસૈન’ નું આયોજન થયું ત્યારે અંજનાને હીરોની બહેનની ભૂમિકા સોંપવામાં આવી. કેમકે એની ઉંમર નાની હતી. અંજનાને કહેવામાં આવ્યું કે તારો અભ્યાસ ચાલુ રાખવાનો પણ શુટિંગમાં બોલાવે ત્યારે આવી જવાનું. એક દિવસ કમાલનો માણસ આવીને કહી ગયો કે ફલાણા દિવસે ફિલ્મના મુહૂર્તમાં હાજર રહેવાનું છે. અંજના તૈયારી કરવા લાગી. મુહૂર્તના દિવસની આગલી રાત્રે માણસ આવીને કહી ગયો કે એ હવે ફિલ્મની હીરોઇન બનશે. અંજનાના પરિવારને નવાઇ લાગી કે રાતોરાત દીકરી કેવી રીતે હીરોઇન બની ગઇ હશે. તેઓ બીજા દિવસે સેટ પર પહોંચ્યા ત્યારે ખબર પડી કે જે હીરોઇન હતી તેણે સગાઇ કરી લીધી હતી અને મંગેતરે એને ફિલ્મમાં કામ કરવાની ના પાડી હોવાથી અંજનાને હીરોઇન તરીકે નક્કી કરી દીધી હતી.

અંજનાએ સપનામાં પણ વિચાર્યું ન હતું કે તે હીરોઇન બનશે. ફિલ્મનું શુટિંગ શરૂ થયું પણ એ બની શકી નહીં. પાછળથી બની ત્યારે આખી સ્ટારકાસ્ટ અલગ હતી. દરમ્યાનમાં અંજનાને નિર્દેશક અજય વિશ્વાસની ‘સંબંધ’ (૧૯૬૯) માં દેવ મુખર્જીની હીરોઇન તરીકે કામ મળી ગયું. એ પછી સંજીવકુમાર સાથે ‘માં કા આંચલ’ (૧૯૭૦), અમિતાભ સાથે ‘બંધે હાથ’ (૧૯૭૩), મહેમૂદ સાથે ‘દો ફૂલ’ (૧૯૭૩) વગેરેમાં હીરોઇન તરીકે કામ કર્યું. કેટલીક મરાઠી ફિલ્મોમાં દાદા કોંડકેની પણ હીરોઇન બની. પરંતુ ફિલ્મો પસંદ કરવામાં થાપ ખાઇ ગઇ અને મોટા બેનરમાં તક મેળવી ના શકી. દરમ્યાનમાં લગ્ન કરી લીધા એટલે અભિનય છૂટી જેવો ગયો. તે એક બાળકની મા બની ગઇ હતી ત્યારે પતિએ એને ફરી અભિનય માટે પ્રોત્સાહન આપ્યું. બોલિવૂડમાં ખાસ કોઇ ઓળખાણ રહી ન હોવાથી ‘જુવાનીના ઝેર’ (૧૯૮૨) જેવી ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં કામ કર્યું.

દરમ્યાનમાં કોઇ પાસેથી જાણવા મળ્યું કે નિર્દેશક રમેશ સિપ્પિની સિરિયલ ‘બુનિયાદ’ (૧૯૮૬) માં ભૂમિકા મળે એમ છે. તેની પાસે ખાસ કામ ન હતું એટલે માતાની ભૂમિકા મળી એ સ્વીકારી લીધી. એમાં અનિતા કંવરની ‘લાજોજી’ ની ભૂમિકા લોકપ્રિય બની હતી. ફિલ્મોમાં માતાની ભૂમિકાઓ ઓફર થવા લાગી હતી. પણ અનિતાએ નક્કી કર્યું હતું કે તે માતાની ભૂમિકાઓ ક્યારેય કરશે નહીં. એ કારણે નિર્માતાઓએ સિરિયલના સેટ પર માતા બનેલી અંજનાને જોતાં તેને ભૂમિકા કરવા કહ્યું. તેને સામે ચાલીને ફિલ્મો મળી રહી હતી. અંજનાએ વિચાર્યું કે બહેન કે ભાભીની ભૂમિકાઓ કરતાં માતાની મહત્વની ભૂમિકા ભજવવાનું વધારે યોગ્ય છે. અને અંજનાએ પોતાના સમયના લગભગ બધા જ જાણીતા હીરો-હીરોઇનની માતાની ભૂમિકાઓ ભજવી લોકપ્રિયતા મેળવી.