પુનિત ઇસ્સરને જો ‘મહાભારત’ સિરિયલમાં ‘દુર્યોધન’ ની ભૂમિકા ના મળી હોત તો ખોવાઈ ગયો હોત. કેમકે પહેલી ફિલ્મ ‘કુલી’ માં ખલનાયકની મહત્વની ભૂમિકા હોવા છતાં એક અકસ્માતને કારણે એ પછી અભિનેતા તરીકે કામ ગુમાવી લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો. પિતા સુદેશ ઇસ્સર ફિલ્મ નિર્દેશક હતા એટલે પુનિત માટે ફિલ્મોમાં આવવાનું સરળ હતું. પરંતુ એ કોલેજમાં હતો ત્યારે એક સમસ્યા એ હતી કે એની ભાષા બમ્બઈયા હતી. એ ઝડપથી શબ્દો બોલતો હતો અને કોઈને સ્મજાતા ન હતા. હિન્દી ભાષા પર પ્રભુત્વ ન હતું. પિતાએ એને કોઈપણ ક્ષેત્રમાં જતા પહેલાં ભાષા- ઉચ્ચારણ વ્યવસ્થિત કરવા તાલીમ મેળવવાનું સૂચન કર્યું. પુનિતે એના પર મહેનત કરી અને અભિનયની તાલીમ પણ લીધી. એ સાથે માર્શલ આર્ટસ પણ શીખી રહ્યો હતો. એ કારણે જ ‘કુલી’(૧૯૮૩) માં કામ મળ્યું હતું.
મનમોહન દેસાઇ ફિલ્મ ‘નસીબ’ (૧૯૮૧) બનાવી રહ્યા હતા ત્યારે ડબિંગમાં માર્શલ આર્ટસ વખતનો ચિલ્લાવાનો અવાજ જોઈતો હતો. એમણે આ વાત યશ જોહરને કરી હતી. યશ અને સુદેશ મિત્ર હતા. એમને ખબર હતી કે સુદેશનો પુત્ર પુનિત માર્શલ આર્ટસમાં છે. એમણે મનમોહનને પુનિતના નામની ભલામણ કરી એટલે એને મળવા બોલાવ્યો. પુનિતની બૉડી જોઈને એ પ્રભાવિત થઈ ગયા અને માર્શલ આર્ટસ બતાવવા કહ્યું. પુનિતે એ કળા બતાવી ત્યારે એમણે પહેલાં ફિલ્મ માટે જરૂરી અવાજ રેકોર્ડ કરાવી લીધો પછી અભિનય કરવાની ઈચ્છા પૂછી. પુનિતે તૈયારી બતાવી એટલે અમિતાભ સામે ‘કુલી’ માં નકારાત્મક ભૂમિકા આપી. ફિલ્મના શુટિંગ દરમ્યાન એક એક્શન દ્રશ્ય વખતે ટાઈમિંગમાં ગરબડ થતાં ભૂલથી અમિતાભ બચ્ચનને શરીર પર ગંભીર ઇજા થઈ હતી. પુનિત એ માટે પોતાને કસૂરવાર માનતો હતો. ત્યારે અમિતાભે પુનિતને સમજાવ્યો હતો કે એક્શન દ્રશ્યોમાં આવું બની શકે છે. એમાં તારો વાંક નથી. પણ એમના ચાહકોમાં પુનિત પ્રત્યે નારાજગી અને રોષનો માહોલ હતો. ‘કુલી’ ના સેટ પરના અકસ્માત પછી એવી માન્યતા બંધાઈ કે પુનિત સાથે કામ કરવામાં જોખમ છે. અને એક થપ્પો એવો લાગી ગયો કે તે અભિનેતા નહીં પહેલવાન છે. એને પુરાના મંદિર, પાલેખાન જેવી થોડી ફિલ્મો મળી પણ કોઈ ફાયદો થયો નહીં.
જ્યારે પુનિતને નિર્દેશક બી.આર. ચોપડા ‘મહાભારત’ બનાવતા હોવાની ખબર પડી ત્યારે એમની પાસે જઈ એમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ચોપડાએ એની હાઇટ – બૉડી જોઈ ‘ભીમ’ ની ભૂમિકા કરવા કહ્યું. પુનિતે કહ્યું કે મેં ‘મહાભારત’ વાંચ્યું છે અને ‘દુર્યોધન’ નું પાત્ર કરવા માગું છું. ત્યાં ઉપસ્થિત લેખક રાહી માસૂમ રઝાએ કહ્યું કે અમે તને હીરો જેવું પાત્ર આપી રહ્યા છે અને તું વિલન બનવા માગે છે. પુનિતે ‘મહાભારત’ ની કથાથી પરિચિત હોવાનું જણાવ્યું એટલે રઝાએ સ્ક્રીપ્ટ આપી બોલવા કહ્યું. પુનિતે ઓડિશન આપ્યું અને એ પસંદ થઈ ગયો પણ ભૂમિકા નક્કી ન હતી. ચોપડાનું કહેવું હતું કે તારાથી વધારે બૉડીવાળો કોઈ મળવાનો નથી એટલે તારે જ ‘ભીમ’ બનવું પડશે. તેથી પુનિતે જ ‘ભીમ’ શોધી કાઢ્યો. એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક મેળવનાર ખેલાડી પ્રવિણકુમારની હાઇટ બૉડી પુનિતથી વધારે હોવાથી એને બી.આર. ચોપડા સામે રજૂ કર્યો અને એમણે પણ એને યોગ્ય માન્યો હતો. પુનિતે ‘દુર્યોધન’ ની ભૂમિકા મેળવીને એને એવો ન્યાય આપ્યો કે કારકિર્દીની એ યાદગાર ભૂમિકા બની ગઈ.