‘દોસ્તાના’ માં વિનોદના સ્થાને શત્રુધ્ન આવ્યા

શત્રુધ્ન સિંહાએ પોતાના દમદાર અભિનયથી ‘દોસ્તાના’ ની જાન વગરની ગણાતી ભૂમિકાને ન્યાય આપ્યો હતો. અસલમાં નિર્માતા યશ જોહરની ફિલ્મ ‘દોસ્તાના’ માં પહેલાં અમિતાભ બચ્ચન – વિનોદ ખન્નાની જોડી નક્કી થઈ હતી. ‘નવકેતન ફિલ્મ્સ’ માં નિર્માણ સંબંધી કામ સંભાળતા યશ જોહરને દેવ આનંદે પોતે રાજકારણમાં રસ લઈ રહ્યા હતા તેથી જાતે ફિલ્મનું નિર્માણ કરવાનું સૂચવ્યું હતું. ત્યારે યશ જોહરે ‘ધર્મા પ્રોડકશન્સ’ ની સ્થાપના કરીને પહેલી ફિલ્મ ‘દોસ્તાના’ બનાવવાનું આયોજન કર્યું હતું. તેઓ ફિલ્મનું નિર્દેશન દેવના ભાઈ વિજય આનંદને સોંપવા માગતા હતા પણ ‘રામ બલરામ’ અને ‘રાજપૂત’ માં વ્યસ્ત હોવાથી રાજ ખોસલાને પસંદ કર્યા હતા.

સલીમ- જાવેદની સ્ક્રીપ્ટ મુજબ ફિલ્મમાં હીરો તરીકે અમિતાભ- વિનોદ પસંદ થયા હતા. જ્યારે રાજે સ્ક્રીપ્ટ વાંચી ત્યારે એમને ખ્યાલ આવ્યો કે વિનોદ ખન્નાની પસંદગી વાર્તા પ્રમાણે યોગ્ય નથી. ત્યારે વિનોદ એમની જ ફિલ્મો મેરા ગાંવ મેરા દેશ, કચ્ચે ધાગે વગેરેથી સ્ટાર બની ચૂક્યા હતા. અને એમની વચ્ચે દોસ્તી હતી. એમણે માન્યું કે આ એક પ્રણયત્રિકોણની વાર્તા છે. અને ઝીનત અમાન વિનોદ ખન્ના જેવા હેન્ડસમ હીરોને છોડીને અમિતાભ પાસે જાય એ વાત પચાવી શકાય એવી ન હતી. તેથી બીજો હીરો દેખાવમાં અમિતાભથી કમ હોવો જોઈએ. રાજે યશ સાથે વાત કરી અને વિનોદના સ્થાને શત્રુધ્ન સિંહાને પસંદ કર્યા હતા. રાજે શત્રુધ્ન માટે દમદાર દ્રશ્યો તૈયાર કરાવ્યા જેથી ભૂમિકા નબળી ના રહી જાય. શત્રુધ્નએ પણ અમિતાભ સાથેના દ્રશ્યોમાં એવો અભિનય આપ્યો કે યાદગાર ફિલ્મ બની ગઈ. શત્રુધ્નની સેટ પર મોડા આવવાની આદત હતી.

બીજી તરફ અમિતાભ સમયના પાબંદ હતા. પણ રાજ ખોસલાએ થોડો વધુ સમય લઈને પણ બંને વચ્ચે સાયુજ્ય સાધીને ફિલ્મ પૂરી કરી હતી. છેલ્લા દિવસના શુટિંગમાં શત્રુધ્ન મોડા આવ્યા હતા. એ એમના મેકઅપમેન પ્રસાદના અવસાનથી દુ:ખી હતા. અને આવતા ન હતા. પણ સેટ તોડી નાખવાનો દિવસ આવી ગયો હોવાથી ફરજિયાત આવવું પડ્યું હતું. ત્યારે રાજને ચિંતા હતી કે રિહર્સલ વગેરેમાં ઘણો સમય જવાનો છે. અને અમિતાભની એ છેલ્લી તારીખ હતી. શત્રુધ્ન પોતાના સંવાદ તૈયાર કરીને આવ્યા હતા એટલે રાજને ટેક લેવા કહી દીધું હતું. બધાને નવાઈ લાગી કે રિહર્સલ વગર કેવી રીતે ટેક કરી શકાય. પણ રાજને શત્રુધ્નમાં વિશ્વાસ હતો. એમણે સીધું શુટિંગ શરૂ કરાવી દીધું. બધાના આશ્ચર્ય વચ્ચે શત્રુધ્નએ ફિલ્મના સૌથી મહત્વના અમિતાભ સાથેના એ દ્રશ્યને એક જ ટેકમાં પૂરું કરી આપ્યું. શત્રુધ્નએ વધુ એક ટેક લેવાનું સૂચન કર્યું પણ અમિતાભે એમ કહીને ના પાડી દીધી કે આનાથી વધારે સારું થઈ શકશે નહીં.