નિર્દેશક ઇન્દ્રકુમારની ફિલ્મ ‘રાજા’ (૧૯૯૫) માં પહેલાં જે ભૂમિકામાં નાના પાટેકર હતા એ પાછળથી પરેશ રાવલે ભજવી હતી. ફિલ્મમાં આ ફેફાર કેમ થયો એનો નાના પાટેકરના સ્વભાવનો મોટો કિસ્સો ઇન્દ્રકુમારે એક મુલાકાતમાં કહ્યો હતો. ઇન્દ્રકુમારે માધુરી દીક્ષિત- સંજય કપૂર સાથે ફિલ્મ ‘રાજા’ શરૂ કરી ત્યારે બ્રીજનાથ ઉર્ફે બીરજુની ભૂમિકા નાના પાટેકર ભજવી રહ્યા હતા. પરંતુ ત્રણ દિવસમાં કેટલાક દ્રશ્યો અને એક ગીતના શુટિંગ પછી ઇન્દ્રકુમારને લાગ્યું કે અભિનેતા નાના પાટેકર નિર્દેશક તરીકે પણ કામ કરી રહ્યા છે. ત્યારે ઇન્દ્રકુમારે વિચાર્યું કે જ્યારે અભિનેતા નિર્દેશક બનવા લાગે ત્યારે એણે સમજી જવું જોઈએ કે તે ખરાબ ફિલ્મ બનાવી રહ્યો છે. તે દરેક કલાકારને દ્રશ્ય કેવી રીતે કરવું એની સલાહ આપવા લાગ્યા હતા. કલાકારો નાનાને એની વાત માનવાની ના પાડી શકતા ન હતા.
નાનાનો ઇરાદો દ્રશ્યોને સારા બનાવવાનો જ રહ્યો હશે. પરંતુ ઇન્દ્રકુમારને થયું કે નાનાનો ઇરાદો નહીં પદ્ધતિ ખોટી હતી. નાનાએ એની અભિનેતા તરીકેની લક્ષ્મણ રેખા ઓળંગી હતી. છતાં શરૂઆતમાં થોડું ચલાવી લીધું. ઇન્દ્રકુમારને એ યોગ્ય ના લાગ્યું કે તે બેઠા હોય ત્યારે એ જ નિર્દેશન આપવા લાગતાં હતા. નાના જ્યારે માધુરી વગેરે દરેક કલાકારને માર્ગદર્શન આપવા લાગ્યા ત્યારે ઇન્દ્રકુમારને થયું કે હું સેટ પર શા માટે બેઠો છું. કલાકારો પણ બે જણના નિર્દેશનથી ગૂંચવાય શકે છે. અને એમણે નાનાને ના પાડવાનો નિર્ણય લઈ લીધો.
ઇન્દ્રકુમાર નાના પાટેકરના ઘરે ગયા અને પ્રેમથી કહ્યું કે આ રીતે તે એમની સાથે કામ કરી શકશે નહીં. નાનાએ પણ કહ્યું કે તારી કામ કરવાની પદ્ધતિ અલગ છે અને મારી અલગ છે એટલે સાથે કામ કરી શકીશું નહીં. ઇન્દ્રકુમાર અને નાનાએ સમજૂતિથી અલગ થવાનો નિર્ણય કર્યો. ઇન્દ્રકુમાર એને ગળે મળીને છૂટા પડ્યા હતા. એ પછી નાનાના સ્વભાવનો એમને એક અલગ જ અનુભવ થયો. ફિલ્મ માટે ઇન્દ્રકુમારે નાનાને કોઈ હીરો ના લેતા હોય એટલી મોટી રકમ ચૂકવી હતી. એ સમય પર એટલી રકમ અનિલ કપૂર પણ લેતા ન હતા.
ઇન્દ્રકુમારે નાના સાથે કામ કરવું હતું એટલે કોઈ ચર્ચા વગર એમણે માંગી એટલી રકમ આપી દીધી હતી. પરંતુ નાના પાટેકર જ્યારે ઇન્દ્રકુમારની ફિલ્મ ‘રાજા’ થી અલગ થઈ ગયા ત્યારે એમણે લીધી હતી એ પૂરેપૂરી રકમ પરત કરી દીધી હતી. એ સમય પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું બહુ ઓછા કલાકારો કરતાં હશે. ઇન્દ્રકુમારે પોતાનો એ અનુભવ યાદ કરતાં બીજી એક વાત એ કહી હતી કે ત્યારે બીજા કલાકારો અમુક રકમ રોકડમાં લેતા હતા પણ નાના હંમેશા ચેકથી જ તમામ ફી લેતા હતા. એટલું જ નહીં એમને જે ફી ચૂકવવામાં આવતી હતી એની અડધી રકમનો ચેક જ પોતાના નામે લેતા હતા અને અડધી રકમનો ચેક એક સંસ્થાને દાન આપવા એના નામ પર લેતા હતા. આવું ભાગ્યે જ કોઈ કલાકાર કરતાં હશે. તેથી ઇન્દ્રકુમારને નાના માટે જીવનમાં મોટું માન રહ્યું છે.