ગાયક કુમાર સાનૂને નામ અને કામ આપનાર સંગીતકાર કલ્યાણજી- આણંદજીએ એને અમિતાભનો અવાજ પણ બનાવ્યો હતો. કુમાર સાનૂનું નામ બદલવા પાછળનો કલ્યાણજીનો ઇરાદો એની કારકિર્દી માટે બહુ નેક હતો. ગાયક જગજીતસિંહ સાથે કુમારને પહેલી તક મળી હતી. કુમારને સ્ટેજ કાર્યક્રમમાં કિશોરકુમારના ગીતો ગાતા સાંભળી જગજીત પોતાના ઘરે લઈ ગયા હતા અને પોતાની ફિલ્મ ‘આંધિયાં’ માટે એક ગીતનું રિહર્સલ કરાવી સ્ટુડિયોમાં રેકોર્ડ કરાવ્યું હતું. એ ફિલ્મ રજૂ થઈ શકી ન હતી. એમણે કુમારની મુલાકાત સંગીતકાર કલ્યાણજી- આણંદજી સાથે કરાવી હતી.
કલ્યાણજી- આણંદજી સાથે જ્યારે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મૂળ નામ કેદારનાથ ભટ્ટાચાર્ય હતું. કુમાર ગાવામાં હિન્દી- ઉર્દૂ શબ્દોનો ઉચ્ચાર એકદમ સ્પષ્ટ કરતો હતો. કલ્યાણજીએ કહ્યું કે તું ગાય છે ત્યારે ઉર્દૂ શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટ કરે છે એટલે ખબર પડતી નથી કે ક્યાંનો છે. પણ વાત કરે છે ત્યારે બંગાળી હોવાનો ખ્યાલ આવી જાય છે. તારે નામ પાછળનું આ ‘ભટ્ટાચાર્ય’ કાઢી નાખવું પડશે. કેમકે ગાયક બંગાળી હોવાની નામ પરથી ખબર પડે છે ત્યારે લોકો એવું વિચારે છે કે આ બંગાળી ગાયક ઉર્દૂ ગાયન કેવી રીતે ગાઈ શકશે? અને કલ્યાણજીએ એનું નામ કુમાર સાનૂ કરી દીધું હતું. કુમારને એ પસંદ આવ્યું હતું. ત્યારે ઘણા એવા ગાયકો હતા જેમના ગાયન પરથી ખ્યાલ આવી જતો હતો કે એ બંગાળી છે. કુમારના કિસ્સામાં એવું ન હતું.
કલ્યાણજી- આણંદજીએ કુમારને ફિલ્મ ‘જાદૂગર’ (૧૯૮૯) માં પહેલી વખત અમિતાભ બચ્ચનનું ગીત ગાવા માટે તક આપી હતી. આ વાતની કુમારને પછીથી ખબર પડી હતી. અમિતાભ એ દિવસોમાં અમેરિકા ખાતે એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા ત્યારે કલ્યાણજી- આણંદજીએ ત્યાં જતા સંજય દત્તના હાથે કુમારના એક ગીતની કેસેટ મોકલાવીને સંદેશો આપ્યો હતો કે આ અવાજ તમે સાંભળી લો. અમે તમારી આગામી ફિલ્મનું એક ગીત આ ગાયક પાસે ગવડાવવા માંગીએ છીએ. અમિતાભને કુમારનો અવાજ એટલો પસંદ આવ્યો કે ફિલ્મના બધા જ ગીતો ગવડાવવા પરવાનગી આપી દીધી હતી. ગીતનું રેકોર્ડિંગ કરવાનું હતું એ પહેલાં સુધી કુમારને આ વાત કહેવામાં આવી ન હતી. જ્યારે પહેલું ગીત ‘મૈં જાદૂગર…’ નું રેકોર્ડિંગ થવાનું હતું ત્યારે કલ્યાણજીએ એને સૂચના આપી કે બહુ ફોર્સથી ગાવાનું છે. તારા અવાજની શક્તિ બતાવવાની છે. તને ખબર છે ને કે તું કોના માટે ગાઈ રહ્યો છે? કુમારે ખબર ન હોવાનું કહ્યું.
કલ્યાણજીએ એ ગીત અમિતાભ માટે ગાઈ રહ્યો હોવાની માહિતી આપી ત્યારે કુમાર થોડો નર્વસ થઈ ગયો હતો. પણ એણે ભારે અવાજમાં સરસ રીતે ગાઈ બતાવ્યું હતું. ત્યાં હાજર અમિતાભને એનો અવાજ પસંદ આવ્યો હતો. કુમાર બંગાળી હોવાની ખબર હતી એટલે એમણે બંગાળીમાં જ સારું ગાયું હોવાની પ્રશંસા કરી હતી. કુમારે ફિલ્મના અન્ય ગીતો ‘નાચ મેરી રાધા’ અને ‘આએં હૈં દુઆએં દેને’ પણ ગાયા હતા. કુમારે એક મુલાકાતમાં કહ્યું હતું કે કલ્યાણજી- આણંદજીના કહેવાથી અમિતાભે મારો અવાજ પસંદ કર્યો હોવાથી જ ફિલ્મોમાં પાર્શ્વગાયક તરીકે પ્રવેશ મળ્યો હતો. ફિલ્મ ‘જાદૂગર’ ચાલી ન હતી પણ ઇન્ડસ્ટ્રીમાં એક વાત ફેલાઈ ગઈ કે અમિતાભ માટે પાર્શ્વગાયન કરવા એક નવો છોકરો આવ્યો છે. આ વાત કુમારની કારકિર્દીને વેગ આપવા માટે મોટી બની ગઈ હતી.