નિર્દેશક કે. આસિફ ફિલ્મ ‘મોગલે આઝમ’ (૧૯૬૦) માં દરેક દ્રશ્ય અને સંવાદ બાબતે કેટલા ચોક્કસ હતા એનો પરિચય દિલીપકુમાર સાથેના કેટલાક પ્રસંગ પરથી જાણી શકાય એમ છે. દિલીપકુમાર મોટા સ્ટાર હોવાથી બીજા નિર્દેશકોને સલાહ- સૂચન આપીને સંવાદ અને પટકથામાં ફેરફાર કરાવતા રહેતા હતા પણ કે. આસિફની સાથે કામ કરતી વખતે એમની દલીલ સામે ચૂપ થઈ જતા હતા. એમની સામે દિલીપકુમારનું કંઇ ચાલતું ન હતું. એક વખત સલીમ તરીકે ચાલીને દિલીપકુમારે જોધાબાઈના મહેલ સુધી જવાનું હતું. કેમેય કરીને આ શૉટ ઓકે થઈ રહ્યો ન હતો. એમાં કલાકો નીકળી ગયા હતા. સાંજે સાડા સાત વાગે શુટિંગ શરૂ થયું હતું અને સવારે ચાર વાગ્યા સુધી અનેક વખત રિટેક કરાવ્યા પછી પણ ફાઇનલ થયું નહીં.
કે. આસિફે ચા પીવા માટે બ્રેક લીધો ત્યારે દિલીપકુમાર એમને કહ્યા વગર ત્યાંથી જતા રહ્યા. બીજા દિવસે કે. આસિફે એમને મળીને આમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે દિલીપકુમારે કહ્યું કે સાંજથી સવાર સુધી તમે એક જ દ્રશ્યના રિટેક કરાવતા રહ્યા. મને એ સમજાતું નથી કે ફક્ત ચાલીને જવાના દ્રશ્યના આટલા બધા રિટેક લેવાની શું જરૂર હતી? ત્યારે કે. આસિફે સમજાવ્યું કે તમે જોધાબાઈના મહેલ સુધી ચાલીને જતા હતા એમાં સલીમની નહીં દિલીપકુમારની ચાલ દેખાતી હતી. મને સલીમની જ ચાલ જોઈએ છે. એટલે રિટેક થઈ રહ્યા હતા. અને બીજા દિવસે કે. આસિફે એ દ્રશ્ય ફરીથી કરાવીને જ રહ્યા હતા.
દિલીપકુમારે એમના આદેશનું પાલન પણ કર્યું હતું. ‘મોગલે આઝમ’ ના સંવાદ લેખક તરીકે કે. આસિફે કમાલ અમરોહીને લીધા હતા. એમને ખબર પડી કે એમાં દિલીપકુમાર છે ત્યારે શરત કરી હતી કે સંવાદ એકવખત લખ્યા પછી એમાં ફેરફાર કરી શકાશે નહીં. અમરોહી જાણતા હતા કે દિલીપકુમાર ઉર્દૂ સારી રીતે જાણે છે એટલે ફેરફાર કરાવી શકે છે. અને એ પોતાના કામમાં કોઈનો હસ્તક્ષેપ પસંદ કરતા ન હતા. કે. આસિફ આ વાત જાણતા હતા એટલે એમની શરત માન્ય રાખી હતી. એક દ્રશ્યમાં બાદશાહ અકબરના ભયથી અનારકલી સલીમનો પ્રેમ ઠુકરાવી દે છે ત્યારે દિલીપકુમારે ‘ઓ… અકબર કી નાચીઝ લોન્ડી…’ બોલવાનું હોય છે.
દિલીપકુમારે કમાલ અમરોહીને આ સંવાદ બદલવા કહ્યું પણ એમણે ના પાડી એટલે દલીલ કરી કે સંવાદના ‘નાચીઝ લોન્ડી’ જેવા અપશબ્દને બદલવા જોઈએ. એમ કરવાથી કોઈ ફરક પાડવાનો નથી. ત્યારે કમાલ અમરોહીએ સમજાવ્યું કે સલીમ એક રાજકુમાર છે. અકબરના ભયથી એનો પ્રેમ ઠુકરાવ્યો એ બાબત એને અપમાનજનક લાગી હોવાથી અનારકલીને ‘નાચીઝ લોન્ડી’ કહે છે અને ‘ઓ…’ કહીને એ ગુસ્સો પ્રગટ કરવા સાથે એને સામાન્ય હોવાનું પણ જણાવે છે. દિલીપકુમારને ત્યારે સંવાદનો સાચો અર્થ સમજાયો અને પછી ફિલ્મમાં ક્યારેય કોઈ ફેરફાર કરાવવા કહ્યું ન હતું.
