અશોક કુમારે માલિકની પત્ની સાથે ફિલ્મ કરી   

અશોક કુમારના પિતા પોતે જાણીતા વકીલ હોવાથી એમને પણ વકીલ બનાવવા ઇચ્છતા હતા. એમને કલકત્તામાં વકીલાતનો અભ્યાસ પણ કરાવ્યો હતો. પરંતુ એમને કંઈક અલગ કરવું હતું એટલે મુંબઈ આવી ગયા અને ‘બોમ્બે ટૉકીઝ’ ના કેમેરા વિભાગમાં ટેકનિશિયનની નોકરી મેળવી લીધી હતી. અશોક કુમારનો અભિનેતા બનવાનો વિચાર કે આયોજન કશું ન હતું. અચાનક જ મોટી તક મળી ગઈ. ત્યારે ‘બોમ્બે ટૉકીઝ’ ના માલિક હિમાંશુ રાયે પત્ની દેવિકા રાની સાથે હીરો તરીકે નજમુલ હુસેનને લઈ ‘અછૂત કન્યા’ (૧૯૩૬) નું નિર્માણ શરૂ કર્યું હતું.

એ દિવસે હીરો નજમુલ આવી શક્યો નહીં. હિમાંશુના આ ફિલ્મ પર ઘણા રૂપિયા લાગ્યા હતા. કોઈપણ સંજોગોમાં શૂટિંગ શરૂ કરવું જરૂરી હતું. નજમુલ ના આવ્યો એટલે કોઈ નવા હીરોને લઈને પણ ફિલ્મ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. કેમકે જાણીતો હીરો તરત મળી શકે એમ ન હતો. ત્યારે એમને ત્યાં કામ કરતા અશોક કુમાર પર નજર પડી. અશોક ફિલ્મની પ્રિન્ટના ડબ્બા ઉઠાવીને લઈ જઇ રહ્યો હતો. હિમાંશુએ અશોક કુમારને બોલાવ્યા અને સીધું જ પૂછી લીધું:‘તું આ ફિલ્મમાં હીરોની ભૂમિકા કરશે?’ એમની વાત સાંભળીને અશોક કુમાર નવાઈ પામ્યા અને કહ્યું કે પોતાને અભિનય કરતાં કે સંવાદ બોલતા આવડતું નથી. અશોક કુમાર કામ કરવા તૈયાર હતા.

હિમાંશુએ એમને બધું શીખવવાનો ભરોસો આપ્યો. ત્યારે અશોક કુમારના બનેવી શશધર મુખર્જી ત્યાં જ કામ કરતા હતા. એમણે પણ હીરો બનવાની સલાહ આપી. પરંતુ ફિલ્મના જર્મન નિર્દેશક ફ્રેંજ ઓસ્ટેને દેવિકા રાની સાથેના એક પ્રેમ દ્રશ્યની શરૂઆતમાં અશોક કુમારને ગભરાયેલા જોઈને એમની જોડી જામી રહી ન હોવાનો અભિપ્રાય આપ્યો. દેવિકા રાની અશોક કુમારના માલિક હિમાંશુ રાયના પત્ની અને એમનાથી મોટી ઉંમરના હતા. એ કારણે અશોક કુમારને કામ કરવામાં ખચકાટ થતો હતો. હિમાંશુ અશોક કુમારને પ્રોત્સાહન આપવા લાગ્યા. એમણે બંગાળીમાં જ સંવાદ બોલવાનું પણ શીખવ્યું.

અશોક કુમાર માટે દેવિકા સાથે પ્રેમાલાપનું દ્રશ્ય કરવામાં મુશ્કેલી એ હતી કે શુટિંગમાં બનેવી શશધર પણ ઉપસ્થિત રહેતા હતા. એમણે અભિનય કરતી વખતે ત્યાં શશધર હાજર ના રહે એવી શરત મૂકી. હિમાંશુએ એ માની લીધી. શુટિંગ શરૂ થયું ત્યાં અશોક કુમારને સેટ ઉપરની ગેલેરીમાં શશધર ફરતા દેખાયા. એમણે શુટિંગ અટકાવી દીધું. હિમાંશુએ એમને ફરી સમજાવ્યા અને હિંમત વધારી કે દેવિકા તમારી માલકિણ નહીં પ્રેમિકા છે એમ વિચારીને અભિનય કરો. અભિનય કરતી વખતે તમારી આસપાસ કોઈ નથી એમ વિચારવાનું. એ વખતે અશોક કુમારની બધી શરમ જતી રહી અને ખચકાટ વગર શુટિંગ પૂરું કર્યું. જો એ દિવસે હીરો નજમુલ હાજર રહ્યો હોત તો અશોક કુમારને જલદી આવી તક મળી ના હોત. અને પછી હિમાંશુ રાયે પ્રોત્સાહિત ના કર્યા હોત તો અભિનયમાં કદાચ આગળ વધી શક્યા ના હોત.