નાણાકીય વ્યવહારો ક્યારેય સાક્ષી વગર અને લેખિત દસ્તાવેજ વગર કરવા નહીં

“પોતાના પુત્રો કે મિત્રાદિક સાથે પણ વ્યવહાર કરવા હોય તોય ક્યારેય લખાણ કર્યા વગર કે સાક્ષી રાખ્યા વગર કરવાં નહીં.” શિક્ષાપત્રીના શ્લોક 143માં અત્યંત મહત્ત્વની આ વાત કરવામાં આવી છે.

અકબર બાદશાહનો દરબાર ભરાયો હતો અને તેમાં કોઈ વ્યક્તિએ પોતાના પાડોશીને ધીરેલાં નાણાં બાબતે રાવ આવી હતી. પાડોશીએ ઉછીનાં નાણાં પાછાં આપવાનો ઇનકાર કર્યો હતો. બાદશાહે બીરબલને બોલાવ્યો અને બીરબલે બન્ને પક્ષોને સાંભળ્યા.

નાણાંની આ લેવડદેવડનો કોઈ દસ્તાવેજ બનાવાયો ન હતો. વળી, તેનો કોઈ સાક્ષી પણ ન હતો. નાણાં ધીરનાર માણસ સીધોસાદો  બ્રાહ્મણ હતો અને દરબારમાં આવીને રડવા લાગ્યો હતો.

પાડોશીને નાણાંની સખત જરૂર હતી એવું સાંભળીને તેનું હૃદય દ્રવી ઊઠ્યું હોવાથી તેણે પોતાના ઘડપણ માટે બચાવેલી મૂડી કરજ પેટે આપી દીદી હતી.

બીરબલે બ્રાહ્મણને પૂછ્યું, “આ વ્યવહાર ક્યાં થયો હતો?” જવાબ મળ્યો, “દૂરના એક સ્થળે વડલાના ઝાડ નીચે તેણે પાડોશીને પૈસા આપ્યા હતા.” બીરબલે બ્રાહ્મણને એ ઝાડની છાલ લાવવાની વિનંતી કરી. બીરબલે કહ્યું કે ઝાડની છાલ આ વ્યવહારની સાક્ષી છે. છાલ લાવવા માટે બ્રાહ્મણને બે કલાકનો સમય અપાયો. બ્રાહ્મણને આ સાંભળીને આઘાત લાગ્યો, પરંતુ બાદશાહના દરબારનો આદેશ હોવાથી તે ઝાડની છાલ લેવા ઉપડ્યો. તેને મનમાં થયું કે બીરબલ મજાક કરી રહ્યો છે. આટલે દૂરથી માત્ર બે કલાકમાં ઝાડની છાલ લઈને પાછા આવવાનું મુશ્કેલ હતું. હવે પોતાની મૂડી પાછી નહીં મળી શકે એવું વિચારતાં-વિચારતાં અને નસીબને દોષ આપતાં આપતાં એ ઝાડની છાલ લાવવા નીકળી પડ્યો.

બીજી બાજુ, દરબારમાં બે કલાકનો સમય પૂરો થવા આવ્યો. પાડોશીએ બીરબલને કહ્યું, “બે કલાક થવા આવ્યા છે, મને હવે જવા દો. એ જગ્યા એટલી દૂર છે કે ત્યાંથી બે કલાકમાં પાછા આવી શકાય એમ જ નથી.” એણે વાક્ય પૂરું કર્યું ત્યાં જ બીરબલે તેને પકડી પાડ્યો, “જો તમારા  બન્ને વચ્ચે વ્યવહાર થયો જ ન હોય તો તને કેવી રીતે ખબર કે એ જગ્યાએથી બે કલાકની અંદર પાછા આવવાનું શક્ય નથી?”

ઉપરોક્ત ટુચકા પરથી સ્પષ્ટ થાય છે કે શિક્ષાપત્રીના શ્લોક ક્રમાંક 143માં જે કહેવાયું છે એ કેટલું જરૂરી છે.

મારા બાળપણનો એક કિસ્સો પણ અહીં ટાંકવા જેવો છે. મારાં માતાના દૂરના કઝીન સાથે એ બનાવ બન્યો હતો. તેમનો પરિવાર સાગના લાકડાનો વેપાર કરતો હતો. તેઓ બર્મા (જેનું નવું નામ મ્યાંમાર છે)થી લાકડા મગાવનારા મોટા આયાતકાર હતા.

તેમણે મગાવેલો મોટો સ્ટોક બર્માથી આવ્યો હતો. એ વખતે તહેવારોની મોસમ હતી. તેમણે વીમો કઢાવવામાં ઢીલ કરી. તેમનું બદનસીબ કે વીમો કઢાવતાં પહેલાં પાડોશીની વખારમાં આગ લાગી અને તેમની વખાર પણ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. રાતોરાત તેઓ રસ્તા પર આવી ગયા. પગભર થવા માટે તેમને પછી વર્ષો લાગી ગયાં.

આવાં તો અનેક ઉદાહરણ મેં મારી કારકિર્દીમાં જોયાં છે. દસ્તાવેજો કરાવવાનું કહેવામાં આવતું હોવા છતાં લોકો એ બાબતે દુર્લક્ષ કરતા હોય છે. દસ્તાવેજ કરાવી લેવાની વાત આવે ત્યારે સામેવાળાને અવિશ્વાસ કર્યા જેવું લાગશે એવું વિચારીને બન્ને પક્ષો એ કામ ટાળતા હોય છે, પરંતુ વ્યવહારમાં એ વલણ બરોબર નથી.

લાંબા સમયના મારા ક્લાયન્ટ રાહુલને એક વખત દસ્તાવેજ કરાવવાની જરૂર પડી હતી. તેના પરિવારની વારસાગત જમીન બાબતે કાકા-બાપા અને પિતરાઈઓ વચ્ચે થયેલી સમજૂતીનો દસ્તાવેજ કરાવવાની મેં જ્યારે વાત કરી ત્યારે તેણે કહ્યું, “અમારા ઘરમાં બધા હળીમળીને રહે છે અને એકબીજા પર પૂરેપૂરો ભરોસો રાખે છે. મારા કાકાને હું કેવી રીતે કહી શકું કે તમે આ કાગળ પર સહી કરો? તેમને લાગશે કે મને તેમના પર વિશ્વાસ નથી.”

પરિવારમાં સુમેળ હોવાથી કોઈ વાંધો આવ્યો નહીં, પરંતુ થોડાં વર્ષો પછી તેમણે મોટી જમીનના ટુકડા કરીને પ્લોટ પાડવાનું તથા દરેક કુટુંબીજનના નામે ટાઇટલ ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું ત્યારે સ્થાનિક રજિસ્ટ્રારે પરસ્પર સમજૂતી કાયદેસર કરાઈ હોવાનું દર્શાવતો અને કોઈક સરકારી સંસ્થામાં રજિસ્ટર્ડ હોય એવો દસ્તાવેજ રજૂ કરવાનો આગ્રહ રાખ્યો.

આ બધા પરથી સ્પષ્ટ થાય છે કે દગાખોરી, વિશ્વાસભંગ, ગોટાળાથી બચવાની સાથે સાથે નિયમોના પાલન માટે તથા કાનૂની જરૂરિયાતો પૂરી કરવા માટે તમામ નાણાકીય વ્યવહારોના દસ્તાવેજ બનાવડાવી લેવા જોઈએ.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)