જીવનને ધન્યતા આપનારી સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો માતા-પિતાનું પૂજન કરવું આવશ્યક

ઋગ્વેદના પુસ્તક છઠ્ઠાના પ્રકરણ 70ની સંહિતા 6નો શ્લોક આપણને સનાત ધર્મના એક મહત્ત્વપૂર્ણ વિષયનો બોધ આપે છે. તેમાં કહેવાયું છે કે માતાપિતાના સાચવવાનો ધર્મ સનાતન ધર્મનો અગત્યનો હિસ્સો છે.

આપણે નાનપણમાં આપણી જરૂરિયાતો માટે સંપૂર્ણપણે માતા-પિતા પર નિર્ભર હોઈએ છીએ. તેઓ આપણને લાડ-પ્રેમથી ઉછેરીને મોટા કરે છે. તેમના ઘડપણમાં તેમને આપણી પાસેથી પણ એવા જ સ્નેહ, કાળજી અને લક્ષની જરૂર હોય છે. તેમના પ્રત્યેનું કર્તવ્ય નિભાવીને આપણે ઋણસ્વીકાર કરી શકીએ છીએ.

દરેક વ્યક્તિ યથાશક્તિ આ ધર્મનું પાલન કરી શકે છે, પરંતુ પાલન કરવું જરૂરી છે. આપણે હાલ જે કરવાની સ્થિતિમાં હોઈએ તેના કરતાં થોડું વધારે જ કરવાનો પ્રયાસ હોવો જોઈએ. કેટલાક વાલીઓ સંતાનો લક્ષ આપે એને પાત્ર હોતા નથી. તેમનાથી દૂર ચાલ્યા જવામાં જ સાર છે. પ્રહ્લાદનો કિસ્સો આપણી સામે છે. જો કે, આવા કિસ્સા જૂજ હોય છે.

માતા-પિતા બન્નેની છત્રછાયા હોય એવા પરિવારોમાં ઉછરેલાં બાળકો જીવનમાં અન્યો કરતાં વધારે સલામતી અનુભવતા હોય છે. તેઓ વધારે સર્જનશીલ અને પડકારોનો સામનો કરવા માટે વધુ આત્મવિશ્વાસી હોય છે. બીજી બાજુ, જેઓ પરિવારની હૂંફ પામ્યાં હોતાં નથી એવાં બાળકોના જીવનમાં કેટલીક જટિલતાઓ આવી જતી હોય છે. માતાપિતા સાથે ન હોય એવી સ્થિતિ માટે ઘણાં કારણો હોય છે અને અહીં એવી કોઈ પરિસ્થિતિ વિશે પૂર્વગ્રહ રખાયો નથી. આ તો ફક્ત એક નિરીક્ષણ છે.

મનુષ્યને બીજાં પણ એક માતા-પિતાની જરૂર હોય છે. એ છે માતા વસુંધરા અને પિતા આકાશ. એક ખેડૂત ધરતી પર બીજ વાવીને પાક લણે છે. એ બીજને વિકસવા માટે તેને વરસાદ, સૂર્યપ્રકાશ, વગેરેની જરૂર પડે છે. વરસાદ અને સૂર્યપ્રકાશ આકાશમાંથી આવે છે.

ખેડૂત હોય, વેપારી હોય, વ્યવસાયી હોય કે બીજું કોઈ પણ હોય, દરેકને ઊભા રહેવા માટે, ઘર બાંધવા માટે, વ્યવસાય કરવા માટે જમીનની જરૂર પડે છે. આપણા કલ્યાણ માટે હવા-પાણી, સૂર્યપ્રકાશ અને વાતાવરણની પણ જરૂર પડે છે. જમીન તો ચંદ્ર પર પણ છે, પરંતુ ત્યાં મનુષ્ય વસવાટ કરી શકે એવું વાતાવરણ નથી. બીજા કોઈ ગ્રહ પર કે સૂર્ય પર હવા, પ્રકાશ, વાયુ એ બધું છે, પરંતુ જમીન નથી. ત્યાં પણ આપણે જીવી શકતા નથી. આ પૃથ્વી પર પણ ઘણા લોકો એવી જગ્યાએ રહે છે કે વ્યવસાય કરે છે, જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી અને તેને કારણે તેઓ વિવિધ બીમારીઓના શિકાર બને છે.

આપણાં માતા-પિતા આપણી સામાજિક સંપત્તિ છે, કુદરત એ પર્યાવરણીય સંપત્તિ છે. એ બન્ને યોગિક સંપત્તિના ઘટકો છે. આપણે પ્રસન્નતા બક્ષે અને પેઢીઓ સુધી ટકે એવું ધન મેળવવા માટે યોગિક સંપત્તિ પ્રાપ્ત કરવી જરૂરી છે.

જેઓ માતા-પિતાનું સમ્માન કરે છે એ જ લોકો જીવનમાં સમૃદ્ધિ પામી શકે છે. જે પરિવારોમાં માતા-પિતા તરફ દુર્લક્ષ થયું હોય છે ત્યાં ભૌતિક સંપત્તિ જરૂર આવી શકે છે, પરંતુ મૂલ્યોરૂપી ધન હોતું નથી. આવા લોકો જ ખરા જીવનને બદલે જીવનશૈલીને વધુ મહત્ત્વ આપે છે. તેઓ મૂલ્યોને બદલે મૂલ્યાંકન પર વધારે ભાર આપે છે.

પ્રકૃતિરૂપી માતાને નુકસાન કરવાથી જ હવામાન બગડતું ગયું છે અને ઋતુઓનું ચક્ર બગડી ગયું છે. તેના કારણે પાકને નુકસાન થવા ઉપરાંત બીજી અનેક સમસ્યાઓ જન્મ લે છે. જીવનને ધન્યતા આપનારી સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો માતા-પિતાનું પૂજન કરવું આવશ્યક છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)