અભિજીતે સલમાન માટે ગોવિંદાનું ગીત ગાયું 

ગાયક અભિજીતે સલમાન ખાન અને ગોવિંદા માટે અનેક ફિલ્મોમાં ગીતો ગાયા છે. પણ એક વખત એવું બન્યું હતું કે જે ગીત ગોવિંદાનું માન્યું હતું એના પર સલમાને ડાન્સ કર્યો હતો. ડેવિડ ધવન નિર્દેશિત ફિલ્મ ‘જુડવા’ (૧૯૯૭) બની રહી હતી એમાં સલમાન અને ગોવિંદા કામ કરી રહ્યા હતા. ફિલ્મ માટે એકથી વધુ સંગીતકારો રાખવામાં આવ્યા હતા. અનુ મલિકે ‘ટન ટના ટન ટન ટન તારા, ચલતી હૈ ક્યા નૌ સે બારહ’ નું સંગીત તૈયાર કર્યું હતું. આ ગીત ગાવા માટે અભિજીતને બોલાવ્યો હતો.

એક મુલાકાતમાં એ કિસ્સાને યાદ કરતાં અભિજીતે કહ્યું છે કે તેને અનુ મલિકનો ફોન આવ્યો કે ડેવિડ ધવનની એક ફિલ્મનું ગીત ગાવાનું છે. તું સહારા સ્ટુડિયોમાં આવી જા. અનુને વિશ્વાસ હતો એટલે ક્યારેય અભિજીતને રિહર્સલ માટે બોલાવતા ન હતા. એ આવે એટલે ગીત વાંચવા આપીને ગાવા માટે કહેતા હતા. અભિજીત પહોંચ્યો ત્યારે ડેવિડ ધવન ત્યાં ન હતા. ગીતકાર દેવ કોહલીએ ગીત લખીને એને આપી દીધું. અભિજીતે જાણ્યું હતું કે ફિલ્મ ડેવિડ ધવનની છે. અને ત્યારે ડેવિડ ધવન ગોવિંદા સિવાય ફિલ્મ બનાવતા ન હતા.

અભિજીતે એમ માની લીધું કે આ ગીત ગોવિંદા પર ફિલ્માવવામાં આવનાર છે. અભિજીતને કોઈએ કહ્યું ન હતું કે આ ગીત સલમાન ખાન માટે ગાવાનું છે. એ સમય પર અભિજીત વધુ કામ કરતો હતો અને એકથી બીજા સ્ટુડિયોમાં ગાવા માટે જતો રહેતો હતો એટલે વ્યસ્તતામાં એ પણ પૂછવાનું ભૂલી ગયો કે કોના પર ગીત ફિલ્માવવામાં આવશે. અભિજીતે ગોવિંદાને ધ્યાનમાં રાખીને જ આખું ગીત ગાયું. ગીત જ એવું હતું કે સલમાનનો વિચાર કરી શકાય એમ ન હતો. ‘મૂડ કે દેખ મુઝે દોબારા… હેય..’ જેવી પંક્તિમાં હરકતો પણ ગીતમાં ગોવિંદાની કલ્પના કરીને જ લીધી હતી.

અભિજીત માઇક પર ગીત ગાતી વખતે ગોવિંદાની જેમ નાચી પણ રહ્યો હતો. ત્યારે રેકોર્ડિસ્ટે કહ્યું પણ ખરું કે તમે ગોવિંદાની જેમ કેમ નાચો છો? કેમકે એને ખબર હતી પણ અભિજીતને એ વાતની ખબર ન હતી કે ગીત સલમાન પર ફિલ્માવવાનું છે. અભિજીતનું માનવું છે કે ‘ટન ટના ટન ટન ટન તારા’ ગીતનું ફિલ્માંકન જોયા પછી ખ્યાલ આવ્યો કે એ ગીતમાં કોરિયોગ્રાફરે ચહેરાના હાવભાવ પર ધ્યાન આપવાને બદલે ડાન્સ પર જ જોર રાખ્યું હતું. અભિજીતે ગાયન ગાતી વખતે જે અભિનય કર્યો હતો એ ફિલ્માંકનમાં બતાવવામાં આવ્યો નહીં. અભિજીતનું કહેવું છે કે આ ગીતને ગૃપ ડાન્સ આધારિત બનાવી દેવામાં આવ્યું હતું. એટલે લોકોને ખબર જ ના પડી કે સલમાન નહીં ગોવિંદાને ધ્યાનમાં રાખીને ગાયું હતું.