1975 માં રજૂ થયેલી હિન્દી ફિલ્મ ‘શોલે’ વિશે દાયકાઓથી કોઈને કોઈ નવી વાત આવતી જ રહે છે. એના વિશે જેટલું લખાય એટલું ઓછું છે. ફિલ્મના કલાકારો અવારનવાર કોઈને કોઈ નવી વાત યાદ કરે છે. અભિનેતા સચિને પણ ‘શોલે’ ની રજૂઆત સમયની એક અજાણી રસપ્રદ વાત યાદ કરીને કહ્યું છે કે એમાંની અસરાની- જગદીપની કોમેડીએ એને જોવાલાયક બનાવી હતી. ફિલ્મ ‘શોલે’ (૧૯૭૫) પહેલા અઠવાડિયે ‘મિનર્વા’ થિયેટર સિવાય બીજા કોઈ થિયેટરોમાં ચાલી ન હતી. માત્ર ‘મિનર્વા’ થિયેટરમાં હિટ રહી હતી એનું રહસ્ય બહાર આવ્યું છે.
રમેશ સિપ્પીએ ફિલ્મ બનાવવાની શરૂઆત કરી ત્યારે એનું બજેટ રૂ.૧ કરોડનું જ હતું. પરંતુ એક્શન ફિલ્મ હોવાથી બજેટ વધીને રૂ.૩ કરોડ પર પહોંચી ગયું હતું. ફિલ્મ પર વધારે ખર્ચ કર્યો હોવાથી એની સફળતા માટે નિર્દેશક રમેશ સિપ્પી ચિંતિત હતા. ‘શોલે’ તૈયાર થઈને રજૂઆત માટે તૈયાર હતી ત્યારે એમણે નજીકના ઘણા લોકોને બતાવી હતી. અને કેટલાક લોકોના કહેવાથી સિપ્પીને એમ લાગ્યું કે અસરાની અને જગદીપના જે કોમેડી ટ્રેક છે એ ફિલ્મની વાર્તાના પ્રવાહને અટકાવી રહ્યા છે. ફિલ્મની વાર્તા આગળ વધી રહી નથી.
લોકો મુખ્ય વાર્તા જલદી આગળ વધે એવું ઇચ્છતા હતા. આ એક એક્શન ફિલ્મ હોવાથી એમાં બંને કોમેડી ટ્રેક અટપટા લાગતાં હતા. તેથી સિપ્પીએ ફિલ્મના મિકસીંગ પછી અસરાનીનો ‘હમ અંગ્રેજો કે જમાને કે જેલર હૈ’ અને જગદીપનો ‘સૂરમા ભોપાલી’ નો કોમેડી ટ્રેક કાઢી નાખ્યો હતો. પરંતુ ‘મિનર્વા’ થિયેટરમાં જે પ્રિન્ટ રજૂ થવાની હતી એ લંડનથી ૭૦ એમએમમાં તૈયાર થઈને આવી હતી એટલે એમાં ફેરફાર કરવાનું શક્ય બન્યું ન હતું. અને બન્યું એવું કે ‘શોલે’ પહેલા દિવસથી જ ‘મિનર્વા’ માં પસંદ કરવામાં આવી રહી હતી અને બીજા થિયેટરોમાં દર્શકોનો કોઈ ઉત્સાહ જોવા મળ્યો નહીં.
‘મિનર્વા’ સિવાયના થિયેટરોમાં ‘શોલે’ ઠંડી રહી હતી. તેથી એ શરૂઆતમાં ફ્લોપ રહી હોવાનું પણ નોંધાયેલું છે. આ વાતની ખબર પડી એટલે એ વાતનું અવલોકન થયું કે ‘મિનર્વા’ થિયેટરમાં પસંદ કરવામાં આવી રહી છે પણ અન્ય થિયેટરોમાં કેમ નહીં. અને રમેશ સિપ્પીને એ વાત સમજતા વાર ના લાગી કે જ્યાં ફિલ્મના અમુક કોમેડી દ્રશ્યો કાપવામાં આવ્યા છે ત્યાં ચાલી રહી નથી. રમેશ સિપ્પીએ રાતોરાત અસરાની- જગદીપની કોમેડીના ટ્રેકનો કાઢી નાખેલો ભાગ તૈયાર કરાવી ‘શોલે’ ની બાકીની પ્રિન્ટમાં એ જ્યાં હતો ત્યાં લગાવડાવ્યો.
એ સાથે જ ફિલ્મ જોવા જનારા દર્શકોની સંખ્યા વધી ગઈ અને સુપરહિટ જાહેર થઈ ગઈ. ફિલ્મમાંથી અસરાની- જગદીપની કોમેડી કાઢવાનો નિર્ણય નિર્દેશક રમેશ સિપ્પીનો હતો અને એને ફરી ઉમેરવાનો પણ એમનો જ હતો. સિપ્પીને એમનો અગાઉનો પોતાનો નિર્ણય ખોટો લાગતાં ફરી એ દ્રશ્યો ઉમેરી દીધા હતા એ વાત ‘શોલે’ માં ‘એહમદ’ ની ભૂમિકા નિભાવનાર સચિન પિલગાંવકરે ‘રેડિયો નશા ઓફિસિયલ’ સાથેની એક મુલાકાતમાં કહી હતી.