શાહિદ કપૂરને સૌથી પહેલાં બે હીરોવાળી ફિલ્મ મળી હતી. પણ તે સોલો હીરો તરીકે જ શરૂઆત કરવા માગતો હોવાથી રાહ જોઈ હતી. શાહિદે શરૂઆતમાં જાહેરાતો અને મ્યુઝિક વિડીયો કર્યા હતા. તેનો એક વિડીયો ‘આંખોં મેં તેરા હી ચહેરા’ નિર્માતા રમેશ તોરાનીએ જોયો હતો. એનું કામ જોઈ મળવા માટે એને સંદેશ મોકલ્યો હતો. એક મહિના પછી શાહિદ એમને મળ્યો હતો. તોરાનીએ એના કામના વખાણ કર્યા હતા અને હજુ એકદમ યુવાન હોવાથી આગળ જતાં હીરો તરીકે તક મળશે એવી આશા વ્યક્ત કરી હતી. શાહિદે એમને કામ આપવા વિનંતી કરી હતી. ત્યારે તોરાની પાસે એને માટે કોઈ કામ ન હતું. તોરાનીએ ફોન નંબર આપી એને મળતા રહેવા જણાવ્યું હતું.
શાહિદ જાહેરાત અને મ્યુઝિક વિડીયોમાં કામ કરવા સાથે બે-ત્રણ મહિને એમને ફોન કરતો રહેતો હતો. આ વાતને એક વર્ષ ઉપર થઈ ગયું હતું. ત્યારે શાહિદને નિર્દેશક એન. ચંદ્રાની ફિલ્મ ‘સ્ટાઈલ’ (2001) ની ઓફર આવી. એન. ચંદ્રા એ ફિલ્મ નવોદિતો સાથે બનાવવા માગતા હતા. શાહિદે આ બાબતે રમેશ તોરાનીની સલાહ લેવા એમને જણાવી ત્યારે એમણે એન. ચંદ્રા સારા અને જાણીતા નિર્દેશક હોવાથી કામ કરવાનું યોગ્ય હોવાનું જણાવ્યું. કેમકે એન. ચંદ્રા ઘણી ફિલ્મો બનાવી ચૂક્યા હતા.
થોડા દિવસ પછી શાહિદ રમેશ તોરાનીને મળ્યો અને કહ્યું કે એણે ફિલ્મ ‘સ્ટાઈલ’ છોડી દીધી છે. કેમકે એમાં બે હીરો છે. તોરાનીએ ફરી એને માટે કોઈ ફિલ્મ હશે તો જણાવશે એવું આશ્વાસન આપ્યું. દરમ્યાનમાં રમેશ તોરાનીની સંગીત કંપની ‘ટિપ્સ’ માટે પણ મ્યુઝિક વિડીયો બનાવતા કેન ઘોષ ફિલ્મનું નિર્દેશન કરવા માટે મળ્યા. એમણે તોરાનીને કેટલીક ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી. એમાં મોટી સ્ટારકાસ્ટ સાથે બનાવી શકાય એવી વાર્તા હતી. ત્યારે તોરાનીએ એમ કહીને ના પાડી કે બધી જ ચીલાચાલુ વાર્તાવાળી ફિલ્મ બને એમ છે. એવી ફિલ્મ બનાવવી નથી. છેલ્લે કેન ઘોષે ‘ઈશ્ક વિશ્ક’ (૨૦૦૩) ની વાર્તા સંભળાવી. તોરાનીને એમાં રસ પડ્યો અને એની સ્ક્રિપ્ટ તૈયાર કરવા જણાવ્યું. એ વાર્તા નવોદિત માટેની હતી.
કેન ઘોષે જ્યારે સંપૂર્ણ સ્ક્રિપ્ટ અને સ્ક્રિનપ્લે તૈયાર કરાવી દીધો ત્યારે તોરાનીએ એને બનાવવા માટે મંજુરી આપી દીધી. રમેશ તોરાનીએ હીરો તરીકે શાહિદ કપૂરને જ સાઇન કર્યો. શાહિદનો નિર્દોષ ચહેરો એમને ‘રાજીવ’ ના પાત્ર માટે યોગ્ય લાગ્યો હતો. અને નવોદિત હીરોઈન તરીકે અમૃતાની પસંદગી કરી હતી. અસલમાં એક કોફીની જાહેરાતમાં એમણે અમૃતા રાવને જોઈ હતી. આ રીતે શાહિદે સોલો હીરો તરીકે અને એ પણ સફળતા સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. શાહિદને ‘ઈશ્ક વિશ્ક’ માટે ફિલ્મફેરનો ‘શ્રેષ્ઠ નવોદિત પુરુષ’ નો એવોર્ડ પણ મળ્યો હતો.