નિર્દેશક ચેતન આનંદની ફિલ્મ ‘હકીકત’ (1964) ના શુટિંગ દરમિયાન સંજય ખાન માટે
રડવાનું એક દ્રશ્ય ખરેખર અગ્નિપરીક્ષા જેવું સાબિત થયું હતું. તેને વાસ્તવિક બનાવવા પાછળની વાત બહુ દિલચસ્પ છે. સંજય ખાનની આ પહેલી જ ફિલ્મ હતી અને ચેતન આનંદ જેવા કડક શિસ્તવાળા દિગ્દર્શક સામે પોતાની જાતને સાબિત કરવાનું દબાણ હતું.
એક મહત્વના દ્રશ્યમાં સંજય ખાને ભાવુક થઈને રડવાનું હતું પણ નવાસવા હોવાને કારણે અને આટલા બધા દિગ્ગજ કલાકારોની હાજરીમાં ગ્લિસરીન વગર કુદરતી રીતે રડી શકતા નહોતા. ચેતન આનંદને ડ્રામામાં સહેજ પણ બનાવટ ગમતી ન હતી એટલે તેઓ વારંવાર રીટેક લઈ રહ્યા હતા પણ જોઈએ તેવું દર્દ સંજયના ચહેરા પર આવતું નહોતું.
આ જોઈને ચેતન આનંદે એક અનોખી તરકીબ અજમાવી. તે બધાની સામે સંજયને થોડા ખીજાયા અને તેમને એવો
અનુભવ કરાવ્યો કે જો તેઓ આ સીન બરાબર નહીં કરે તો કદાચ તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવશે. સંજય ખાન પોતે બહુ સંવેદનશીલ અને સ્વાભિમાની હતા. તેમને આ વાત દિલ પર લાગી ગઈ. તે જ સમયે લદ્દાખની હાડ થીજવતી ઠંડી અને પહાડોની એકલતાએ તેમના માનસિક દબાણમાં વધારો કર્યો. જ્યારે ફાઈનલ ટેક શરૂ થયો ત્યારે સંજયના મનમાં પોતાની કારકિર્દીની ચિંતા અને અપમાનિત થયાની લાગણી એટલી તીવ્ર બની ગઈ કે તેમની આંખોમાંથી સાચા આંસુ વહેવા માંડ્યા હતા.
ચેતન આનંદે કેમેરા ચાલુ રાખ્યો અને એ દ્રશ્ય એટલું તો વાસ્તવિક બન્યું કે સેટ પર હાજર ધર્મેન્દ્ર અને અન્ય કલાકારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પાછળથી ચેતન આનંદે સંજય ખાનને ગળે લગાવીને કહ્યું હતું કે આ બધું માત્ર તેમના અંદરના સાચા કલાકારને બહાર લાવવા માટેનું એક નાટક હતું. સંજય ખાને પોતે કબૂલ્યું હતું કે તે દિવસે તેમને સમજાયું કે અભિનય એ માત્ર ડાયલોગ બોલવામાં નથી પણ પાત્રની પીડાને પોતાની પીડા બનાવવામાં છે. આ રીતે એક નવા નિશાળિયા કલાકારે જીવનના વાસ્તવિક ડર અને લાગણીઓને ભેગી કરીને સિનેમાના પડદા પર એક અમર દ્રશ્ય કંડાર્યું હતું. હકીકત’ માં જે રડવાના દ્રશ્યની વાત છે તે ફિલ્મના સૌથી ભાવુક વળાંક પર આવે છે.
આ એ દ્રશ્ય છે જ્યારે યુદ્ધના મેદાનમાં કેપ્ટન રામ સિંહનું પાત્ર ભજવતા સંજય ખાન સાથી સૈનિકોને નજર સામે શહીદ થતા જુએ છે અને પોતે પણ લાચારી અનુભવે છે. પહાડોની વચ્ચે બરફથી ઢંકાયેલી જમીન પર લોહીથી લથપથ સાથીઓને જોઈને જ્યારે સંજય ખાનની ચીખ નીકળે છે અને તે રડે છે એ દ્રશ્ય જોઈને થિયેટરમાં પ્રેક્ષકો પણ રડી પડ્યા હતા.

ચેતન આનંદે સંજયની પસંદગી કરી તેનો એક રોમાંચક કિસ્સો છે. સંજય તે સમયે ફિલ્મોમાં આવવા માટે મુંબઈમાં દિગ્દર્શક સાદિક અલી પાસે કામ શીખતા હતા. ચેતન ‘હકીકત’ માટે એક એવો ચહેરો શોધી રહ્યા હતા જે યુવાન હોય, દેખાવડો હોય અને જેનામાં સૈનિક જેવી ગરિમા દેખાય. ચેતને સંજયને પહેલીવાર એક સામાજિક મેળાવડામાં જોયા હતા. સંજયની ઊંચાઈ, બોલવાની છટા અને વ્યક્તિત્વમાં રહેલા આત્મવિશ્વાસથી ચેતન એટલા પ્રભાવિત થયા કે તેમણે ત્યાં જ નક્કી કરી લીધું કે ‘હકીકત’ નો મહત્વનો સૈનિક આ જ છોકરો બનશે.
સંજયને જ્યારે ખબર પડી કે ચેતન આનંદ જેવા દિગ્ગજ તેમને બોલાવી રહ્યા છે ત્યારે પોતે પણ આશ્ચર્યમાં હતા. ચેતને કોઈ મોટો સ્ક્રીન ટેસ્ટ લીધા વગર જ સંજય સાથે થોડી વાતો કરી અને તેમની આંખોમાં કરુણા જોઈ ખાતરી થઈ ગઈ હતી કે આ છોકરો પડદા પર ઇમોશનલ સીન્સ બહુ સારી રીતે કરી શકશે. કોઈ મોટી ઓળખાણ વગર માત્ર પોતાની સ્ટાઈલ અને ચેતન આનંદની ઝવેરી જેવી નજરને કારણે સંજયને આ આઈકોનિક ફિલ્મમાં કામ કરવાની તક મળી ગઈ હતી.




