રાજકુમાર રાવે ફિલ્મોમાં નાની ભૂમિકા કરીને મોટી અને મુખ્ય ભૂમિકા મેળવી હતી. રાજકુમારને શાળા-કોલેજના સમયમાં નાટકોનો શોખ હતો એટલે સ્નાતક થયા પછી FTI માં કોર્સ માટે જોડાયો હતો. પરિવારનો સાથ હોવાથી મમ્મીએ ફી માટે રૂ.1 લાખ આપ્યા હતા. કોર્સ કરીને બહાર આવ્યા પછી બે મિત્રો સાથે એક મકાનમાં રહીને સંઘર્ષ કરતો હતો. LSD (લવ સેક્સ ધોખા) (2010) જેવી બે-ત્રણ ફિલ્મોમાં નાની ભૂમિકા કરવાની તક મળી ગઈ હતી. LSD માં ભલે ભૂમિકા નાની હતી પણ રાજકુમારને વિશ્વાસ હતો કે દિબાકાર બેનર્જીની ફિલ્મ હોવાથી બીજા નિર્દેશકો એ જરૂર જોશે અને કામ આપશે. એવું જ થયું.
રાજકુમારનું કામ જોઈને નિર્દેશક અનુરાગ કશ્યપે એને બોલાવ્યો હતો અને ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ (2012) કરવા કહ્યું હતું. ત્યારે અનુરાગે વાર્તા સંભળાવી હતી એમાં ફૈઝલ ખાન (નવાઝુદ્દીન) અને શમશાદ (રાજકુમાર) વચ્ચેની લડાઈ મુખ્ય હતી. એ માટે રાજકુમાર અને નવાઝુદ્દીન વાસેપુર ગયા હતા અને જાણકારી મેળવી હતી. એ જાણકારી પછી અનુરાગે કહ્યું કે તે સ્ક્રિપ્ટ તૈયાર કરીને જણાવશે. ચારેક મહિના પછી વાર્તા લખી અને રાજકુમારને બોલાવીને કહ્યું કે ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે. તે ખુશ થઈ ગયો ત્યારે અનુરાગે કહ્યું કે તારી ભૂમિકા બહુ નાની થઈ ગઈ છે. પણ તું ફિલ્મ કરશે તો મને ગમશે.
રાજકુમારને આંચકો લાગ્યો હતો પણ અનુરાગ સાથે કામ કરવા માગતો હોવાથી હા પાડી દીધી હતી. તે મુંબઇ આવ્યો ત્યારથી નક્કી કરી લીધું હતું કે બીજું કશું કરવું નથી. જે મળે એ અભિનયમાં જ કરવું છે. તે ફિલ્મો માટે જ નહીં નાની જાહેરાતોના ઓડિશનમાં પણ પહોંચી જતો હતો. રાજકુમાર દૂર દૂર સુધી મિત્રની બાઇક ઉપર જતો હતો. એ કારણે ચહેરા પર ધૂળ લાગી જતી હતી એટલે સાથે ગુલાબ જળની સ્પ્રે બોટલ રાખતો હતો અને ચહેરા પર છાંટી દેતો હતો. અનુરાગની ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ની નાની ભૂમિકામાં કામ શરૂ કર્યું એનાથી લાભ જ થયો હતો. એ સમયમાં નિર્દેશક હંસલ મહેતા ‘શાહિદ’ (2012) બનાવવા જઈ રહ્યા હતા. એ માટે કોઈ કલાકારને શોધી રહ્યા હતા. ત્યારે અનુરાગ અને કાસ્ટીંગ નિર્દેશક મુકેશ છાબડાએ રાજકુમારનું નામ સૂચવ્યું. અનુરાગે તો ભલામણ કરી કે હું એની સાથે કામ કરી રહ્યો છું અને એ સોલીડ છોકરો છે. સંદેશ મળ્યો અને રાજકુમાર એમને મળવા ઓફિસે પહોંચી ગયો.
રાજકુમારે કહ્યું કે તમે જે કહેશો એ કરીશ. પહેલી જ મુલાકાતમાં રાજકુમારથી પ્રભાવિત થઈને હંસલ મહેતાએ કહી દીધું કે તું જ ‘શાહિદ’ કરશે. ફિલ્મની પહેલી નકલ બહાર આવી ત્યારે બધા એને જોવા માટે બેઠા હતા. રાજકુમારની પહેલી મોટી અને મુખ્ય ભૂમિકા હોવાથી બહુ ઉત્સાહમાં હતો. ફિલ્મ જોઈને બધાને એમ થયું કે જેવી વિચારી હતી એવી બની નથી. હંસલ મહેતાએ બધાને આશ્વાસન આપ્યું કે ફરીથી એડિટિંગ કરીને જોઈશું. ફિલ્મનું શુટિંગ ઘણું થયું હતું. એમની પાસે વધારાના ઘણા દ્રશ્યો હતા. એક મહિના પછી હંસલે ફરીથી સંપાદન કરાવીને બધાને જોવા બોલાવ્યા. ફિલ્મમાં જાદૂ થયો હોય એવું લાગ્યું. બધાને ફિલ્મ પસંદ આવી હતી. ‘શાહિદ’ રજૂ થયા પછી રાજકુમાર રાવની ખરી કારકિર્દી શરૂ થઈ હતી.
