રાજેશે લતાજી પાસે ડિસ્કો ગીત ગવડાવ્યું  

સંગીતકાર રાજેશ રોશન શરૂઆતથી જ ગાયકોની પસંદગી બાબતે બહુ ચોક્કસ રહ્યા છે. એમના ગીતો વિશેની એમણે જ જણાવેલી કેટલીક રસપ્રદ વાતો જાણવા જેવી છે. ૧૮ વર્ષની ઉંમરે સંગીતકાર તરીકેની પહેલી ફિલ્મ ‘કુંવારા બાપ’ (૧૯૭૪) માં એમણે ‘સજ રહી ગલી’ ગીતમાં અસલી કિન્નરોના સ્વરનો ઉપયોગ કર્યો હતો. રાજેશની પહેલી સૌથી સફળ સંગીતવાળી ફિલ્મ ‘જુલી’ (૧૯૭૫) હતી. જેને આર.ડી. બર્મનની ‘શોલે’ અને ‘ખેલ ખેલ મેં’ સામે ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મના ‘દિલ ક્યા કરે’ ગીતની ધૂન બનાવીને રાજેશ ગીતકાર આનંદ બક્ષી પાસે પહોંચ્યા ત્યારે દિલમાં ગભરાટ હતો. પણ બક્ષીજી ધૂન સાંભળીને ખુશ થયા હતા અને બે કલાકમાં જ ગીત લખી આપ્યું હતું. એમાં એમણે ઓરકેસ્ટ્રાના ૧૦૦ ટુકડાનો પ્રયોગ કર્યો હતો અને એ કિશોરકુમારના શ્રેષ્ઠ ગીતોમાં એક બની રહ્યું હતું.

નિર્દેશક બાસુ ચેટર્જીએ ફિલ્મ ‘સ્વામી’ (૧૯૭૭) નું સંગીત મુક્ત રીતે તૈયાર કરવા કહ્યું ત્યારે ‘ક્યા કરું સજની’ ગીતમાં દક્ષિણના યેસુદાસના અવાજનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. એ વાતથી બાસુદા ખુશ ન હતા. કેમકે ત્યારે મોહમ્મદ રફી આવા ગીતો ગાવા માટે ઉપલબ્ધ હતા. પરંતુ તે રાજેશના સંગીતમાં દખલ દેવા માગતા ન હોવાથી વાંધો ઉઠાવ્યો નહીં અને યેસુદાસ માટે મંજૂરી આપી દીધી હતી. કિશોરકુમારનો જમાનો હતો ત્યારે જ રાજેશે ફિલ્મ ‘બાતોં બાતોં મેં’ (૧૯૭૯) નું ‘ના બોલે તુમ’ ગીત એમના પુત્ર અમિતકુમારના અવાજમાં રેકોર્ડ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. કિશોરકુમારે હા પાડી દીધી હતી પણ અમિતકુમાર ગભરાઈને તૈયાર થતા ન હતા. એમનું કહેવું હતું કે એ પિતાની જેમ ગાઈ શકશે નહીં. ત્યારે રાજેશ રોશન સાથે આશા ભોંસલેએ પણ પ્રોત્સાહન આપ્યા પછી અમિતકુમારે ગાયું હતું.

રાજેશ રોશને ફિલ્મ ‘દો ઔર દો પાંચ’ (૧૯૮૦) નું ટાઇટલ ગીત ‘તુને અભી દેખા નહીં’ માટે કિશોરકુમારને પસંદ કર્યા હતા. પહેલાં એમણે એમ કહીને ના પાડી દીધી હતી કે તે શ્વાસ લીધા વિના એક જ ટેકમાં આવું ઝડપી ગીત ગાઈ શકે એમ નથી. રાજેશે જ્યારે એમને પ્રયત્ન કરવા આગ્રહ કર્યો ત્યારે એમણે રિહર્સલમાં ગાયું અને મજા આવી. પરંતુ જ્યારે રેકોર્ડિંગ વખતે ગીતની વચ્ચે એમણે એક વખત શ્વાસ લીધા ત્યારે રાજેશે અટકાવીને નારાજગી વ્યક્ત કરી. ત્યારે એમણે કહી દીધું કે ખીજવાશો તો હું ગાયા વગર જતો રહીશ. પછી એમણે ઝડપથી શ્વાસ લઈને એ ગીત ગાયું હતું.

જો ગીત ધ્યાનથી સાંભળવામાં આવે તો એમના શ્વાસ સાંભળી શકાય છે. ૧૯૮૦ ના દાયકામાં ડિસ્કો ગીતોની બોલબાલા હતી ત્યારે પણ એમણે મધુર ગીતો તૈયાર કર્યા હતા. એ સાથે જરૂર મુજબ ડિસ્કો ગીત પણ બનાવ્યા હતા. એમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ખુદ્દાર’ (૧૯૮૦) નું ‘ડિસ્કો ૮૨’ ગીત ખૂબ લોકપ્રિય બન્યું હતું. રાજેશ રોશને જ્યારે આ ગીત માટે લતા મંગેશકરને કહ્યું ત્યારે એમણે પહેલાં ના પાડી દીધી હતી અને રાજેશને એમ પણ કહ્યું હતું કે તારો ટેસ્ટ ખરાબ થઈ ગયો છે. મને કેવું ગીત ગાવા કહી રહ્યો છે. ત્યારે રાજેશ રોશને સમજાવ્યા હતા કે અત્યારે ડિસ્કોનો જમાનો ચાલે છે અને તમે આવું ગીત નહીં ગાશો તો પાછળ રહી જશો. અને રાજેશના આગ્રહથી લતાજીએ એ ગીતમાં કિશોરકુમાર સાથે અવાજ આપ્યો હતો.