યશ ચોપડાની ફિલ્મ ‘ડર (અ વાયોલન્ટ લવ સ્ટોરી)’ (૧૯૯૩) અનેક અભિનેતાઓએ નકારાત્મક ભૂમિકા હોવાથી ઠુકરાવ્યા બાદ શાહરૂખ ખાનને મળી હતી. એટલું જ નહીં શાહરૂખે પણ એક કારણથી પહેલાંના પાડી હતી. યશજીના પુત્ર ઉદય ચોપડા અને રિતિક રોશન વચ્ચે મિત્રતા હોવાથી એક વખત હોલિવૂડનીફિલ્મ ‘ડેડ કાલ્મ’ (૧૯૮૯) જોઈ અને એના પરથી હિન્દી ફિલ્મ બનાવવા સૂચન કર્યું. ત્યારે રિતિકે જ વિષયને ધ્યાનમાં રાખીને યશજીને ‘ડર’ નામ સૂચવ્યું હતું. યશજીને એ પસંદ આવ્યું હતું. ઘણાએ એમને કહ્યું હતું કે આવું તે કંઇ ટાઇટલ હોય.
યશજીએ હની ઈરાની અને જાવેદ સિદ્દીકી પાસે સ્ક્રિપ્ટ લખાવ્યા પછીઅભિનેતાઓની પસંદગી શરૂ કરી એમાં ‘સુનીલ મલ્હોત્રા’ તરીકે સની દેઓલ નક્કી થઈ ગયો હતો. એનેપણ પહેલાં શાહરૂખવાળી ભૂમિકા જ ઓફર થઈ હતી. એ નકારાત્મક હોવાથી પોતાની ઈમેજને અનુકૂળમાની ન હતી. યશજીએ ‘રાહુલ મહેરા’ ની નકારાત્મક ભૂમિકા માટે સૌથી પહેલાં સંજય દત્તને યોગ્ય માન્યો હતો. એ વખતે સંજય નકારાત્મક ભૂમિકામાં ‘ખલનાયક’ કરી જ રહ્યો હતો અને બીજું કારણ તે મુંબઈ બોમ્બ ધડાકાના કેસમાં સંડોવાયેલો હતો એટલે શક્ય ના બન્યું. હની ઈરાનીએ એક મુલાકાતમાં કહ્યું છે કે આમિર ખાનને એમણે વાર્તા સંભળાવી હતી. એ પસંદ આવી હતી. ફિલ્મનું મહુરત એની સાથે જ થયું હતું.
આમિરે એક મુલાકાતમાં કહ્યું છે કે એણે યશજી સામે એની ભૂમિકા અને વાર્તા બાબતે કેટલીક દલીલ કરી હતી. સની
દેઓલ સાથે બેસીને વાર્તા સાંભળવાની માંગ પણ કરી હતી. જે સ્વીકારવામાં આવી ન હોવાથી એણે ફિલ્મ છોડી દીધી હતી. ફિલ્મ માટે અજય દેવગનનો વિચાર થયો હતો. એ પણ ત્યારે હકારાત્મક ભૂમિકાઓ જ પસંદ કરતો હતો. ‘ડર’ ની નકારાત્મક ભૂમિકા કરવાનું જોખમ લેવા માગતો ન હતો. છેલ્લે શાહરૂખ પાસે ભૂમિકા પહોંચી હતી.
યશજીએ ઉદય ચોપડાને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે શાહરૂખ ત્યારે એક ‘અંજામ’ અને બીજી અનામ ફિલ્મમાં કામ કરી રહ્યો હતો. એ બંનેમાં તેની નકારાત્મક ભૂમિકા જ હતી. બીજી ફિલ્મ પાછળથી બંધ થઈ ગઈ હતી. યશજીએ એને કહ્યું હતું કે તારી બંને ફિલ્મોથી ‘ડર’ ની વાર્તા અલગ છે. એક વખત તું વાર્તા સાંભળ્યા પછી નિર્ણય લે. શાહરૂખે વાર્તા સાંભળ્યા પછી હામી ભરી દીધી હતી. જુહી ચાવલાની ભૂમિકા માટે પણ ઘણી હીરોઈનો સાથે વાત થઈ હતી.
ડ્રેસ ડિઝાઇનર નીતા લુલ્લાએ એક મુલાકાતમાં કહ્યું છે કે યશજીએ ઐશ્વર્યાનો લુક ટેસ્ટ પણ લીધો હતો. ત્યારે ઐશ્વર્યા ‘મિસ વર્લ્ડ’ સ્પર્ધા માટે જઈ રહી હોવાથી એમને ખ્યાલ આવી ગયો હતો કે મેળ પડે એમ ન હતો. આમ તો છેલ્લે દિવ્યા ભારતી નક્કી થઈ હતી. પરંતુ આમિરે જુહી ચાવલાની ભલામણ કર્યા પછી એ હીરોઈન બની હતી.