ડિનો મોરિયાએ ‘સિધ્ધાંત’ નામ ના રાખ્યું 

મોડેલ ડિનો મોરિયા પહેલી ફિલ્મ કરી રહ્યો હતો ત્યારે નિર્માતાનું નામ બદલવાનું સૂચન માન્ય રાખ્યું ન હતું. મોડેલ તરીકે જાણીતા રહેલા ડિનોને પહેલી ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’ (૧૯૯૯) મળી હતી. રાજેશ ખન્નાની પુત્રી રિંકલની પણ એ પહેલી ફિલ્મ હતી. ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું ત્યારે એક નિર્માતા શૈલેન્દ્ર સિંઘનું કહેવું હતું કે એનું નામ અટપટું લાગતું હોવાથી પાત્રનું નામ ‘સિધ્ધાંત’ રાખી લેવું જોઈએ. ડિનો ત્યારે પર મોડેલ તરીકે પોતાના નામથી જ લોકપ્રિય હોવાથી એને બદલવાની જરૂર લાગી ન હતી. નામ બદલવાથી એને લોકો ના ઓળખે એવું બને એમ હતું. એણે કહ્યું કે લોકોને હું ‘સિધ્ધાંત’ છું એમ કહીશ તો ગુંચવાઇ જશે. તેથી ડિનોએ પોતાનું નામ ફિલ્મના પાત્ર પરથી રાખવાની ના પાડી દીધી હતી.

ડિનોએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ફિલ્મનું શુટિંગ ગોવામાં ચાલતું હતું ત્યારે રૂપિયા ન આવવાથી કામ અટકી જતું હતું. ‘પ્યાર મેં કભી કભી’ માં સંગીતકાર વિશાલ- શેખર અને ગાયક શાન પણ પહેલી વખત કામ કરી રહ્યા હતા. ફિલ્મનું સંગીત બહુ લોકપ્રિય રહ્યું હતું. ‘મુસુ મુસુ હાસી’ અને ‘વો પહલી બાર’ જેવા ગીતોએ યુવાનોમાં ધૂમ મચાવી દીધી હતી. ડિનોએ ફિલ્મનો બહુ પ્રચાર કર્યો હતો. છતાં બોક્સ ઓફિસ પર ખાસ સફળતા મળી ન હતી.

ડિનોને સવા વર્ષ સુધી બીજી કોઈ ફિલ્મ મળી નહીં. એ મોડેલ તરીકે કામ કરતો રહ્યો પણ ફિલ્મોમાં રસ વધારે પડ્યો હતો. ઘણી રાહ જોયા પછી ફિલ્મો ના મળતા સામે ચાલીને નિર્માતાઓને મળવાનું શરૂ કરી દીધું હતું. કોઇની પાસેથી ફોન નંબર લઈ વાત કરીને ‘સત્યા’ (૧૯૯૮) બનાવનાર નિર્દેશક રામ ગોપાલ વર્માને મળવા ગયો. એમણે પાંચ-દસ મિનિટ વાત કરી અને ફોટા પાડીને રાખી લીધા. ડિનો ત્યાંથી આફતાબ સાથે ‘કસૂર’ બનાવનાર અને નવોદિતોને તક આપતા નિર્માતા મુકેશ ભટ્ટને ત્યાં ગયો. એમણે એને સારો આવકાર આપ્યો.

મુકેશે કહ્યું કે એમનો પુત્ર વિશેષ તારી લોકપ્રિયતાથી પરિચિત છે. એમણે એનો એક ફિલ્મ માટે વિચાર કર્યો છે. ત્યાં બેઠેલા મહેશ ભટ્ટે ટીવી માટે કામ કરવાની ઓફર કરી હતી. ડિનોએ ટીવી માટે ના પાડી દીધી હતી. મુકેશ ભટ્ટે ત્યારે જ વિક્રમ ભટ્ટને ફોન કરી ડિનોને મળવાની સૂચના આપી દીધી. ડિનો વિક્રમ પાસે પહોંચ્યો અને વાત કરી. ડિનોને મળીને વિક્રમે મુકેશને ફોન કરી કહી દીધું કે ‘રાઝ’ (૨૦૦૨) માટે એને લઈ શકીએ. ત્યારે ‘રાઝ’ શબ્દના અર્થની જ ડિનોને ખબર ન હતી! બીજા દિવસે ફરી મુકેશ અને વિક્રમ એને સાથે મળ્યા અને ‘રાઝ’ માટે સાઇન કરી લઈ અભિનંદન આપ્યા અને એના પરિવારને આ ખુશખબર આપવા ફોન કરવા કહ્યું. ડિનોએ ભાઈને ફોન કરીને પોતે ફિલ્મ ‘રાઝ’ માટે સાઇન થયો હોવાના સમાચાર આપ્યા હતા. ત્યારે એના ભાઈએ પણ ‘રાઝ’ નો અર્થ પૂછ્યો હતો! ફિલ્મની હીરોઈન લીસા રે હતી.

પહેલું શુટિંગ શિડ્યુલ લીસા સાથે થયા પછી ડિનોને ખબર પડી કે લીસા નીકળી ગઈ છે. ત્યારે એને દર પેઠો કે ફિલ્મ બંધ તો નહીં જાય ને? એણે પોતાની મિત્ર બિપાશા બસુનું નામ સૂચવ્યું અને કહ્યું કે મોટી ફિલ્મ ‘અજનબી’ (૨૦૦૧) કરી રહી છે. મુકેશ અને વિક્રમે એને મળવા બોલાવી અને વાતચીત કરી. બિપાશાને ભૂમિકા પસંદ આવી અને એ કામ કરવા તૈયાર હોવાથી સાઇન કરી લીધી. ‘રાઝ’ માં બિપાશા સાથે ડિનોની જોડી જામી હતી. ફિલ્મની સફળતાથી ડિનો સ્ટાર બની ગયો હતો અને એનું નામ જાણીતું થયું હતું.