જેકી વિલનને બદલે ‘હીરો’ બન્યો

જેકી શ્રોફને હિન્દી ફિલ્મોમાં વિલન બનવું હતું અને પહેલી ફિલ્મમાં વિલનના માણસ તરીકે જ કામ સ્વીકાર્યું હતું પરંતુ નસીબનો એટલો બળીયો રહ્યો કે બીજી ફિલ્મમાં જ હીરો તરીકે કામ મળી ગયું. જેકીને પહેલી તક દેવ આનંદની ફિલ્મ ‘સ્વામી દાદા’ (૧૯૮૦) માં વિલન શક્તિ કપૂરના માણસની મળી હતી. જેકીએ મોડેલિંગ સાથે ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય કર્યો ત્યારે પોતે વિલન તરીકે કામ કરવાનો જ આશય હતો. એટલે જ ‘સ્વામી દાદા’ સ્વીકારી હતી. તે માનતો હતો કે ગીત ગાતા કે ડાન્સ કરતાં આવડતું ન હોવાથી વિલન તરીકેનું કામ જ તેના માટે યોગ્ય રહેશે. એ સમયના અમિતાભ, વિનોદ કે ધર્મેન્દ્ર સામે પોતે દેખાવમાં સારો ન હોવાનું માનતો હતો.

નિર્દેશક સુભાષ ઘઇએ નવોદિત જેકી અને મીનાક્ષી શેષાદ્રીને લઇ ‘હીરો’ બનાવવાનું મોટું જોખમ લીધું હતું. ‘વિધાતા’ અને ‘કર્ઝ’ જેવી સુપરહિટ ફિલ્મો પછી ઘઇને સ્ટાર વગરની ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો. ખાસ કરીને જેકીને અભિનયનો કોઇ અનુભવ ન હતો એ કારણે ઘઇએ મુશ્કેલી અનુભવી હતી. તે જેકીને મળ્યા ત્યારે ત્રણ સવાલ કર્યા હતા કે તને ડાન્સ કરવાનું, ગીત ગાવાનું કે અભિનય કરવાનું આવડે છે? જેકીએ પ્રામાણિકતાથી બધા સવાલના જવાબમાં ના પાડી દીધી હતી. ઘઇએ જ્યારે વાર્તા સંભળાવીને હીરોની ભૂમિકા માટે પસંદ કર્યો ત્યારે એને બહુ નવાઇ લાગી હતી. તેણે ઘઇને કહ્યું કે દેવ સાહેબની એક ફિલ્મમાં ગુંડા શક્તિ કપૂરના સહાયક તરીકે હું કામ કરી રહ્યો છે.

મને હીરો તરીકે લઇને તમે ફસાઇ જશો. પરંતુ ઘઇએ તેની સાથે ફિલ્મ બનાવવાનો પડકાર ઝીલી લીધો હતો. નવોદિત જેકી-મીનાક્ષી સાથે ઘઇએ ‘હીરો'(૧૯૮૩) નું મુહૂર્ત કરી દીધું. ઘઇની ફિલ્મોના એક ફાઇનાન્સર અને વિતરકે મુહૂર્તના દ્રશ્યો જોઇ તેમને બોલાવીને કહ્યું કે હું આ વખતે તમારી ફિલ્મ ખરીદી શકું એમ નથી. કેમકે તમારો દાઢીવાળો હીરો જેકી પસંદ આવ્યો નથી. એમણે એમ પણ કહ્યું કે લાકડાછાપ ચહેરાવાળા હીરોને લઇને તમે ભૂલ કરી છે. એમણે ફિલ્મ ન બનાવવાની સલાહ પણ આપી. ઘઇએ એમની વાત ના માનીને પોતાની પાસેના પૈસાથી ફિલ્મ શરૂ કરી દીધી.

ઘઇને શરૂઆતમાં જેકી સાથે મુશ્કેલી પડી. કેમકે તે માત્ર મોડેલ તરીકે જ કામ કરતો હતો. ઘઇને શંકા હતી કે એ હીરોની ભૂમિકા નિભાવી શકશે કે નહીં. પરંતુ જેકીએ એમને નિરાશ ના કર્યા. ઘઇએ  મોટા દ્રશ્યોને નાના-નાના દ્રશ્યોમાં વહેંચીને તેની પાસે અભિનય કરાવ્યો. ફિલ્મ રજૂ થઇ ત્યારે ફ્લોપ જાહેર થઇ ગઇ હતી. સમીક્ષકોએ ફિલ્મને ઘણી ખરાબ કહી હતી. ઘઇએ તો જેકીને કહી દીધું હતું કે તું પાછો મોડેલિંગ કરવા લાગી જજે. પહેલા અઠવાડિયે ‘હીરો’ ને દર્શકો મળ્યા જ નહીં પણ બીજા-ત્રીજા અઠવાડિયાથી ફિલ્મ એવી ચાલી કે મુંબઇમાં પચાસ અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલતી રહી. અને વિલનનું સપનું જોનાર જેકી શ્રોફ આ ફિલ્મથી બૉલિવૂડનો મોટો હીરો બની ગયો.