વિશ્વ સુંદરી, મોડેલ અને પ્રતિભાશાળી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ ૧ નવેમ્બર, ૧૯૭૩ના રોજ કર્ણાટકના મેંગલોરમાં થયો હતો. ૧૯૯૪માં વિશ્વ સુંદરીનો ખિતાબ જીતીને સૌથી વધુ લોકપ્રિય અને અસરકારક વ્યક્તિત્વોમાંના એક બની રહ્યાં. અભિનય માટે એને દેશ-વિદેશમાં અનેક માન-સન્માન મળ્યાં છે, જેમાં શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડ માટેના અગિયાર નામાંકનનો પણ સમાવેશ થાય છે. ૨૦૦૯માં એમને પદ્મશ્રી સમ્માન પણ મળ્યું. વર્ષ ૨૦૧૨માં ફ્રાન્સ સરકારે ‘ઓર્ડર ડેસ આર્ટસ એટ ડેસ લેટર્સ’નું સન્માન પણ આપ્યું. મીડિયા એમને ઘણી વાર ‘જગતની સૌથી સુંદર સ્ત્રી’ રૂપે ઉલ્લેખે છે.
૧૯૯૭ની મણિરત્નમની તમિલ ફિલ્મ ‘ઈરૂવર’ અને એ જ વર્ષે હિન્દી ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’ થી એ ફિલ્મી પડદે આવ્યા. પહેલી સફળતા તમિલ રોમાન્ટિક ડ્રામા ‘જીન્સ’ (૧૯૯૮)માં મળી. એ પછી સફળતા એની પાછલ દોડતી ગઇ. ‘હમ દિલ દે ચુકે સનમ’ (૧૯૯૯) અને ‘દેવદાસ’ (૨૦૦૨) માટે શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડ્સ પણ મળ્યાં.
ઐશ્વર્યાના અભિનયના વખાણ થયાં હોય એવી ફિલ્મોમાં તમિલ રોમાન્સ ‘કાંડુંકોન્ડેઇન કાંડુંકોન્ડેઇન’, બંગાળી ફિલ્મ ‘ચોખેર બાલી’, હતાશ મહિલા રૂપે ‘રેઈનકોટ’, બ્રિટીશ ડ્રામા ફિલ્મ ‘પ્રોવોક્ડ’ અને ‘ગુઝારીશ’ નો સમાવેશ થાય છે. અન્ય મહત્વની ફિલ્મોમાં મોહબ્બતે’ (૨૦૦૦), એડવેન્ચર ફિલ્મ ‘ધૂમ ૨’, ઐતિહાસિક રોમાન્સ ફિલ્મ ‘જોધા અકબર’, સાયન્સ ફિક્શન ‘એન્થીરન’ અને રોમાન્સ ડ્રામા ‘એય દિલ હૈ મુશ્કિલ’ ગણવામાં આવે છે.
(નરેશ કાપડીઆ-સુરત)
