બોલીવુડનો કિંગખાનઃ શાહરૂખ ખાન

બોલીવુડમાં કિંગખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાનનો જન્મ ૨ નવેમ્બર, ૧૯૬૫ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. ૮૦થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આ અભિનેતાએ અપાર લોકચાહના મેળવવાની સાથે ૧૪ ફિલ્મફેર એવોર્ડ્સ પણ જીત્યા છે અને એ રીતે બોલીવુડના સફળ અભિનેતાઓની યાદીમાં પોતાનું નામ કાયમ કર્યું છે. એની ફિલ્મોના ચાહકોની સંખ્યા અને ફિલ્મોની ટીકીટબારી પરની આવક જોતાં શાહરુખ દુનિયાના સૌથી સફળ ફિલ્મસ્ટાર્સમાંના એક છે.

‘ફૌજી’ જેવી ટી.વી. સિરિયલમાં કામ કરીને 1992 માં ‘દીવાના’ ફિલ્મથી એણે ફિલ્મોમાં એન્ટ્રી મારી. ‘ડર’, ‘બાઝીગર’ અને ‘અંજામ’ જેવી સફળ ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકાઓ કરી. એ પછી શ્રેણીબદ્ધ રોમાન્ટિક ફિલ્મોમાં કામ કરીને સ્ટારડમ મેળવ્યું, જેમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (૧૯૯૫), ‘દિલ તો પાગલ હૈ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘મોહબ્બતેં’ કે ‘કભી ખુશી કભી ગમ’ જેવી ફિલ્મો તો અનેક રેકોર્ડ સર્જયા. બંગાળી સાહિત્યના અમર પાત્ર ‘દેવદાસ’ ને પરદા પર ભજવનાર શાહરૂખ ‘પરદેશ’માં નાસાના વૈજ્ઞાનિક બન્યા તો ‘ચક દે ઇન્ડિયા’માં હોકી પ્રશિક્ષકની ભૂમિકા પણ સુપેરે અદા કરી. ‘માય નેમ ઇઝ ખાન’ (૨૦૧૦)થી દુનિયામાં જાણીતા થયા. ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ (૨૦૧૩) અને ‘હેપી ન્યુ યર’ (૨૦૧૪) સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો બની. ‘પદ્મશ્રી’ નાગરિક સમ્માન મેળવનાર આ અભિનેતાને ફ્રાન્સ સરકારે પણ બે ઉચ્ચ સન્માનથી નવાજ્યા છે.

એક વાત નોંધવા જેવી છે કે બોલીવુડમાં શાહરુખ ખાન કદાચ એ કલાકાર છે, જેને સૌથી વધુ એવોર્ડ્સ મળ્યા છે. ફિલ્મફેરના 30 નામાંકન અને ૧૪ એવોર્ડ્સ મળ્યા છે. આઠ વાર શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ્ મેળવી આ બાબતમાં એ દિલીપકુમારની બરાબરી કરે છે.

(નરેશ કાપડીઆ-સુરત)