ખૂબસૂરત અને પ્રતિભાશાળી અભિનેત્રી, મોડેલ, નિર્માત્રી અને ૧૯૮૪ની મિસ ઇન્ડિયા જૂહી ચાવલાનો આજે ૫૩મો જન્મદિન. ૧૩ નવેમ્બર, ૧૯૬૭ના રોજ અંબાલામાં એમનો જન્મ. એમને બે ફિલ્મફેર એવોર્ડ્ઝ મળ્યા છે. એંશીના દાયકાથી લગભગ પચ્ચીસેક વર્ષ સુધી એ હિન્દી ફિલ્મોની મુખ્ય અભિનેત્રીઓમાંના એક બની રહયા.
પહેલી ફિલ્મ આમ તો ‘સલ્તનત’ (૧૯૮૬), પણ ‘કયામત સે કયામત તક ફિલ્મથી એમને નામ-સફળતા મળી. ફેમિલી ડ્રામા ‘સ્વર્ગ’ અને થ્રીલર ‘પ્રતિબંધ’ પણ એ વર્ષની સફળ ફિલ્મો. એ પછી ‘બોલ રાધા બોલ’, ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘લૂટેરે’, ‘આઈના’, ‘હમ હૈ રાહી પ્યાર કે’ જેવી ફિલ્મો આવી. ‘ડર’ માં પીડિત મહિલા રૂપે સફળતા પછી સબળ નારી પાત્રોમાં પણ દેખાયા. ‘દીવાના મસ્તાના’, ‘યેસ બોસ’ અને ‘ઈશ્ક’ આવી. ફક્ત શાહરુખખાન સાથે જ એમણે ૧૮ ફિલ્મ કરી છે!
મુંબઈની ફોર્ટ કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યા પછી લંડનમાં સિડનહામ કોલેજમાં હ્યુમન રિસોર્સ વિષયમાં સ્પેશ્યલાઈઝેશન કર્યું. ૧૯૮૪માં મિસ ઇન્ડિયા બન્યા તો મિસ યુનિવર્સ સ્પર્ધામાં બેસ્ટ કોસ્ચ્યુમ એવોર્ડ પણ જીત્યા છે. ‘ઝલક દિખલા જા’ ની ત્રીજી સિઝનમાં એ જજ તરીકે દેખાયા હતા. શાહરુખખાન અને નિર્દેશક અઝીઝ મિર્ઝા સાથે જૂહી ચાવલા ‘ડ્રીમ્ઝ અનલીમીટેડ’ ફિલ્મ નિર્માણ કંપનીના સહ-માલિક અને નિર્માત્રી છે. આ કંપનીએ ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ અને ‘અસોકા’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.
અભિનેત્રી હોવા ઉપરાંત જૂહી એક ટીવી પર્સનાલીટી, માનવતાવાદી ઇન્સાન અને આઈપીએલની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના સહ-માલિક તરીકે પણ ઉભરી આવ્યા છે. 1995 માં ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કર્યા અને બે સંતાનોના માતા પણ બન્યા. થેલેસેમિયા રોગ સામેની લડત માટે ફાળો એકઠો કરવા માટે પણ એમણે કાર્યક્રમો કર્યાં છે. એ ચક્ષુદાતા અને રક્તદાતા પણ છે. સિદ્ધહસ્ત નૃત્યાંગના અને શાસ્ત્રીય ગાયિકા પણ છે.
(નરેશ કાપડીઆ-સુરત)