અકબર ખાને બોલિવૂડમાં પોતાના ભાઈ ફિરોઝ ખાનના ચોથા સહાયક નિર્દેશક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ પોતાની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘હાદસા’ (૧૯૮૩) એ બહુ પરીક્ષા કરી હતી. એને બનાવતા વર્ષો લાગી ગયા હતા. નિર્દેશન શીખતા અકબરની અભિનેતા તરીકેની પહેલી ભૂમિકા ફિલ્મ ‘અંજાન રાહેં’ (૧૯૭૪) માં શિક્ષક બનેલા ફિરોઝ ખાનના વિદ્યાર્થી તરીકેની હતી. અભિનયમાં ખાસ કોઈ ભૂમિકા મળી રહી ન હતી. ‘અદાલત’ (૧૯૭૭) વગેરેમાં નાની- મોટી ભૂમિકાઓ કરતો હતો ત્યારે નિર્માતા એન.એન. સિપ્પીએ એને બોલાવ્યો. એમણે એક એવી વાર્તા પર ફિલ્મ બનાવવાની વાત કરી જેમાં અકબરનું પાત્ર મુખ્ય હોય. એમની પાસે જે વિષય હતો એ એમને મજબૂત લાગતો ન હતો. એમણે અકબરને કોઈ વાર્તા ધ્યાનમાં હોય તો કામ કરવા કહ્યું. ત્યારે અકબરના મનમાં ‘હાદસા’ ની વાર્તા રમતી હતી.
અકબરે વાર્તા સંભળાવી અને જે અંદાજમાં નાની-નાની વાતો સાથે વાર્તા સંભળાવી હતી એને કારણે પ્રભાવિત થયેલા એન.એન. સિપ્પી એના પરથી ફિલ્મ બનાવવા તૈયાર થઈ ગયા. પછી પૂછ્યું કે એનું નિર્દેશન કોણ કરશે? અકબર સહાયક નિર્દેશક તરીકે કામ કરી ચૂક્યો હતો અને નિર્દેશક બનવાની તમન્ના હતી પણ સામેથી પોતાનું નામ આપી ના શક્યો. નિર્દેશન માટે વાત કરવાની તેની હિંમત ના થઈ. કેમકે એને હીરો તરીકે લઈ ચૂક્યા હતા. સિપ્પીએ ફરીથી નિર્દેશક કોણ હશે? એમ પૂછ્યું ત્યારે અકબરે હિંમત કરીને કહી દીધું કે એ નિર્દેશન પણ કરી શકે એમ છે. એમણે થોડીવાર વિચાર કરીને હા પાડી દીધી. પણ એક શરત કરી કે આ વાત હમણાં કોઈને કહેવાની નહીં. કેમકે ત્યારે એમની બે ફિલ્મો ‘ફકીરા’ (૧૯૭૬) અને ‘કાલીચરણ’ (૧૯૭૬) બની રહી હતી. અને એમના નિર્દેશકોને એવી આશા હતી કે સિપ્પીની હવે પછીની ફિલ્મનું નિર્દેશન એમને જ મળશે. પરંતુ થયું એવું કે એમની એ ફિલ્મો મોડી પડતી ગઈ. એ કારણે ‘હાદસા’ શરૂ થઈ શકતી ન હતી. ત્યારે અકબરને જાતે જ ફિલ્મનું નિર્માણ કરવાનો વિચાર આવ્યો.
ચિંતા એ થઈ કે એ નવો ચહેરો છે અને હજુ પોતાને અભિનેતા તરીકે કે નિર્દેશક તરીકે સાબિત કર્યો ન હોવાથી કોણ નાણાંકીય મદદ પૂરી પાડશે. આ વાતની ખબર મિત્ર યોગેશ દેસાઈને પડી ત્યારે એમણે રૂ.૩૫૦૦૦ નું ધીરાણ આપ્યું. એમાંથી અકબરે રંજીતા અને સ્મિતા પાટીલને સાઇન કર્યા અને એક ગીત તૈયાર કર્યું. એ ગીત બતાવીને ફાઈનાન્સર શોધવાનું શરૂ કર્યું. એક ફાઈનાન્સર રૂ.૧.૫ લાખ આપવા તૈયાર થયો અને ફિલ્મ શરૂ કરી. પરંતુ એક પછી એક ફાઈનાન્સર આવીને ખસતા ગયા અને ફિલ્મ લંબાતી ગઈ. ફિલ્મનું બજેટ વધતું ગયું. જેમતેમ ફાઈનાન્સ મળ્યું અને આખરે ‘હાદસા’ પૂરી થઈ શકી ખરી. ફિલ્મનો પ્રિમિયર યોજાયો ત્યારે રાજ કપૂર ખાસ આવ્યા હતા અને અકબરનું કામ જોઈ ખૂબ વખાણ કર્યા હતા. બીજા દિવસે પોતાના ઘરે બોલાવીને રાજજીએ અકબરને ફૂલનો ગુલદસ્તો આપીને એમના છોકરાઓને ઉદાહરણ આપતાં કહ્યું હતું કે અકબરે કમાલની ફિલ્મ બનાવી છે. ફિલ્મનું ગીત ‘યે બમ્બઇ શહર હાદસોં કા શહર હૈ’ બહુ લોકપ્રિય રહ્યું હતું. ફિલ્મ બહુ ના ચાલી અને નિર્દેશક તરીકે કોઈ ફિલ્મ નહીં. અભિનેતા તરીકે સ્વાતી, કાલા ધંધા ગોરે લોગ વગેરે મળી હતી.
