ધર્મેન્દ્રએ રાજેન્દ્રકુમારની ‘આરઝૂ’ ના સ્વીકારી           

ફિલ્મ ‘આરઝૂ’ (૧૯૬૫) માં ધર્મેન્દ્ર કામ કરે એવી રાજેન્દ્રકુમારની ઇચ્છા પૂરી થઈ ન હતી. નિર્દેશક રામાનંદ સાગરે બે હીરોવાળી ફિલ્મ ‘આરઝૂ’ બનાવવાનું નક્કી કર્યું ત્યારે એમાં રાજેન્દ્રકુમાર નક્કી હતા. હીરો તરીકે કયા અભિનેતાને લેવા એની મૂંઝવણમાં હતા ત્યારે રાજેન્દ્રકુમારે સૂચન કર્યું કે એ અત્યારે ધર્મેન્દ્ર સાથે ‘આઈ મિલન કી બેલા’ (૧૯૬૪) માં કામ કરી રહ્યા છે એટલે એમને તૈયાર કરશે. રાજેન્દ્રકુમારે ધર્મેન્દ્રને વાત કરી ત્યારે એમણે બહુ પ્રેમથી ના પાડી દીધી. કારણ આપતાં કહ્યું કે હવે બે હીરોવાળી ફિલ્મોને બદલે માત્ર એકલ હીરોની મુખ્ય ભૂમિકાવાળી જ કરવાના છે. અને એવી ભૂમિકાઓ મળી રહી છે.

રાજેન્દ્રકુમારને વાત યોગ્ય લાગી અને વધારે આગ્રહ કર્યો નહીં. જ્યારે રામાનંદ સાગરને આ વાત જણાવી ત્યારે એમને દુ:ખ થયું. એમને ધર્મેન્દ્ર જ એ ભૂમિકા માટે યોગ્ય લાગતા હતા. વિકલ્પ શોધવા બીજા અભિનાતોઓનો વિચાર કરતાં રામાનંદને મનોજકુમાર યાદ આવ્યા. એમણે રાજેન્દ્રકુમારને મનોજકુમાર વિશે પૂછ્યું ત્યારે રાજેન્દ્રકુમારે એ વાત યાદ કરી કે એમને પહેલી સફળ ફિલ્મ ‘હરિયાલી ઔર રાસ્તા’ પોતાને કારણે જ મળી હતી. મનોજકુમાર સાથે પોતે જ વાત કરી લેશે એમ રામાનંદને કહી દીધું. રાજેન્દ્રકુમારે જ્યારે મનોજકુમારને ‘આરઝૂ’ ની ભૂમિકા માટે વાત કરી ત્યારે એ જવાબ આપતાં ખચકાયા પણ પછી પોતાની ઇચ્છા ના હોવાનો નિર્ણય જણાવી જ દીધો. એ પણ બે હીરોવાળી ફિલ્મ કરવા માગતા ન હતા.

બીજા હીરો તરીકે કોઈ અભિનેતા ધ્યાનમાં આવી રહ્યો ન હોવાથી રામાનંદની ‘આરઝૂ’ શરૂ થઈ શકી ન હતી. એક દિવસ રાજેન્દ્રકુમાર મદ્રાસ ગયા હતા ત્યારે એમને ગુરુદત્ત-ફિરોઝ ખાન- માલા સિંહાની ફિલ્મ ‘બહુરાની’ (૧૯૬૩) જોવાની તક મળી. એમને ફિરોઝ ખાનનો અભિનય પસંદ આવ્યો અને ‘આરઝૂ’ માટે એમના નામનો વિચાર કર્યો. એ દિવસોમાં રાજેન્દ્રકુમારના નિર્દેશકભાઈ નરેશકુમાર ફિરોઝ સાથે જ ‘એક સપેરા એક લુટેરા’ (૧૯૬૫) બનાવી રહ્યા હતા. રાજેન્દ્રકુમારે નરેશકુમારને સંદેશો મોકલાવ્યો કે ફિરોઝ મને મળવા આવે એમ કહેવું.

ફિરોઝની સાથે મુલાકાત કરીને રાજેન્દ્રકુમારે એમને ‘આરઝૂ’ માટે પસંદ કરી લીધા અને રામાનંદ સાગરને જાણ કરી. પરંતુ રામાનંદ એમને સાઇન કરવા તૈયાર થયા નહીં. એમણે ફિરોઝની એકપણ ફિલ્મ જોઈ ન હતી. એમણે કહ્યું કે ફિરોઝ નવો છે અને વળી ‘બી’ ગ્રેડની ફિલ્મો કરતો હોવાથી આપણી ફિલ્મમાં મેળ પડશે નહીં. રાજેન્દ્રકુમારે વિશ્વાસ અપાવ્યો કે ફિરોઝ એ ભૂમિકાને ન્યાય આપશે. રાજેન્દ્રકુમારના આગ્રહથી રામાનંદ સાગરે એના માટે હા પાડી દીધી. થોડા દિવસોના શૂટિંગ પછી એમને ફિરોઝની પસંદગી યોગ્ય લાગી. એમને રાજેન્દ્રકુમારની પસંદગી માટે માન થયું. ફિલ્મ સફળ રહી અને એવી વાત થવા લાગી હતી કે ફિરોઝ એના વ્યક્તિત્વને કારણે ઘણા દ્રશ્યોમાં રાજેન્દ્રકુમાર કરતાં વધુ પ્રભાવશાળી લાગે છે.