‘બોબી’ ની આત્મા લક્ષ્મી-પ્યારેનું સંગીત હતું

રાજ કપૂરે ‘મેરા નામ જોકર’ (૧૯૭૦) ને કારણે થયેલા આર્થિક નુકસાનમાંથી બહાર આવવા અને ‘આર. કે. ફિલ્મ્સ’ ને બચાવવા બનાવેલી ફિલ્મ ‘બોબી’ (૧૯૭૩) માં એમના ખાસ સંગીતકાર શંકર- જયકિશનને બદલે લક્ષ્મીકાન્ત -પ્યારેલાલ આવ્યા હતા એનું ઘણાંને આશ્ચર્ય રહ્યું છે. ‘મેરા નામ જોકર’ માં શંકર- જયકિશનના સંગીતમાં રાજજીના પ્રિય અને એમનો અવાજ ગણાતા ગાયક મુકેશના સ્વરમાં અનેક ગીતો હતા. તેઓ લતા મંગેશકરના અવાજનો એમાં ઉપયોગ કરવા માગતા હતા પણ એક ગીતના શબ્દોને કારણે એ શક્ય બન્યું ન હતું.

લતાજીએ જાતે એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘મેરા નામ જોકર’ માટે રાજજી સાથે સમસ્યા ઊભી થઈ હતી અને મેં ગીત ગાયું ન હતું. મને એના ‘અંગ લગ જ બલમા’ ગીતના કેટલાક શબ્દો યોગ્ય લાગ્યા ન હતા અને એની સાથે સંમત ન હતી. પછીથી એ ગીત આશા ભોંસલેએ ગાયું હતું. ત્યાર બાદ લતાજીએ રાજજીની ‘સત્યમ શિવમ સુંદરમ’ (૧૯૭૮) માં બધા જ ગીતો ગાયા હતા. જોકે, લતાજીએ એ વાત પણ સ્વીકારી છે કે ‘બોબી’ કરતાં ‘સત્યમ શિવમ સુંદરમ’ ના ગીતો વધારે ગમ્યા હતા. અસલમાં ‘મેરા નામ જોકર’ ના ગીતના શબ્દો ઉપરાંત રોયલ્ટી બાબતે પણ લતાજીને રાજજી સાથે વિવાદ થયો હતો અને એમની કોઈ ફિલ્મમાં એ કામ કરવા માગતા ન હતા. તેથી રાજજીએ એ કામ લક્ષ્મીકાન્ત -પ્યારેલાલ મારફત કર્યું હતું.

પહેલાં ‘બોબી’ માટે મુકેશને લક્ષ્મીકાન્ત -પ્યારેલાલ પાસે મોકલ્યા હતા. કેમકે રાજજી ‘મેરા નામ જોકર’ ની નિષ્ફળતા પછી શંકર -જયકિશન સાથે કામ કરવા માગતા ન હતા. અને ‘બોબી’ યુવાનોની ફિલ્મ હોવાથી અલગ સંગીત જોઈતું હતું. મુકેશ જ્યારે લક્ષ્મીકાન્ત -પ્યારેલાલને ત્યાં વાત કરવા ગયા ત્યારે પ્યારેલાલ હાજર ન હોવાથી લક્ષ્મીકાન્તે પછીથી જવાબ આપવા કહ્યું હતું. ચર્ચા કર્યા પછી લક્ષ્મીકાન્ત -પ્યારેલાલે પહેલાં ના પાડી દીધી હતી. તે નહોતા ઇચ્છતા કે શંકર- જયકિશન નારાજ થાય. પણ મુકેશે સમજાવ્યા કે તમે ના પાડશો તો રાજજી બીજા સંગીતકારને લઈ લેશે. મુકેશના સમજાવ્યા પછી ‘બોબી’ માં લક્ષ્મીકાન્ત -પ્યારેલાલ આવ્યા હતા. તેમની શરત પણ મહિલા સ્વરના ગીતો લતાજી પાસે ગવડાવવાની હતી એટલે રાજ કપૂરનું કામ થઈ ગયું હતું.

ફિલ્મનું સંગીત રજૂ થયું ત્યારે એની સાથે રાજ કપૂરે પહેલી વખત એના બેકગ્રાઉન્ડ સંગીતના ‘બોબીની આત્મા’ નામથી બે ટ્રેક પણ આપ્યા હતા. કેમકે ફિલ્મનું સંગીત એની આત્મા હતું. કોઈ ફિલ્મનું પાર્શ્વસંગીત રજૂ થયું હોય એવી ‘બોબી’ પહેલી ફિલ્મ બની હતી. ‘બોબી’ સાથે સંકળાયેલી એક વાત એવી છે કે ફિલ્મના બેકગ્રાઉન્ડ માટે મુકેશના સ્વરમાં વિઠ્ઠલ પટેલે લખેલું એક ગીત ‘જો કહતે હૈ હમસે’ પણ રાજ કપૂર રેકોર્ડ કરવાના હતા. જે કોઈ કારણથી શક્ય બન્યું ન હતું. જ્યારે ફિલ્મ ‘દરિયા દિલ’ (૧૯૮૮) માટે આ ગીત વાપરવામાં આવ્યું હોવાની ખબર રાજજીને પડી ત્યારે એમણે કેસ કરવાનું વિચાર્યું હતું. પરંતુ આ ગીત મુકેશના પુત્ર નિતિને ગાયું હોવાનું જાણ્યા પછી વિચાર પડતો મૂક્યો હતો.