ફિલ્મ ‘દસ’ નું ‘દસ બહાને’ ગીત અકસ્માતે આવ્યું હતું!

ફિલ્મ ‘દસ’ નું ‘દસ બહાને કરકે લે ગયે દિલ’ ગીત ખરેખર એક અકસ્માત જેવું હતું. આ ગીતની રચના ગીતકાર પંછી જાલોનવીએ કરી હતી. જેમનું મૂળ નામ સૈયદ હસન છે. એમણે પહેલું ગીત લખ્યું એ અનુભવ સિંહાને બહુ પસંદ આવ્યું હતું અને એ પછી બધા જ ગીતો લખવાની જવાબદારી સોંપી હતી.

એમાં રસપ્રદ વાત એ છે કે જે પહેલું ગીત લખ્યું હતું એને અનુભવે ફિલ્મમાં લીધું ન હતું અને ફિલ્મનું શુટિંગ તથા અન્ય તમામ કામ પૂરું થઈ ચૂક્યું હતું ત્યાં સુધી ‘દસ બહાને’ ગીત હતું જ નહીં! અનુભવને વિશાલ – શેખરની પ્રોમો માટેની ધૂન પસંદ આવ્યા પછી એને ફિલ્મના ટાઇટલ ગીત તરીકે રાખવાનો વિચાર આવ્યો હતો.

અસલમાં નિર્દેશક અનુભવ સિંહાએ સંગીતકાર વિશાલ -શેખરને ફિલ્મ ‘દસ’ નો થીમ ટ્રેક તૈયાર કરવા કહ્યું હતું. એ માટે જેમ્સ બોન્ડની કોઈ ફિલ્મના સંગીતનું ઉદાહરણ આપ્યું હતું. બંનેએ કહ્યું કે તમે જે ઉદાહરણ આપ્યું છે એ પ્રકારનું સંગીત જૂનું લાગશે. એમણે પૂછ્યું કે અમે હિપ-હોપ પ્રકારનું કશુંક નવું કરીએ? ત્યારે અનુભવે હા પાડી. એ સમય પર અનુભવે ફિલ્મ માટે આ ગીત વિચાર્યું ન હતું. માત્ર પ્રચાર માટે જ આશય હતો. બે દિવસ પછી વિશાલ-શેખરે દેશી હાર્મોનિયમ પર આધુનિક હિપ-હોપની બે ધૂન છેડી હતી. બંને ધૂન સરસ હતી. પણ અનુભવને ‘દસ બહાને’ વાળી વધુ ગમી હતી.

થોડા સમય પછી અનુભવે જ્યારે બીજી ધૂન યાદ કરીને વિશાલ- શેખર પાસે માંગી ત્યારે એમણે એને કાઢી નાખી હતી. તેઓ એક નિર્દેશકને જે ધૂન પસંદ ના આવી હોય એ રાખતા ન હતા કે બીજાને સંભળાવતા ન હતા. થીમ ટ્રેક એટલો પસંદ આવ્યો હતો કે અનુભવે એને એક ગીત તરીકે લેવાનો નિર્ણય કરી લીધો હતો. આ વધારાના ગીતનું ફિલ્માંકન કરવાનું નક્કી કર્યું ત્યારે ઝાયેદ ખાન અને અભિષેકની તારીખો મળી રહી ન હતી. બહુ મુશ્કેલીથી તારીખો મેળવીને અનુભવે માત્ર 6 કલાકમાં એનું શુટિંગ કરી લીધું હતું.

એક નાનકડી ટ્યુનમાંથી જન્મેલું ‘દસ બહાને કરકે લે ગયે દિલ’ ગીત બોલિવૂડનું સૌથી મોટું ચાર્ટબસ્ટર બન્યું હતું. અને આટલું હાઈ-ફાઈ અને પશ્ચિમી શૈલીનું ગીત સૌપ્રથમ હાર્મોનિયમ પર કમ્પોઝ કરવામાં આવ્યું હતું. ગીતને તૈયાર કરવામાં કોઈ કસર છોડવામાં આવી નહોતી. શાન અને કેકે જેવા દિગ્ગજ ગાયકોએ એમાં એવો જીવ પૂર્યો કે આજે પણ ગીત વાગતાની સાથે જ પગ આપોઆપ થિરકવા લાગે છે. ગીતની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે 2005માં જ્યારે ‘બંટી ઔર બબલી‘ નું ‘કજરા રે’ ધૂમ મચાવી રહ્યું હતું ત્યારે તેની સામે એકમાત્ર ‘દસ બહાને કરકે લે ગયે દિલ’ એવું ગીત હતું જેણે ટક્કર આપી હતી. આ ગીતે વિશાલ-શેખરની જોડીને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી.

આ ગીતની લોકપ્રિયતા એટલી હદે હતી કે વર્ષો પછી 2020માં ‘બાગી 3’ માં તેને રીમિક્સ કરવામાં આવ્યું હતું છતાં જૂના ચાહકો માટે તો અસલ ગીતનો જાદુ આજે પણ અકબંધ છે. ‘દસ બહાને’ ગીત માત્ર એક ગીત નથી પણ બોલિવૂડના એક્શન અને સ્ટાઇલના એ યુગની ઓળખ છે.