નાનાની ‘ક્રાંતિવીર’ માટેની દિલીપકુમારની વાત સાચી પડી   

નિર્દેશક મેહુલકુમારે ફિલ્મ ‘ક્રાંતિવીર’ (૧૯૯૪) સાથે જોડાયેલી બે રસપ્રદ વાતો કરી હતી. ફિલ્મમાં ઇન્ટરવલ પછી એક દ્રશ્ય ઉમેર્યું હતું જેની નાના પાટેકરને પણ ખબર ન હતી. અને નાના બીમાર હોવા છતાં એના ક્લાઇમેક્સનું શુટિંગ કર્યું હતું. ફિલ્મ તૈયાર થઈ ગઈ અને એની પહેલી નકલ બહાર આવી ત્યારે મેહુલકુમારે ટ્રાયલ જોઈ અને થયું કે હિન્દુ- મુસલમાનનું લોહી એક જ રંગનું છે એ સૌથી મહત્વનું દ્રશ્ય ઇન્ટરવલ પછી તરત જ આવી જાય છે. મેહુલકુમારને થયું કે ઇન્ટરવલમાં નાસ્તો કરવા કે ધૂમ્રપાન માટે જતાં લોકો મોડા આવે છે અને તેઓ એને જોઈ શકશે નહીં. એટલે ઇન્ટરવલ પછી એક નવું દ્રશ્ય ઉમેરવાનું વિચાર્યું. એમને એક લારીવાળા સાથેની મુલાકાતનો પ્રસંગ યાદ આવી ગયો અને એક લારી લઈ ધંધો કરતાં ગરીબ વૃધ્ધનું દ્રશ્ય ઉમેરવાનું નક્કી કર્યું.

મરાઠી નાટકોના નિર્દેશક કોઈ ફી લીધા વગર એ દ્રશ્ય કરવા માટે તૈયાર થઈ ગયા હતા. જેમાં એ કહે છે કે તમે હિન્દુ હોય તો મને મુસલમાન સમજીને મારી નાખો અને મુસલમાન હોય તો હિન્દુ સમજીને મારી નાખો. આ દ્રશ્યને લાંબુ કરવા એને દૂરથી લારી લઈને આવતો બતાવ્યો હતો એટલું જ નહીં કેટલાક ક્લોઝઅપ દ્રશ્યો પણ લીધા હતા. જ્યારે નાનાએ અંતિમ ટ્રાયલ જોઈ ત્યારે આ દ્રશ્ય માટે નવાઈ લાગી હતી. એ દ્રશ્ય એમને બહુ ગમ્યું હતું અને ફિલ્મની હાઇલાઇટમાંનું એક બની ગયું હતું. ‘ક્રાંતિવીર’ ના ક્લાઇમેક્સના શુટિંગનું આયોજન થઈ ગયું હતું ત્યારે નાના પાટેકર બીમાર થઈ ગયા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેહુલકુમાર નાનાને મળવા ગયા હતા અને કહ્યું હતું કે તારી તબિયત સારી નથી એટલે ક્લાઇમેક્સનું શુટિંગ રદ કરી દઈએ. ત્યારે નાનાએ પોતાના અંદાજમાં કહ્યું કે મને છાતીમાં દુ:ખાવાની તકલીફ છે.

હું મરી જઈશ તો તારી ફિલ્મ અધૂરી રહી જશે. તું વિશ્વાસ રાખ મને કશું થશે નહીં. શુટિંગ માટે સેંકડો જુનીયર કલાકારો બોલાવ્યા છે એમને એમ જ ફી આપી દેવી પડશે. નાનાએ બીજા દિવસે કોઈપણ રીતે શુટિંગ કરવાનો નિર્ણય કર્યો. મેહુલકુમારે કહ્યું કે સ્ટેજ પરનું મુખ્ય દ્રશ્ય એક જ શોટમાં હું ચાર કેમેરા લગાવીને પૂરું કરી લઇશ. પછીથી ડેનીને મારવાનું દ્રશ્ય પણ લઈ લઈશું. તારે સંવાદ યાદ કરી લેવા પડશે. નાના તૈયાર થઈ ગયા અને બીજા દિવસે ડૉક્ટર સાથે એમ્બ્યુલન્સમાં શુટિંગ પર આવી ગયા. મેહુલકુમારે શુટિંગની તૈયારી થાય ત્યાં સુધી નાનાને સંવાદ યાદ કરી લેવા કહ્યું અને વચ્ચે જરૂર લાગે તો બીજા શબ્દો પણ ઉમેરવાની છૂટ આપી.

નાનાએ ખરેખર એક જ શોટમાં શુટિંગ કર્યું અને એમાં એ ફાંસીનો ફંદો ગળામાં નાખવા જતી વખતે બોલે છે એ સંવાદ જાતે જ ઉમેર્યો હતો. અભિનેતા દિલીપકુમારને ‘ક્રાંતીવીર’ વિશે ખબર પડી ત્યારે એમણે પોતાના માટે એક ખાસ ટ્રાયલ શૉ રાખવા મેહુલકુમારને કહ્યું હતું. સુનીલ દત્તના અજંટા થિયેટરમાં ફિલ્મ જોયા પછી દિલીપકુમારે બહાર આવી ક્લાઇમેક્સના વખાણ કરી ત્યાં નરગીસનો મોટો ફોટો હતો એ બતાવી મેહુલકુમારને કહ્યું કે ‘મધર ઈન્ડિયા’ ની ટ્રાયલ પછી મેં નરગીસને કહ્યું હતું કે તું ગમે એટલી ફિલ્મો કરીશ પણ તારા પર ‘મધર ઈન્ડિયા’ નું ટાઇટલ કાયમ માટે રહેશે. હવે તું નાનાને કહી દે કે એ ગમે એટલી ફિલ્મો કરશે પણ ‘ક્રાંતિવીર’ નું લેબલ એના પર કાયમ રહેશે. અને એમ જ બન્યું. એક યોગાનુયોગ એ રહ્યો કે ‘ક્રાંતિવીર’ માટે નાના પાટેકરને ફિલ્મફેરનો એવોર્ડ દિલીપકુમારના હસ્તે જ મળ્યો હતો.