બોલીવૂડની સૌથી આઇકોનિક ફિલ્મોમાંની એક ‘મિ. ઈન્ડિયા’ (1987) પડદા પર આવી એ પહેલાં તેની પાછળ એક
આખી ફિલ્મી કહાણી છુપાયેલી છે! એમાં અમિતાભ બચ્ચન દેખાયા નહીં એની પાછળની એક વાર્તા છે. તો અમરીશ પુરી છેલ્લે કેવી રીતે જોડાયા એની રસપ્રદ વાતો પણ જાણવા જેવી છે.
લેખક જોડી સલીમ- જાવેદે ફિલ્મ ‘મિ. ઈન્ડિયા’ ની વાર્તા લખી ત્યારે સૌપ્રથમ એને રમેશ સિપ્પી નિર્દેશિત કરવાના હતા. પણ વિષય જાણીને એમને ખ્યાલ આવી ગયો કે અદ્રશ્ય માણસની વાર્તા હોવાથી સ્પેશ્યલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવો પડશે તેથી મોંઘી બનશે. એમની છેલ્લી ફિલ્મ ‘શાન’ ખાસ ચાલી ન હોવાથી તે જોખમ લેવા માંગતા ન હતા.
રમેશ સિપ્પીએ ના પાડ્યા પછી સલીમ- જાવેદે જાતે જ નિર્માણ કરવાનું નક્કી કર્યું અને હીરો તરીકે અમિતાભ બચ્ચનને લેવાનો નિર્ણય કર્યો. અને ફિલ્મમાં હીરો દેખાય એના કરતાં એનો અવાજ જ વધુ રેકોર્ડ કરવાનો હતો એટલે અમિતાભના શુટિંગ માટે બે અઠવાડિયા જ જરૂરી હતા. સલીમ- જાવેદને આશા હતી કે એમની સાથે અગાઉ કામ કર્યું હતું અને વધારે શુટિંગ કરવાનું ન હોવાથી અમિતાભ ઓછી કિંમતે તૈયાર થઈ જશે. પરંતુ જ્યારે અમિતાભ પાસે આ ફિલ્મની ઓફર પહોંચી ત્યારે વધારે કિંમત માંગી તેથી એમણે ફિલ્મ જાતે બનાવવાનો વિચાર માંડી વાળ્યો. અસલમાં ફિલ્મમાં અમિતાભ વધારે સમય દેખાવાના ન હતા એટલે એમણે કામ કરવાનું ટાળ્યું હતું. એ સમય પર અમિતાભ દરેક ફિલ્મમાં પડદા પર સતત દેખાતા રહેતા હતા.

ફિલ્મની વાર્તા જ્યારે બોની કપૂર પાસે પહોંચી ત્યારે એમણે અનિલ કપૂર અને શ્રીદેવી સાથે બનાવવાનું નક્કી કર્યું. જ્યારે બોની શ્રીદેવીને સાઇન કરવા મદ્રાસ ગયા ત્યારે એમની માતાએ ભાવતાલની વાત કરી. બોનીએ જાણી રાખ્યું હતું કે શ્રીદેવી મોટી સ્ટાર છે અને એક ફિલ્મના સાડા આઠ લાખ રૂપિયા લે છે. પરંતુ માતાએ દસ લાખનો આંકડો કહ્યો. બોનીએ શ્રીદેવી માટે અગિયાર લાખ રૂપિયા અને હોટલમાં રહેવા સહિતની તમામ સુવિધા આપવાની ખાતરી આપી. ફિલ્મમાં અનુપમ ખેરને ‘મોગેમ્બો’ ની ભૂમિકા માટે સાઇન કરવામાં આવ્યા હતા.
અગાઉ વિનોદ ખન્નાની ‘મહા બદમાશ’ (૧૯૭૭) માં પણ વિલનનું નામ ‘મોગેમ્બો’ હતું અને આખી ફિલ્મમાં એનો ચહેરો માસ્કથી છુપાવવામાં આવ્યો હોવાથી દેખાતો નથી. એના માટે ભારેખમ અવાજ રઝા મુરાદનો હતો. જોકે, અંતમાં એ કલાકાર બીજો જ નીકળે છે. ‘મોગેમ્બો’ના ભવ્ય વિલન પાત્ર માટે સૌપ્રથમ સાઈન થયા હતા અનુપમ ખેર! તેમણે કામ શરૂ કરી દીધું. પણ… અડધી ફિલ્મ બની ગયા પછી નિર્દેશક શેખર કપૂરને લાગ્યું કે કંઈક ખૂટે છે. અનુપમ ખેરમાં એ કઠોરતા, એ ભવ્યતા દેખાતી નહોતી.

ખુદ અનુપમ ખેરે પણ પાછળથી સ્વીકાર્યું કે તેઓ એ પાત્રને અમરીશ પુરી જેટલી કઠોરતાથી ભજવી નહોતા શક્યા. અમરીશને ફિલ્મ ઓફર થઈ ત્યારે એ ભૂમિકા ભજવવા અંગે ડર અનુભવતા હતા પણ પછી એ ભૂમિકાએ એમને લોકપ્રિયતા અપાવી હતી. ‘મિ. ઈન્ડિયા’ શરૂ થઈ અને જ્યારે જાવેદ અખ્તરે ‘મોગેમ્બો ખુશ હુઆ’ સંવાદ લખ્યો ત્યારે શેખરને પસંદ આવ્યો ન હતો અને બદલવા કહ્યું હતું. પણ જાવેદે વિશ્વાસ અપાવ્યો હતો કે લોકોને પસંદ આવશે અને આ સંવાદનો ઉપયોગ પોતાની ખુશી જાહેર કરવા માટે કરશે. આજે આ સંવાદ ભારતની ઓળખ બની ગયો છે! ‘મોગેમ્બો’ માટે કોસ્ચ્યુમ બનાવવાનું કામ અમરીશ પુરીએ માધવજીને સોંપાવ્યું હતું.
અમરીશ માટે ત્રણ અને એક ડ્રેસ એમના ડુપ્લિકેટ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. માધવજીને પચીસ હજાર રૂપિયા ફી આપવાની હતી. જ્યારે બોનીએ ‘મોગેમ્બો’ નો ડ્રેસ જોયો ત્યારે ખુશ થઈને દસ હજાર રૂપિયા વધારે આપ્યા હતા. આમ એક રિજેક્ટેડ આઈડિયા, એક નારાજ સુપરસ્ટાર અને એક બદલાયેલા વિલનને કારણે ‘મિ. ઈન્ડિયા’ માત્ર એક ફિલ્મ ન રહેતા ભારતીય સિનેમાનો એક અવિસ્મરણીય હિસ્સો બની ગઈ!




