જૂના જમાનાના સંગીતકાર ગુલામ હૈદર સાહેબનું ૯ નવેમ્બર, ૧૯૫૩ના રોજ માત્ર ૪૪ વર્ષની વયે નિધન થયું હતું. બોલતી ફિલ્મોની શરૂઆત થઇ ત્યારથી, ૧૯૩૨ થી ૧૯૫૩ સુધી, એ પ્રવૃત્ત હતા. એમણે શરૂઆતી ફિલ્મ સંગીતનું સ્વરૂપ બદલ્યું હતું. શાસ્ત્રીય રાગ અને બોલમાંથી ફિલ્મ સંગીતને સરળ-સુગમ બનાવી તથા પંજાબી લોકસંગીતના તાલનો ઉપયોગ કરીને એ ખૂબ સફળ થયા.
લતા મંગેશકરને પહેલીવાર પાશ્વગાયન કરાવવાનું માન પણ એમને આપવું જોઈએ. ૨૦૧૩માં પોતાના ૮૪મા જન્મદિને ખુદ લતાજીએ ‘ગુલામ હૈદર ખરેખર મારા ગોડફાધર હતા’, એમ એક મુલાકાતમાં કહ્યું હતું. એમણે લતાજીને ‘મજબુર’ (૧૯૪૮)માં ફિલ્મ માટે પહેલી વાર ગવડાવ્યું હતું.
૧૯૦૮માં હાલ પાકિસ્તાનના પંજાબમાં આવેલા નારોવાલમાં ગુલામજીનો જન્મ. શાળાકીય શિક્ષણ પૂરું કરીને દાંતના ડોક્ટર બન્યા. સંગીતના પ્રેમે એમને પરિવારના વિરોધ છતાં ડેન્ટીસ્ટની કરિયર છોડાવી. એમની પહેલી રજૂ થયેલી ફિલ્મ પંચોલીની પંજાબી ફિલ્મ ‘ગુલ-એ-બકાવલી’ હતી. ‘ખજાનચી’ (૧૯૪૧) એમની પહેલી સફળ ફિલ્મ. નૂરજહાંની પહેલી ફિલ્મ ‘ખાનદાન’ (૧૯૪૨)માં એમનું સંગીત પણ લોકપ્રિય થયું.
એ વર્ષે ત્રણ-ચાર ફિલ્મો કરતા. મુંબઇ આવ્યા પછી ‘હુમાયું’ (૧૯૪૫)નું સંગીત હીટ થયું. પછી ‘શહીદ’ અને ‘કનીઝ’ પણ સફળ થઇ.
આઝાદી પછી ગુલામ હૈદર લાહોર પાછા ગયા. એમની પહેલી પાકિસ્તાની ફિલ્મ ‘શાહિદા’ આવી. પછી ‘બેકરાર’, ‘અકેલી’ અને ‘ભીગી પલકેં’ સહિત ઘણી ફિલ્મો આવી, પણ બહુ સફળ ન થઇ. છેલ્લી ફિલ્મ ‘ગુલનાર’ (૧૯૫૩) રજૂ થવાના થોડા દિવસ પહેલાં જ હૈદર મૃત્યુ પામ્યા.
(નરેશ કાપડીઆ-સુરત)